વડોદરા, ગુજરાત: મહારાજા સૈયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના જિયોગ્રાફી ડિપાર્ટમેન્ટ દ્વારા દર વર્ષે યોજાતા વાર્ષિક ‘ભૂમિ ફેસ્ટ’માં ગ્રીનમેન વિરલ દેસાઈએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને તેમણે વિદ્યાર્થીઓ સાથે ક્લાયમેટ એક્શન સંદર્ભે સંવાદ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે એમ. એસ યુનિવર્સિટીના જિયોગ્રાફી ડિપાર્ટમેન્ટ દ્વારા ભૂમિ ફેસ્ટિવલનું વાર્ષિક આયોજન થતું હોય છે, જેમાં ડિપાર્ટમેન્ટ દ્વારા યુનિવર્સિટીના વિવિધ ડિપાર્ટમેન્ટ્સ વચ્ચે અનેકવિધ રસપ્રદ સ્પર્ધાઓનું આયોજન થતું હોય છે. એમ. એસ. યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓ વચ્ચે લોકપ્રિય બનેલા આ ફેસ્ટિવલમાં ઉદ્યોગપતિ અને જાણીતા પર્યાવરણવિદ્ વિરલ દેસાઈએ ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી.
આ પ્રસંગે વિરલ દેસાઈએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી તેમને પોતાની મુહીમ ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન’માં જોડાઈ ‘પર્યાવરણ સેનાની’ બનવા અહ્વાન કર્યું હતું. તેમજ તેઓ વ્યક્તિગત ધોરણે પર્યાવરણ સંરક્ષણમાં તેમનું યોગદાન કઈ રીતે આપી શકે એ માટેની તલસ્પર્શી જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘ક્લાયમેટ ચેન્જની સમસ્યા વૈશ્વિક રીતે એટલી બધી વકરી છે કે એ સમસ્યાઓ સામે બાથ ભીડવા માટે જનજન સુધી આ આંદોલન પહોંચવું અને જનજનનું જાગૃત થવું અત્યંત જરૂરી છે. મને વિશ્વાસ છે કે એમ.એસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એ બાબતે જાગૃત થશે અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં નક્કર પગલાં ભરશે.’
કાર્યક્રમ દરમિયાન જિયોગ્રાફી ડિપાર્ટમેન્ટના હેડ ઑફ ધ ડિપાર્ટમેન્ટ ડૉ. બિન્દુ ભટ્ટે વિશેષ રાજીપો વ્યક્ત કર્યો હતો અને વિરલ દેસાઈને ધરપત આપી હતી કે તેમના વિદ્યાર્થીઓ પણ પર્યાવરણ સેનાની બનશે. અંતમાં ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણના શપથ લેવડાવીને તેમને ‘પર્યાવરણ સેનાની’ બનાવ્યા હતા અને ડિપાર્ટમેન્ટ ખાતે વૃક્ષારોપણ કરાયું હતું.