સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

સિવિલ હોસ્પિટલના ચીફ સિક્યુરિટી ઓફિસર હરેન ગાંધીએ પ્લાઝમા ડોનેટ કર્યા

પ્લાઝમા ડોનેટ કરી શકાય એ માટે વેક્સિન લીધી ન હતી:  હરેન ગાંધી

વેક્સિન લેતાં પહેલાં રક્તદાન અને કોરોનામુક્ત થયાં બાદ પ્લાઝમા દાન માટે આગ્રહભરી અપીલ કરતાં હરેન ગાંધી

સુરત: કોરોનામુક્ત થયેલાં સુરતીઓની સાથોસાથ અનેક કોરોનાયોદ્ધાઓ પણ  પ્લાઝમા દાન કરી સમાજ પ્રત્યેની ફરજને અગ્રતાક્રમ આપ્યો છે, ત્યારે સિવિલ હોસ્પિટલના ચીફ સિક્યુરિટી ઓફિસરશ્રી હરેન ગાંધીએ પ્લાઝમા ડોનેટ કરીને લોકોને આગ્રહભરી અપીલ કરતા જણાવ્યું કે વેક્સિન લેતાં પહેલાં રક્તદાન અને કોરોનામુક્ત થયાં બાદ પ્લાઝમા દાન અવશ્ય કરીએ.

કોવિડના ગત વર્ષના પ્રથમ ફેઝથી સિવિલના ચીફ સિક્યુરિટી ઓફિસરની જવાબદારી વહન કરી રહેલા ૪૯ વર્ષીય હરેનભાઈ નિવૃત્ત એરફોર્સ ઓફિસર છે. તેમણે પ્લાઝમા ડોનેટ કરી શકાય એ માટે વેક્સિન લીધી ન હતી. તેમણે શક્ય હોય ત્યાં સુધી પ્લાઝમા ડોનેટ કરવાનો સંકલ્પ કર્યો છે.

શ્રી ગાંધીએ જણાવ્યું હતું કે, ‘સિવિલની સુરક્ષા ફરજ દરમિયાન ગત તા.૦૪ માર્ચે કોરોનાના પ્રાથમિક લક્ષણો હતાં, બે દિવસ જરૂરી સારવાર લીધી, સાવચેતીના પગલાંરૂપે ૦૬ માર્ચના રોજ કોરોના રિપોર્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવ્યો. તા.૧૨મી સુધી હોમ આઈસોલેશનમાં રહી સારવાર મેળવી, પરંતુ તા.૧૨મીની રાત્રિ દરમિયાન શ્વાસ લેવામાં સમસ્યા સર્જાતા તા.૧૩મીએ મને નવી સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જ્યાં ૦૭ દિવસ સુધી ડોક્ટરોની ઉમદા સારવારના કારણે હું કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યો હતો. મારો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો ત્યારે જ મેં સંકલ્પ લીધો હતો કે પ્લાઝમા ડોનેટ કરીને જરૂરિયાતમંદને મદદરૂપ બનવું છે. વેક્સિન અભિયાનમાં રસી મૂકાવવાની ઈચ્છા હતી, પરંતુ જો હું વેક્સિન મૂકાવું તો પ્લાઝમા ડોનેટ ન કરી શકું એટલે પ્લાઝમા ડોનેટ ન થાય ત્યાં સુધી વેક્સિન લીધી ન હતી, હવે જરૂરથી વેક્સિન લઈશ.

હરેનભાઈ વધુમાં જણાવે છે કે, હાલના તબક્કે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, રાજ્યમાં પ્લાઝમા અને રક્તની અછત વર્તાઈ રહી છે. એક પૂર્વ સૈનિક અને જાગૃત નાગરિક તરીકે સૌને મારી અપીલ છે કે, પ્લાઝમા દાન કરીને કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોએ પણ પ્લાઝમા દાન તેમજ રક્તદાન માટે પણ આગળ આવવું જોઈએ. સરકારશ્રી દ્વારા તા.૦૧ મે થી ૧૮ વર્ષથી ઉપરના લોકોને રસી મૂકાશે, જેથી દરેક યુવાનો રસી મૂકાવતા પહેલા રકતદાન અવશ્ય કરો. કારણ કે રસી લીધાના  ૨૮ દિવસ બાદ રકતદાન તથા પ્લાઝમા દાન થઈ શકશે. ‘રક્તદાન મહાદાન’ સૂત્રને અનુસરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા તેમણે અનુરોધ કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button