ગુજરાતબિઝનેસ

ભારતના કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ‘સીટેક્ષ’નો શુભારંભ 

મશીનરી માટેના જે પાર્ટ અન્ય દેશોમાંથી આયાત થાય છે તેનું ઉત્પાદન પણ એન્જીનિયર્સોની મદદથી સુરતમાં જ કરી અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરીઓનું ઉત્પાદન કરવામાં આવે : કેન્દ્રિય મંત્રી દર્શનાબેન જરદોશ 

સીટેક્ષ એકઝીબીશન, અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરી થકી કાપડની કવોલિટી અપગ્રેડ કરી વધુમાં વધુ એક્ષ્પોર્ટ કરવાની દિશામાં તેમજ વિશ્વની જરૂરિયાત પૂરી કરવા મહત્વનું યોગદાન આપશે : ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા 

ચેમ્બર ઓફ કોમર્સ તથા સુરત ટેક્ષમેક ફેડરેશન દ્વારા આયોજિત ત્રિદિવસીય સીટેક્ષ એક્ષ્પોમાં અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરીઓનું પ્રદર્શન શરૂ થયું

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા સુરત ટેક્ષમેક ફેડરેશનના સંયુકત ઉપક્રમે તા. ૮, ૯ અને ૧૦ જુલાઇ, ર૦ર૩ ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૩’નું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે ૧૦:૦૦ કલાકે સીટેક્ષ એકઝીબીશનનો ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તેમજ ઉદ્‌ઘાટક તરીકે ભારતના કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહયા હતા અને તેમના હસ્તે સીટેક્ષનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા યોજાતા સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન ‘સીટેક્ષ’ શ્રેણીનું આ આઠમું પ્રદર્શન યોજાયું છે. આ મહત્વકાંક્ષી આ પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ શહેરના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકઝીબીશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મળશે. ‘સીટેક્ષ– ર૦ર૩’ એ કાપડની કવોલિટી અપગ્રેડ કરી વધુમાં વધુ એક્ષ્પોર્ટ કરવાની દિશામાં મહત્વનું યોગદાન આપશે. આખા વિશ્વને ટેક્ષ્ટાઇલ પ્રોડકટની ઉપલબ્ધતા કરાવી શકાય તે માટે ટેક્ષ્ટાઇલ મશીનરીનું પ્રદર્શન યોજાયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે ત્યારે ટેક્ષ્ટાઇલ મશીનરીના આ પ્રદર્શનથી સમગ્ર કાપડ ઉદ્યોગનો વિકાસ થાય અને દેશના જીડીપી ગ્રોથમાં ગુજરાત રિજનમાંથી મહત્વનું યોગદાન આપી શકાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભારતમાં આયાત થતી મશીનરીઓનું પ્રમાણ ઘટે અને આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સુરત સહિત ગુજરાત ઉપરાંત ભારતમાં જ અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરીઓનું ઉત્પાદન થાય તે હેતુ સાથે દેશના વિકાસમાં સહયોગ આપીશું તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

વધુમાં તેમણે કહયું કે, વડાપ્રધાને દેશના ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન ડોલરના એક્ષ્પોર્ટનો લક્ષ્યાંક આપ્યો છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત સુરત સહિત સમગ્ર ગુજરાતમાંથી એક્ષ્પોર્ટ વધારી શકાય તે માટેના પ્રયત્ન શરૂ કરી દેવામાં આવ્યા છે.

કેન્દ્રિય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં હવે નવું જનરેશન વધારે સક્રિય થઇ ગયું છે, આથી યુવાઓને ટ્રેનીંગ અને વિઝન આપી જૂની મશીનરીઓ અપગ્રેડ કરી અદ્યતન મશીનરીઓનું ઉત્પાદન કરવું પડશે. તેમણે મશીનરી ઉત્પાદકોને જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ મશીનરી માટે જે પાર્ટ અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે છે તેનું ઉત્પાદન પણ એન્જીનિયર્સોની મદદથી અહીં જ કરવામાં આવે. ભારત સરકાર હવે આત્મનિર્ભર તરફ આગળ વધી રહી છે, જેમાં દરેક ઉદ્યોગકારોને સહયોગ આપવાનો રહેશે. તેમણે ઉદ્યોગકારોને પ્રોડકશનની સાથે સાથે માર્કેટીંગ ઉપર પણ વધારે ભાર આપવા સૂચન કર્યું હતું.

વધુમાં તેમણે કહયું હતું કે, સરકાર દ્વારા ચિંતન બેઠકમાં કયા સેકટરને નવી ઊંચાઇએ લઇ જવામાં આવે તે અંગે સમીક્ષા કરવામાં આવી રહી છે. પીએમ મિત્રા પાર્કમાં અન્ય દેશોમાંથી રોકાણ આવે તેના બદલે ભારતના ઉદ્યોગ સાહસિકોને તક મળી રહે તે દિશામાં પ્રયાસ કરવો પડશે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થકી અદ્યતન મશીનરીઓ બનાવી આગળ વધવું પડશે. તેમણે નાના – નાના ઉદ્યોગકારોને પણ તેઓની ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે ચેમ્બરના માધ્યમથી રજૂઆત કરવાની સલાહ આપી હતી.

સીટેક્ષ એક્ષ્પોના ચેરમેન સુરેશ પટેલે જણાવ્યું હતું કે, સરસાણા સ્થિત ‘સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ૧.૩૦ લાખ સ્કવેર ફૂટમાં પ્રદર્શન યોજાયું છે, જેમાં ૬૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરીઓનું પ્રદર્શન કરવામાં આવી રહયું છે. ખાસ કરીને જર્મની ખાતે એક્ષ્પોર્ટ કરાતા તેમજ ત્યાં બીએમડબ્લ્યુ કારમાં જે ફેબ્રિકસનો ઉપયોગ કરવામાં આવે છે એ ફેબ્રિકસનું ઉત્પાદન જે વિવિંગ મશીન પર થાય છે એ મશીનરી પણ સીટેક્ષ એક્ષ્પોમાં પ્રદર્શન માટે મુકવામાં આવી છે.

મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટથી ભારતમાં જ બનતા ૧૦૦૦ આરપીએમ સ્પીડ ધરાવતું ‘આર્મી’ ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન તથા ફકત ૯.પ ફૂટની હાઇટમાં ચાલતું એકમાત્ર ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન કે જે આજ સુધીમાં અંદાજિત ૧૦ હજારથી પણ વધુ મશીન સુરતમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે તેવી મશીનરીઓ પણ અહીં પ્રદર્શિત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત એક્ષ્પોર્ટની ‘વિસ્કોસ’ જેવી કવોલિટીનું ડિફેકટલેસ કાપડ બનાવવા માટેનું સ્પેશિયલી તૈયાર કરાયેલું ૧૦૦૦ થી વધુ આરપીએમની સ્પીડ ધરાવતું એરજેટ મશીન પ્રદર્શનમાં મુકાયું છે.

આ પ્રદર્શનમાં ટેક્ષ્ટાઇલ મશીનરી, ટેક્ષ્ટાઇલ એન્સીલરી અને મશીનરીઓ, એમ્બ્રોઇડરી એન્ડ બ્રીડીંગ મશીનરી તથા એસેસરીઝ, ટેક્ષ્ટાઇલ એન્જીનિયરીંગ, ટેકિનકલ ટેક્ષ્ટાઇલ સંબંધિત મશીનરી, પોઝીશન અને ડિજીટલ પ્રિન્ટીંગ મશીન અને એસેસરીઝનું પ્રદર્શન થઇ રહયું છે.

ભારતમાં પ્રથમ વખત ટેક્ષ્ટાઇલ પ્રોસેસિંગ મીલ અને ડાઇંગ ઇન્ડસ્ટ્રી માટે ઇ.ડી.આર. સિસ્ટમ લોન્ચ કરવામાં આવ્યું છે. એફલુએન્ટ વોટર રિસાયકલિંગ ઝેડએલડી પ્લાન્ટ પ્રથમ વખત ભારતમાં લોન્ચ કરાયું છે. આ પ્રદર્શનમાં ભારતમાં પ્રથમ વખત ઇલેકટ્રોનિકની સાથે ચાલનારા શટલ લુમ પણ પ્રદર્શિત થઇ રહયા છે. આ શટલ લુમ પર ડિફેકટ લેસ ચાર કલરનું ફેબ્રિક બને છે. સાથે જ બોર્ડર ઉપર બ્રાન્ડ નેમ પણ પ્રિન્ટ કરે છે. આ લુમ પર પેન ડ્રાઇવ થકી વિવિંગ ડિઝાઇન પણ ઓટોમેટિકલી બદલાય છે, જેને સરળતાથી ઓપરેટ કરાય છે.

સીટેક્ષ એકઝીબીશનના ઉદ્‌ઘાટન સમારોહમાં એકઝીબીશન ગાઇડનું વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે જ આગામી વર્ષ ર૦ર૪ માં ૬, ૭, અને ૮ જાન્યુઆરીએ સીટેક્ષ એકઝીબીશન યોજાશે તેની જાહેરાત કરાઇ હતી.

ઉદ્‌ઘાટન સમારોહમાં ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ ઉપસ્થિત તમામનો આભાર માન્યો હતો. ચેમ્બરના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ એકઝીબીશન દરમ્યાન થનારા કાર્યક્રમોની માહિતી આપી હતી. ભૂતપૂર્વ માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયાએ સમગ્ર સમારોહનું સંચાલન કર્યું હતું. આ સમારોહમાં ચેમ્બરના તત્કાલિન નિવૃત્ત પ્રમુખ હિમાંશુ બોડાવાલા, ઓલ એકઝીબીશન્સના ચેરમેન બિજલ જરીવાલા તથા ભૂતપૂર્વ પ્રમુખો આશીષ ગુજરાતી, બી.એસ. અગ્રવાલ, પ્રફુલ શાહ, મહેન્દ્ર કાજીવાલા, અમરનાથ ડોરા અને વસંત બચકાનિવાલા તેમજ સુરત ટેક્ષમેક ફેડરેશનના પ્રમુખ મુકેશ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ પ્રણવ મહેતા, સેક્રેટરી જિતેન્દ્ર મિસ્ત્રી, જોઈન્ટ સેક્રેટરીઓ ભાવેશ વઘાસિયા અને મહેન્દ્ર કુકડીયા ઉપસ્થિત રહયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button