સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

કોરોના સંક્રમિત વ્યક્તિઓની મુશ્કેલીઓ નિવારવા ઓલપાડ ખાતે કોરોના વૉર રૂમ તેમજ કોલ સેન્ટરની શુભારંભ

૩૦ શિક્ષકો ખંતપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે

સુરતઃ સમગ્ર રાજય સહિત કોરોનાના સંક્રમણને ધ્યાને લેતા જિલ્લા વહીવટીતંત્ર જનહિતાર્થે ખડેપગે રહી રાત-દિવસ એક કરી કામગીરી કરી રહ્યું છે. આ માટે ઓલપાડ તાલુકાની પ્રવર્તમાન સમયની ગંભીરતા સમજી સુરત જિલ્લા વિકાસ અધિકારી હિતેશભાઇ કોયા, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.દિપકભાઇ દરજીના માર્ગદર્શન હેઠળ ઓલપાડ ખાતે તાલુકા પંચાયત ભવનમાં વિશેષ ‘કોવિડ-૧૯’ વૉર રૂમ તથા કોલ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.

વૉર રૂમમાં ઓલપાડ તાલુકાના વિવિધ ગામોની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષક ભાઈ-બહેનો ખૂબ જ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે. સવારે ૭:૩૦ થી ૧:૩૦ અને બપોરે ૧:૩૦ થી ૭:૩૦ એમ બે પાળીમાં કુલ ૩૦ જેટલા શિક્ષક ભાઈ-બહેનો ખંતપૂર્વક કામ કરે છે. તેમને વખતોવખત તાલુકા વિકાસ અધિકારી શૈલેષભાઈ ચાવડા તથા નાયબ કાર્યપાલક ઈજનેર શ્રીમતી રીનાબેન પટેલનું માર્ગદર્શન મળતુ રહે છે.

વૉર રૂમ અંગેની વિશેષ માહિતી આપતાં ઓલપાડ તાલુકા બી.આર.સી. કૉ-ઓર્ડિનેટર અને ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કિરીટભાઇ પટેલે જણાવ્યું હતું કે, વોર રૂમમાં સેવા બજાવતા શિક્ષક ભાઈ-બહેનો દર્દીને ખૂબજ પ્રેમપૂર્વક અને હમદર્દીભર્યા ભાવે તેમના તબિયત સંબંધિત તાવ, શરદી, ખાંસી, દવા, આહાર, રીકવરી વિષયક પ્રશ્નો પૂછે છે અને તેમને જરૂરી માર્ગદર્શન આપે છે. આ ઉપરાંત દર્દીને કોઈપણ જાતની તકલીફ હોય તો તેમના કેરટેકરને હેલ્પલાઈન નંબર (૦૨૬૧) ૨૨૨૫૦૧ થી ૫૦૫ ડાયલ કરી સચોટ માર્ગદર્શન મેળવવા સૂચિત કરવામાં આવે છે. નિયત ફોર્મ આધારિત કોરોના સંબંધિત દરેક પ્રકારની દર્દી કે તેમના કેરટેકર સાથે ચર્ચા કરી દરેકનો વ્યક્તિગત ઓનલાઈન રિપોર્ટ જિલ્લા પંચાયત સહિતની કચેરીઓને રોજેરોજ મોકલવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે આ વૉર રૂમ કોરોનાના દર્દીઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થશે. એમ તાલુકાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button