સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

ગણદેવીના કોળી પટેલ સમાજની સન્નારીના અંગદાનથી પાંચ વ્યકિતઓને મળ્યું નવજીવન

બ્રેઈનડેડ કલ્પનાબેન ઠાકોરભાઈ પટેલના કિડની, લિવર અને ચક્ષુઓનું દાનથકી પાંચ વ્યક્તિઓના જીવનમાં ફેલાયો ઉજાસઃ

સુરતમાંથી ડોનેટ લાઈફે છેલ્લા બાર દિવસમાં કુલ ૧૯ અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ ૧૮ ઓર્ગનના જરૂરીયાતમંદ દર્દીઓને નવજીવન આપવામાં સફળતા મળી છે.

સુરતઃ કોળી પટેલ સમાજના બ્રેઈનડેડ કલ્પનાબેન ઠાકોરભાઈ પટેલેના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષીને માનવતા મહેકાવી છે. તા.૩ જુનના રોજ કલ્પનાબેન એકાએક બ્લડ પ્રેશર વધી જવાને કારણે લકવાની અસર જણાતા તેમને તાત્કાલિક ગણદેવીની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરતની અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી. સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. તા.૧૭ જુનના રોજ ડોકટરોએ કલ્પનાબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાએ કલ્પનાબેનના પરિવારને ઓર્ગન ડોનેટ કરવા અંગેની જાણકારી આપી હતી. કલ્પનાબેનના પુત્ર પ્રતીકે જણાવ્યું કે, મારા મમ્મી ખુબ જ માયાળુ સ્વભાવના અને ધાર્મિક હતા. તેઓ જીવનમાં હંમેશા બીજી વ્યક્તિઓને ખુશ જોવા માંગતા હતા. જેથી મારા મમ્મી બ્રેઈનડેડ થતા તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે જેથી અમારા પરિવારે મારી મમ્મીના અંગદાન થકી બીજાને નવજીવન મળી રહે તે માટે અંગોને ડોનેટ કરવાનો નિર્ણય કર્યો હતો.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ SOTTOનો સંપર્ક કરીને કિડની અને લિવરનું દાન અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ને આપવામાં આવ્યું જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું. કલ્પનાબેનના પરિવારમાં પતિ, બે પુત્ર તથા બે પુત્રીઓ છે.

સુરતની યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલથી અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) હોસ્પિટલ સુધીનું ૨૬૫ કિ.મિ રોડ માર્ગનું અંતર ૨૨૦ મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલી બે કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની IKDRC હોસ્પિટલમાં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ.જમાલ રીઝવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકારથી ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કોવીડ ૧૯ ની મહામારીની બીજી લહેર પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબજ ઓછું રહ્યું છે. ત્યારે સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા છેલ્લા બાર દિવસમાં ત્રણ બ્રેઈનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી ૨ હૃદય, ૨ ફેફસાં, ૬ કિડની, 3 લિવર અને ૬ ચક્ષુઓ સહીત કુલ ૧૯ અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ ૧૮ ઓર્ગનની જરૂરીયાતમંદ દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મેળવી છે.

નોંધનીય છે કે, સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૮૮ કિડની, ૧૬૦ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૩ હૃદય, ૧૪ ફેફસાં અને ૨૯૨ ચક્ષુઓ કુલ ૮૯૩ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૮૨૧ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button