સુરત

સુરત શહેર પોલીસ દ્વારા પોલીસ સંભારણા (શહીદ) દિવસની ઉજવણી કરવામાં આવી

સુરતઃ સુરત શહેર પોલીસ દ્વારા પોલીસ સંભારણા દિનની મેયરશ્રીમતિ હેમાલીબેન બોધાવાલા તથા પોલીસ કમિશનરશ્રી અજય તોમરના વડપણ હેઠળ ઉજવણી કરવામાં આવી હતી.

પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મેયર તથા પોલીસ કમિશનરશ્રીના હસ્તે કોરોનાકાળ દરમિયાન મૃત્યુ પામેલા આઠ જેટલા પોલીસ, હોમ ગાર્ડ તથા ટી. આર.બી.ના જવાનોના પરિવાર જનોને શાલ, સ્મૃતિ ભેટ તથા ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મેયરશ્રીમતિ હેમાલીબહેને જણાવ્યું હતું કે, આજનો દિવસ એટલે વીરતા, ધીરતા અને નીડરતા સાથે શહિદ થયેલા જવાનોને યાદ કરવાનો દિવસ છે. કોરોનાના કપરા કાળમાં પોલીસ જવાનોએ દાખવેલી ફરજનિષ્ઠાને યાદ કરી પોલીસ હંમેશા દેશ, રાજયની સેવા કરતી રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે પોલીસ કમિશનરશ્રી અજય તોમરે મૃત્યુ પામનાર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે, કોરોના કાળ કપરા કાળ દરમિયાન પોલિસ જવાનોએ રાત-દિવસ જોયા વિના ખડે પગે ઉભા રહી લોકોની સુરક્ષા અને સેવા કરી છે. ગત વર્ષે સમગ્ર ગુજરાતમાં ૧૪૯ અને સુરત શહેરમાં આઠ પોલિસ જવાનોના મૃત્યુ થયા હતા. કોરોનાને કારણે મૃત્યુ થનાર પોલીસ જવાનોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨૫ લાખ સહાય કરવામાં આવી છે.

આ વેળાએ શહેરીજનો પોલીસની કામગીરીથી વાકેફ થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી જેમ કે, સાયબર સેલ, આધુનિક હથિયારોનુ પ્રદર્શન, બોમ્બ ડિટેકશન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, આર્થિક ગુન્હા નિવારણ શાખા, વાયરલેસ શાખાનુ સ્ટોલ પ્રદર્શન યોજાયું હતું. આ વેળાએ આંતકીઓએ મુસાફરોની ગાડીને હાઈઝેક કરી જેનું પોલીસ જવાનોએ દિલ ધડક રેસ્કયું કર્યું જેની મોકડ્રીલ પણ યોજાઈ હતી. આ વેળાએ પોલીસ અધિકારીઓએ શહીદ સ્મારકને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે અધિક પોલીસ કમિશનરશ્રીઓ, નાયબ પોલીસ કમિશનરશ્રીઓ, પોલીસ ઈન્સ્પેકટરશ્રીઓ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button