સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આજથી સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન’સુરત સ્પાર્કલ– ર૧નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. એકઝીબીટર્સ અને બાયર્સને સીધો બિઝનેસ મળી રહે તે માટે આ વખતે પણ ચેમ્બર દ્વારા બી ટુ બી ધોરણે એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ માટે યોજાયેલું પ્રદર્શન તા. રર ફેબ્રુઆરી સુધી સવારે ૧૦થી સાંજે ૬ કલાક સુધી ખૂલ્લું રહેશે.
સ્પાર્કલ પ્રદર્શનનો ઉદ્દઘાટન સમારોહ આજે સવારે ૧૦:૩૦ કલાકે પ્લેટીનમ હોલ ખાતે યોજાયો હતો. સ્પાર્કલનું ઉદ્ઘાટન જેમ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલના ચેરમેન કોલીન શાહના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં દુબઇ સિટી ઓફ ગોલ્ડના વાઇસ ચેરમેન ચંદુભાઇ સિરોયા મુખ્ય મહેમાન તરીકે તથા જુનાગઢના ભીંડી જ્વેલર્સના માલિક જિતેન્દ્ર ભીંડી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહયા હતા. સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ નાનુભાઇ વેકરીયા પણ ઉપસ્થિત રહયા હતા. દીપ પ્રાગટય વિધિની સાથે સમારોહની શરૂઆત કરવામાં આવી હતી.
ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, સુરતમાં યોજાતું સ્પાર્કલ પ્રદર્શન એ ભારતમાં જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રે યોજાતા એકઝીબીશનોમાં એક આગવું સ્થાન ધરાવે છે. ભારતમાં યયવક પછી જેમ્સ એન્ડ જ્વેલરી માટે મોટું અને મહત્વનું યોજાતું એકઝીબીશન હોય તો તે સુરત સ્પાર્કલ છે. ભારતની કુલ જીડીપીમાં ૭ ટકા જેટલો હિસ્સો જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રનો છે તથા આ ક્ષેત્ર રોજગારલક્ષી અને વિદેશી હૂંડિયામણ કમાવી આપતું ક્ષેત્ર હોવાથી ભારતના અર્થતંત્રમાં ખૂબ મોટું મહત્વ ધરાવે છે. લોકડાઉન બાદ નવેમ્બર, ર૦ર૦ના મહિનામાં ભારતથી થતા ડાયમંડ એક્સપોર્ટમાં લગભગ પ૩ ટકાનો પાછલા વર્ષની સરખામણીમાં ઉછાળો આવ્યો છે, જે નોંધ લેવા જેવી બાબત છે.
તેમણે વધુમાં કહયું હતું કે, ડાયમંડ ક્ષેત્રે હવે ભારત પણ સિન્થેટિક ડાયમંડ બનાવવામાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે અને આજના આ એકઝીબીશનમાં ઘણા લેબગ્રોન ડાયમંડના ઉત્પાદકોએ ભાગ લીધો છે, જેનો લાભ એકઝીબીટર્સ તથા અન્ય વેપારીઓને મળી રહેશે. જ્વેલરી ક્ષેત્રે પણ વેક્સ મોલ્ડની જગ્યાએ થ્રીડી પ્રિન્ટિંગ ટેકનોલોજી આવી ગઈ છે કે જે થ્રીડી ઇમેજિંગ સોફ્ટવેરમાંથી સીધી જ જ્વેલરી પ્રિન્ટ કરી શકશે અને આનાથી બનતા પ્રોડકટની ગુણવત્તા પણ સુધરશે.
જેમ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલના ચેરમેન કોલીન શાહે જણાવ્યું હતું કે, કોઇપણ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે તેમજ ઉદ્યોગકારો માટે એકઝીબીશન ખૂબ જ મહત્વનું હોય છે. એકઝીબીશનમાં જ નવા બાયર્સ મળે છે અને સપ્લાયરની સાથે મિટીંગ પણ કરી શકાય છે. બિઝનેસ માટેનું આખું નેટવર્ક ઉભું કરી શકાય છે અને નોલેજ પણ વધારી શકાય છે. એકઝીબીશનમાં જુદા–જુદા પ્રોડકટ વિશે માહિતી મળે છે અને તેને આધારે ઉદ્યોગકારો પોતાની પ્રોડકટને વધુ સારી બનાવી શકે છે. બિઝનેસ પાર્ટનર્સ માટે પણ એકઝીબીશન જરૂરી છે, ત્યારે સુરત સ્પાર્કલ થકી જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રના ઉદ્યોગકારોને ચોકકસપણે વધુ લાભ મળી રહેશે.
દુબઇ સિટી ઓફ ગોલ્ડના વાઇસ ચેરમેન ચંદુભાઇ સિરોયાએ જણાવ્યું હતું કે, સુરતના લોકોએ ડાયમંડ થકી આખા વિશ્વને કાબૂમાં કરી લીધું છે. ખૂબ જ સારા મેન્યુફેકચરર્સ સુરતમાં છે. હવે તો નેચરલ ડાયમંડની સાથે સિન્થેટીક ડાયમંડ પણ માર્કેટમાં આવી ગયા છે ત્યારે ભારતમાં કુલ ૪ લાખમાંથી ૧ લાખ સિન્થેટીક ડાયમંડ એકમાત્ર સુરતમાં કટ એન્ડ પોલીશ્ડ થાય છે. ભારત પાસે હેન્ડ મેડ જ્વેલરીની જે કલા છે તે વિશ્વમાં કોઇની પાસે નથી, જેને સમગ્ર વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી શકાય છે. પણ એના માટે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની જરૂર છે. ઓનલાઇન સિસ્ટમ થકી જ આ બાબત શકય થઇ શકશે. તેમણે કહયું કે, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસથી ૮૦ ટન જ્વેલરી દુબઇથી એકસપોર્ટ થાય છે.
જુનાગઢના ભીંડી જ્વેલર્સના માલિક જિતેન્દ્ર ભીંડીએ જણાવ્યું હતું કે, નેતૃત્વ કરનારની સાથે સમુદાય જોડાય ત્યારે ઇન્ડસ્ટ્રી તથા તેની સાથે દેશની કાયાપલટ થઇ જાય છે. જેનો દાખલો આજથી યોજાયેલું સુરત સ્પાર્કલ પ્રદર્શન છે. ડાયમંડ તથા જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્ર સીધી કે આડકતરી રીતે ૧ર કરોડ લોકોને રોજગારી આપી રહયાં છે. ટેકનોલોજીની દૃષ્ટીએ વિશ્વના અન્ય દેશો, ભારત કરતા આગળ છે પણ હેન્ડ મેડ જ્વેલરી માત્ર ભારતની સર્વશ્રેષ્ઠ છે. સમગ્ર વિશ્વ ભારતની હેન્ડ મેડ જ્વેલરીને ચેલેન્જ નહીં કરી શકે. એમાં પણ ગૌરવની વાત એ છે કે હેન્ડ મેડ જ્વેલરી ગુજરાતમાં બને છે. ચેમ્બર માટે ખૂબ જ સારી બાબત છે કે જુદા–જુદા ટ્રેડના પ્રમોશન અને ડેવલપમેન્ટ માટે એ મહેનત કરે છે.
ચેમ્બરના ગૃપ ચેરમેન જયંતિ સાવલીયાએ જણાવ્યું હતું કે, સ્પાર્કલ પ્રદર્શનમાં નેચરલ ડાયમંડ એન્ડ જ્વેલરી મેન્યુફેકચરર્સ, સિન્થેટીક ડાયમંડ એન્ડ મશીનરી મેન્યુફેકચરર્સ, સમગ્ર હીરા ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ ઉત્સાહ દાખવ્યો છે. સુરત જ્વેલરી મેન્યુફેકચરર્સ એસોસીએશનના સહયોગથી ૧૦૦ જેટલા જ્વેલરી મેન્યુફેકચરર્સે ભાગ લીધો છે. આમ કુલ ૧પ૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા લુઝ ડાયમંડ, ડાયમંડ જ્વેલરી, મશીનરી અને સિન્થેટીક ડાયમંડનું પ્રદર્શન થઇ રહયું છે. તેમણે ચેમ્બર દ્વારા ભવિષ્યમાં યોજાનારા અન્ય એકઝીબીશનોની પણ ટૂંકમાં માહિતી આપી હતી.
સુરત સ્પાર્કલ પ્રદર્શનના ચેરમેન વિજય માંગુકીયાએ જણાવ્યું હતું કે, સ્પાર્કલમાં આ વખતે માઇન્સ ટુ માર્કેટનો કોન્સેપ્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેમાં માઇન્સમાંથી રફ હીરા નીકળ્યા બાદ તેને કટ એન્ડ પોલીશ્ડ કરીને જ્વેલરીમાં કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે? ત્યાં સુધીની આખી પ્રક્રિયાનું લાઇવ બતાવવામાં આવી રહયું છે. સુરતના જ્વેલરી મેન્યુફેકચરર્સને એકસપોર્ટ ગોલ્ડ પરચેઝ કરવા માટે મુંબઇ કે અમદાવાદ જવું પડે છે. જ્યારે સુરતથી રોજના ડાયમંડ જ્વેલરીના ૧પ૦થી ર૦૦ પાર્સલ એકસપોર્ટ થઇ રહયા છે. આથી સુરતમાં જ એકસપોર્ટ ગોલ્ડ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવા માટે તેમણે જેમ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલના ચેરમેન કોલીન શાહને અનુરોધ કર્યો હતો.
તદુપરાંત તેમણે સુરતમાં બનતી ડાયમંડ જ્વેલરીને દુબઇમાં કેવી રીતે પ્રમોટ કરી શકાય? અને દુબઇના બાયર્સને સુરતમાં કેવી રીતે લાવી શકાય? તેના માટે મદદરૂપ થવા માટે દુબઇ સિટી ઓફ ગોલ્ડના વાઇસ ચેરમેન ચંદુભાઇ સિરોયાને વિનંતી કરી હતી.
ચેમ્બરના માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ ઉદ્ઘાટન સમારોહમાં પ્રાસંગિક વિધી કરી હતી. જ્યારે જિજ્ઞા પાઠકે સમારોહનું સંચાલન કર્યું હતું. અંતે ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ સર્વેનો આભાર માની સમારોહનું સમાપન કર્યું હતું.