બિઝનેસસુરત

SGCCI દ્વારા ‘એમએસએમઇ માટે વોટર પ્યુરીફિકેશનની ટેકનોલોજી’ વિષય ઉપર વેબિનારનું આયોજન

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘એમએસએમઇ માટે વોટર પ્યુરીફિકેશનની ટેકનોલોજી’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દુર્ગાપુરની સીએસઆઇઆર–સીએમઇઆરઆઇ (સેન્ટ્રલ મિકેનિકલ એન્જીનિયરીંગ રિસર્ચ ઇન્સ્ટીટયુટ)ના ડાયરેકટર પ્રોફેસર ડો. હરીશ હીરાનીએ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને વોટર પ્યુરીફિકેશનની ટેકનોલોજી વિશે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ તેમણે ઇન્સ્ટીટયુટના વૈજ્ઞાનિકોને દક્ષિણ ગુજરાતમાં ઉદ્યોગોને પાણી સંબંધિત જે કંઇપણ સમસ્યાઓ છે તેના વિશે અભ્યાસ કરવા માટે સુરત મોકલવાની ખાતરી આપી હતી.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના એમએસએમઇ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને નાની – નાની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વોટર પ્યુરીફિકેશન પણ તેમાંની એક સમસ્યા છે. આ અંગે ચેમ્બર દ્વારા સરકારી વિભાગો સાથે વાર્તાલાપ પણ કરવામાં આવે છે અને તેઓના સુધી સમસ્યાઓના નિરાકરણ માટે રજૂઆતો પણ કરવામાં આવે છે. વોટર પ્યુરીફિકેશનની ટેકનોલોજીના ઉપયોગથી જો પાણીની ગુણવત્તામાં સુધાર થશે તો ઉત્પાદનની ગુણવત્તા પણ સુધરશે અને ઉદ્યોગો વધારે પ્રબળ બની વૈશ્વિક ફલક ઉપર સ્પર્ધા કરી શકશે.

પ્રોફેસર ડો. હરીશ હીરાનીએ સીએસઆઇઆર–સીએમઇઆરઆઇ (સેન્ટ્રલ મિકેનિકલ એન્જીનિયરીંગ રિસર્ચ ઇન્સ્ટીટયુટ)માં વિકસિત જુદા–જુદા પ્રકારની ટેકનોલોજી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહયું હતું કે, ગુજરાત વોટર સ્ટ્રેસ સ્ટેટ છે તથા ગુજરાતના પાણીમાં ફલોરાઇડનું પ્રમાણ વધારે હોવાથી ઉદ્યોગો ઉપર તેની અસર પડે છે. જળ શુદ્ધિકરણ માટેની મહત્વની ટેકનોલોજીમાં તેમણે ઘરગથ્થું, સંયુકત, હાઇ ફલો રેટ તેમજ પાણીમાંથી આયરન, આર્સેનિક તથા ફલોરાઇડ શુદ્ધિકરણની ટેકનોલોજી વિશે માહિતી આપી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સીએસઆઇઆર–સીએમઇઆરઆઇ કોલોનીમાં એકવા રિજુવિનેશન પ્લાન્ટ તથા એકવા રિકલીમેશન પ્લાન્ટ લગાવીને પાણીની કમીને પહોંચી વળવા તેમજ પાણીના પ્રદુષણની સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસ કરવામાં આવી રહયો છે. ઝીરો લિકવીડ ડિસ્ચાર્જ માટે નહેરના પાણીને રિસાયકલીંગ ટેકનોલોજીની મદદથી કોલોનીમાં ખેતી કરવા માટે ડ્રેન વોટરને રિસાયકલ કરીને તેનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. તેમણે ચેમ્બર દ્વારા આપવામાં આવેલા આમંત્રણને સહર્ષ સ્વીકાર્યું હતું અને જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિકોને દક્ષિણ ગુજરાતમાં લઘુ ઉદ્યોગોને પાણી સંબંધિત જે કંઇપણ સમસ્યાઓ છે તેના વિશે અભ્યાસ કરવા માટે સુરત મોકલવામાં આવશે.

એમએસએમઇ વિભાગ, અમદાવાદના ડેપ્યુટી ડાયરેકટર પી.એન. સોલંકીએ જણાવ્યું હતું કે, સુરત ટેકસટાઇલનું હબ છે. કેમિકલ અને ફાર્માસ્યુટીકલ તથા ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં મોટી માત્રામાં પાણીની જરૂરિયાત રહે છે. અન્ય ઇન્ડસ્ટ્રી જેવી કે એકવાકલ્ચર ઇન્ડસ્ટ્રીમાં પણ કવોલિટી વોટરની જરૂરિયાત હોય છે. આથી તેમણે પ્રોફેસર ડો. હરીશ હીરાનીને વોટર પ્યુરીફિકેશનની ટેકનોલોજીની મદદથી ઉત્પાદનની ગુણવત્તામાં કેવી રીતે સુધારો લાવી શકાય તે માટે માર્ગદર્શન આપવા અનુરોધ કર્યો હતો.

વેબિનારનું સંચાલન કરનાર ચેમ્બરના ગૃપ ચેરમેન હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં પાણી સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ આવશે તો ઉદ્યોગો પ્રગતિ કરી શકશે અને એકસપોર્ટ પણ વધારી શકાશે. અંતે ચેમ્બરની એમએસએમઇ કમિટીના કો–ચેરમેન નિરજ મોદીએ સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button