Uncategorized

કાર્ડીયો એરેસ્ટને કારણે બેભાન થયેલી વ્યકિતનો સીપીઆર આપી જીવ બચાવી શકાય તે હેતુ ચેમ્બર દ્વારા લોકોને માર્ગદર્શન અપાયું

ચેમ્બર તથા મનોરમાદેવી લોકપ્રિય અગરવાલ સેવા ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા મનોરમાદેવી લોકપ્રિય અગરવાલ સેવા ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે શુક્રવાર, તા. રર એપ્રિલ, ર૦રર ના રોજ સાંજે પઃ૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘કાર્ડીયોપલ્મોનરી રિસસીટેશન (CPR)’ વિષય ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતા તરીકે મહાવીર હાર્ટ હોસ્પિટલના આઇસીયુ એન્ડ ઇમરજન્સી મેડીકલ ઓફિસર ડો. હેમાંગ વ્યાસે હાર્ટએટેક અને કાર્ડીયો એરેસ્ટ વચ્ચેનો તફાવત સમજાવી અચાનક કાર્ડીયો એરેસ્ટને કારણે બેભાન થઇ જનાર વ્યકિતનો જીવ બચાવવા માટે કારગત સાબિત થનાર સીપીઆર વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ડો. હેમાંગ વ્યાસે જણાવ્યું હતું કે, હૃદય રકતને પમ્પીંગ કરીને સકર્યુલેશનનું કામ કરે છે. ફેફસા શ્વાસ લેતી વખતે ઓકિસજન અંદર લે ભરે છે અને કાર્બનને બહાર ફેકવાનું કામ કરે છે. જ્યારે બ્રેઇન આ બંને સિસ્ટમને કારણે કામ કરે છે. હૃદયના સ્નાયુમાં લોહી નહીં જવાને કારણે બ્લોકેજ થઇ જાય છે અને તેને કારણે હાર્ટએટેક આવે છે અથવા વ્યકિત કાર્ડીયો એરેસ્ટનો ભોગ બને છે. આવા સંજોગોમાં પાંચ મિનિટની અંદર તેના મગજ સુધી લોહી નહીં પહોંચે તો વ્યકિત બ્રેઇનડેડ થઇ શકે છે અથવા કોમામાં જવાની શકયતા વધી જાય છે.

કાર્ડીયો એરેસ્ટને કારણે અચાનક બેભાન થઇ જનાર વ્યકિત માટે સમય જ મહત્વનો હોય છે. જો સમયસર તેને સીપીઆર મળી જાય તો તેનો જીવ બચી શકે છે અને હોસ્પિટલમાં પહોંચાડી અન્ય સારવાર આપી શકાય છે. હાર્ટએટેક આવવો અને કાર્ડીયો એરેસ્ટને કારણે અચાનક બેભાન થવું એ બંને બાબતો જુદી–જુદી છે. હાર્ટએટેક આવે ત્યારે વ્યકિતને છાતીમાં દુઃખાવો ઉપડે છે, એસીમાં પણ પરસેવે રેબઝેબ થઇ જાય છે, કોઇ પ્રકારનું દબાણ થતું હોય એવું લાગે છે અને ગભરામણ થાય છે ત્યારે વ્યકિતએ તુરંત જ ડોકટરનો સંપર્ક કરવો જોઇએ.

જ્યારે કાર્ડીયો એરેસ્ટ આવે ત્યારે વ્યકિત અચાનક બેભાન થઇ જાય છે અને આવી વ્યકિતને પાંચ મિનિટની અંદર પ્રાથમિક સારવાર નહીં મળી અથવા તેને ભાનમાં લાવવામાં નહીં આવે તો તેનું મૃત્યુ થવાની શકયતા વધી જાય છે. આથી કાર્ડીયો એરેસ્ટને કારણે બેભાન થયેલી વ્યકિતને લોકોએ તાત્કાલિક સીપીઆર આપવું જોઇએ.

સીપીઆર વિશે સમજણ આપતા તેમણે જણાવ્યું હતું કે, કાર્ડીયો એરેસ્ટને કારણે બેભાન થયેલી વ્યકિતના છાતીના નીચે મધ્ય ભાગે સળંગ ૩૦ વખત બે ઇંચ સુધી પ્રેસ કરવાનું હોય છે અને ત્યારબાદ બે વખત મોઢાથી શ્વાસ આપવાનો હોય છે. જ્યાં સુધી વ્યકિત ભાનમાં નહીં આવે ત્યાં સુધી તેને સીપીઆર આપી શકાય છે. ભાનમાં આવ્યા બાદ વ્યકિતનો જીવ બચી જાય છે અને ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઇ જઇને અન્ય સારવાર આપી શકાય છે.

જે લોકોને દબાણ લાગતું હોય અથવા ગભરામણ થતી હોય તેઓને ઇસીજી, ટીએમટી રિપોર્ટ કરાવવાની સલાહ આપી હતી. આ બંને રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ પણ હૃદયમાં ડાબી બાજુએ દુઃખાવો થાય અથવા ડાબા શોલ્ડરમાં પેઇન થતું હોય તો તેઓને તેમણે એન્જીયોગ્રાફી કરવાની સલાહ આપી હતી. કયારેક ડાયાબિટીસના દર્દીઓને દુઃખાવો થયા વગર પણ સાયલેન્ટલી હાર્ટએટેક આવવાની સંભાવના હોય છે. તેમણે સીપીઆર કેવી રીતે આપવું જોઇએ ? તેના વિશે તેમજ એઇડી મશીન કેવી રીતે કામ કરે છે ? તે અંગે પ્રેકટીકલી ડેમોન્સ્ટ્રેશન આપી સમજણ આપી હતી.

ચેમ્બરના ઇલેકટ ઉપપ્રમુખ રમેશ વઘાસિયાએ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે ચેમ્બરની પબ્લીક હેલ્થ કમિટીના ચેરપર્સન ડો. પારૂલ વડગામાએ કાર્યક્રમનું સંચાલન કરી અંતે સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન પણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button