અંગદાનના ક્ષેત્રની ઐતિહાસિક ઘટના: આદિવાસી સમાજના બ્રેઈનડેડ હીનાબેન રસીલભાઈ ચૌધરીના પરિવારે તેમના કિડની, લિવર, ચક્ષુઓનું દાન કરી
પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.
- આજના અંગદાનથી દક્ષીણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા અત્યાર સુધી ૧૦૦૧ અંગો અને ટીસ્યુઓના દાન કરાવવામાં આવ્યા છે.
- સમગ્ર દેશમાં એક સંસ્થા દ્વારા ૧૦૦૧ અંગો અને ટીસ્યુઓના દાન કરાવવામાં આવ્યા હોય તેવી આ સૌપ્રથમ ઐતિહાસિક ઘટના છે, જેનો શ્રેય સુરત અને ડોનેટ લાઈફ સંસ્થાને જાય છે.
જુનું ઢોડિયાવાડ, કરુણાસાગર મંદિર પાસે, વ્યારા મુકામે રહેતા હીનાબેનને સોમવાર તા.૧૧ એપ્રિલના રોજ મળસ્કે ૩:૦૦ કલાકે ખેંચ અને બ્રેઈન સ્ટ્રોકનો હુમલો આવતા પરિવારજનોએ તેઓને વ્યારા જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યા, ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેઓને સુરતની કિરણ હોસ્પીટલમાં ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા. નિદાન માટે સીટી સ્કેન કરાવતા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું તેમજ સોજો હોવાનું નિદાન થયું હતું.
મંગળવાર, તા.૧૨ એપ્રિલના રોજ ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.દર્શન ત્રિવેદી, મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે હીનાબેનને બ્રેનડેડ જાહેર કર્યા.
કિરણ હોસ્પીટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખશ્રી નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી હીનાબેનના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.
ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ.મેહુલ પંચાલની સાથે રહી હીનાબેનના પતિ રસીલભાઈ, દિયર સુનીલભાઈ, પ્રવીણભાઈ અને રીતેશભાઈને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.
હિનાબેનના પતિ રસીલભાઈએ જણાવ્યું કે અમે આદિવાસી સમાજના છીએ. અંગદાનનું કાર્ય એક ઈશ્વરીય કાર્ય છે. શરીર તો બળીને રાખ જ થઇ જવાનું છે ત્યારે મારી પત્નીના અંગોનું દાન કરાવીને વધુને વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપો. વધુમાં તેઓએ જણાવ્યું કે સમાજમાં લોકો અંગદાન માટે આગળ આવતા નથી જેને કારણે જરૂરિયાતમંદ દર્દીઓને નવુંજીવન મળી શકતું નથી. સમાજને સંદેશો આપતા તેમણે જણાવ્યું હતું કે જયારે પણ કોઈ વ્યક્તિ બ્રેઈનડેડ થાય ત્યારે તેઓના પરિવારજનોએ અંગદાન માટે આગળ આવવું જોઈએ. હિનાબેનની પુત્રી ખુશી ઉ.વ.૧૫, ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે, પુત્ર ધ્યેય ઉ.વ.૧૩ ધોરણ-૮માં અભ્યાસ કરે છે. પતિ રસીલભાઈ જેઓ સુમુલ ડેરી સંચાલિત સુમુલ સખી ડેરી ફાર્મ ભાનાવાડી ખાતે એનિમલ એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવે છે. સલામ છે આ આદિવાસી પરિવારને તેમના નિર્ણય બદલ…
પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ State Organ and Tissue Transplant Organization (SOTTO)નો સંપર્ક કરી કિડની અને લિવરના દાન માટે જણાવ્યું. SOTTO દ્વારા બંને કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા.
કિડની અને લિવરનું દાન કિરણ હોસ્પીટલના ડૉ.કલ્પેશ ગોહિલ, ડૉ.જીજ્ઞેશ ઘેવારીયા, ડૉ.ધર્મેશ ધાનાણી અને તેમની ટીમે સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.
દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૪૧ વર્ષીય વ્યક્તિમાં ડૉ.રવિ મોહન્કા અને તેમની ટીમ દ્વારા, દાનમાં મેળવવામાં આવેલી બે કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૨૩ વર્ષીય યુવકમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૫૦ વર્ષીય વ્યક્તિમાં ડૉ.કલ્પેશ ગોહિલ, ડૉ.જીજ્ઞેશ ઘેવારીયા અને તેમની ટીમ દ્વારા સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. બંને ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ ૫૦ વર્ષીય અને ૫૪ વર્ષીય મહિલામાં ડૉ.સંકેત શાહ અને તેમની ટીમ દ્વારા કિરણ હોસ્પિટલમાં કરવામાં આવશે. કિરણ હોસ્પિટલમાં કેડેવરિક કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ શરુ થવાને કારણે સુરત અને દક્ષીણ ગુજરાતના દર્દીઓને તેનો લાભ મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે આજના હીનાબેનના અંગદાન દ્વારા અત્યાર સુધી ડોનેટ લાઈફ દ્વારા દક્ષીણ ગુજરાતમાંથી ૧૦૦૧ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં એક સંસ્થા દ્વારા ૧૦૦૧ અંગો અને ટીસ્યુઓના દાન કરાવવામાં આવ્યા હોય તેવી આ સૌપ્રથમ ઐતિહાસિક ઘટના છે, જેનો શ્રેય સુરત અને ડોનેટ લાઈફ સંસ્થાને જાય છે.
અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા સ્ટેટ એડવાઇઝરી કમિટી ફોર ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનના કમિટી મેમ્બર અને ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી જેમાં હીનાબેનના પતિ રસીલભાઈ, દિયર સુનીલભાઈ, પ્રવીણભાઈ અને રીતેશભાઈ, ભાઈ ધર્મેશભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી, મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલ, ટ્રાન્સપ્લાન્ટ કૉઓર્ડીનેટર ડૉ.અલ્પા પટેલ, સંજય ટોચક, કિરણ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના મંત્રીશ્રી રાકેશ જૈન, ટ્રસ્ટીશ્રી હેમંત દેસાઈ, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી અને યોગેશ પ્રજાપતિનો સહકાર સાંપડ્યો હતો.
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૪૨૦ કિડની, ૧૭૯ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૪૦ હૃદય, ૨૬ ફેફસાં, ૪ હાથ અને ૩૨૪ ચક્ષુઓ સહીત કુલ ૧૦૦૧ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૯૧૪ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.