નેશનલ

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે મણિપુરમાં અનેક વિકાસલક્ષી યોજનાઓનો શુભારંભ કર્યો

મણિપુર: કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે મણિપુરમાં અનેક વિકાસલક્ષી યોજનાઓનો શુભારંભ કર્યો હતો. શ્રી અમિત શાહે ઇમ્ફાલમાં વર્ચ્યુઅલ માધ્યમથી ઈ-ઓફિસ અને થુબલ બહુઉદ્દેશી યોજના (થુબલ ડેમ)નું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે-સાથે તેમણે ચુડાચાંદપુર મેડિકલ કોલેજ, મંત્રીપુખરીમાં આઇટી-સેઝ (સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન), નવી દિલ્હીના દ્વારકામાં મણિપુર ભવન અને ઇમ્ફાલમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર સહિત સાત મુખ્ય યોજનાઓનું વર્ચ્યુઅલ માધ્યમ થકી શિલાન્યાસ પણ કર્યો હતો. આ પ્રસંગે ઉત્તર પૂર્વી ક્ષેત્ર વિકાસના મંત્રી ડૉક્ટર જિતેન્દ્રસિંહ, મણિપુરના મુખ્યમંત્રી શ્રી એન બીરેન સિંહ, વિધાનસભાના અધ્યક્ષ અને અન્ય ગણમાન્ય લોકો પણ ઉપસ્થિત હતા.

આ પ્રસંગે શ્રી અમિત શાહે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં શરૂ થયેલી મણિપુરની વિકાસયાત્રાનું આજે મહત્વપૂર્ણ સોપાન છે. આજે એક જ દિવસમાં અનેક મહત્વપૂર્ણ કાર્યો શરૂ થઈ રહ્યાં છે, જેમાં ચુડાચાંદપુરમાં મેડિકલ કોલેજ, ટ્રિપલ આઇટી, મંત્રીપુખરીમાં આઇટી-સેઝ સહિત ઘણી મહત્ત્વપૂર્ણ યોજનાઓ સામેલ છે, જે સંપૂર્ણ પૂર્વોત્તર માટે એક દિશાદર્શક બનવાનું કામ કરશે. શ્રી શાહે કહ્યું હતું કે, ઇમ્ફાલમાં રાજ્ય પોલીસ હેડક્વાર્ટર અને સ્માર્ટ સિટી એકીકૃત કેન્દ્રમાંથી સ્માર્ટ શાસનને આગળ વધારવામાં મદદ મળશે. તેમણે ઉમેર્યું હતું કે, ટ્રિપલ આઇટી અને આઇટી-સેઝ મણિપુરના યુવાનોને આખી દુનિયા સાથે જોડાવાની સુવિધા આપશે. આઇટી-એસઇઝેડ બન્યાં પછી મણિપુરની જીડીપીમાં વર્ષ 4600 કરોડનો વધારો થશે અને 44,000 લોકો માટે રોજગારીનું સર્જન થશે. મેડિકલ કોલેજની સ્થાપનાથી મણિપુરના યુવાનો ડૉક્ટર બનીને બહાર નીકળશે અને રાજ્યની સ્વાસ્થ્ય વ્યવસ્થા સશક્ત થશે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી એન બીરેન સિંહે મણિપુરને બંધ અને બ્લોકેડમાંથતી બહાર કાઢીને વિકાસના માર્ગે અગ્રેસર કરવાનું કામ કર્યું છે. મોદીજી સંપૂર્ણ પૂર્વોત્તરના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને અહીંના લોકોનો વિશ્વાસ ક્યારેય તોડવામાં નહીં આવે. શ્રી શાહે કહ્યું હતું કે, મણિપુરના મુખ્યમંત્રી શ્રી બીરેન સિંહે છેલ્લાં 3 વર્ષમાં ઉલ્લેખનીય કામ કર્યું છે. છેલ્લાં 3 વર્ષ દરમિયાન એક વાર પણ રાજ્ય બંધ થયું નથી, ઠપ થયું નથી. એના પરથી સાબિત થાય છે કે, ભારતીય જનતા પક્ષના શાસનમાં લોકોનો વિકાસ થાય છે. શ્રી બીરેન સિંહે દેશના પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં મણિપુરને વિકાસના માર્ગે અગ્રેસર કર્યું છે અને મણિપુરને નવી ઓળખ આપવાનું કામ કર્યું છે.


શ્રી અમિત શાહે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ પૂર્વોત્તરને પોતાના હૃદયમાં વસાવી લીધું છે. તેમણે કહ્યું હતું કે, પૂર્વ ભારત અને પશ્ચિમ ભારત એ ભારતમાતાની બે ભૂજાઓ છે. પશ્ચિમ ભારતનો વિકાસ થઈ ગયો છે, પણ પૂર્વ ભારતના વિકાસ વિના ભારતનો વિકાસ સંભવ નથી. વર્ષ 2014 પછી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પૂર્વોત્તરમાં મોટા પાયે વિકાસ થઈ રહ્યો છે. અગાઉ પૂર્વોત્તર વિભાજનવાદી અને અલગ-અલગ હિંસક આંદોલન માટે જાણીતું હતું, પણ છેલ્લાં છ વર્ષ દરમિયાન એક પછી એક અનેક સંગઠનોએ હિંસાના માર્ગનો ત્યાગ કર્યો છે અને બાકીના સંગઠનો મોદીજીના નેતૃત્વમાં વિશ્વાસ સાથે મુખ્ય પ્રવાહમાં સામેલ થઈ જશે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, અગાઉ પૂર્વોત્તરને આટલી પ્રાથમિકતા આપવામાં આવી નથી અને વિશેષ વાત એ છે કે, મોદીજી છેલ્લાં છ વર્ષમાં 40થી વધારે વાર પૂર્વોત્તર આવ્યાં છે અને તમામ રાજ્યોનો પ્રવાસ કર્યો છે. એના પરથી પુરવાર થાય છે કે, મોદીજીની નજરોમાં પૂર્વોત્તરના રાજ્યો કેટલી પ્રાથમિકતા ધરાવે છે. શ્રી શાહે કહ્યું હતું કે, મોદીજી જનતાના હૃદયની વાત જાણે છે. અહીંના મૂળ નિવાસીઓ માટે ઇનર લાઇન પરમિટની માંગણી છેલ્લાં ઘણાં વર્ષોથી થઈ રહી હતી અને 11 ડિસેમ્બર, 2019ના રોજ મોદીજીએ નક્કી કર્યું હતું કે, ઇનર લાઇન પરમિટ મણિપુરને ન આપવી એ મણિપુરની જનતા સાથે અન્યાય સમાન છે. દેશના પ્રધાનમંત્રીએ મણિપુરને ઇનર લાઇન પરમિટ પ્રદાન કરી છે, જે મણિપુર રાજ્યની સ્થાપના પછી કેન્દ્ર સરકાર માટે સૌથી મોટી ઉપલબ્ધિ છે.
શ્રી અમિત શાહે થુબલ બહુઉદ્દેશી યોજનાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, આ યોજના અટલજીના શાસનકાળમાં વર્ષ 2004માં શરૂ થઈ હતી, પરંતુ વર્ષ 2014 સુધી કોઈ કામગીરી થઈ નહોતી અને એને અભેરાઈ પર ચઢાવી દેવામાં આવી હતી. વર્ષ 2016માં મોદીજીએ 462 કરોડ રૂપિયા આપીને એને ફરી શરૂ કરાવી હતી અને અત્યારે 35,104 હેક્ટર જમીન માટે સિંચાઈ વ્યવસ્થાનો લાભ આપનારી આ યોજના પૂર્ણ થવા જઈ રહી છે. શ્રી શાહે કહ્યું હતું કે, અગાઉ યોજનાઓનો શિલાન્યાસ કરીને ભૂલી જવામાં આવતી હતી અને મોદીજીના નેતૃત્વમાં અગાઉની સરકારે કરેલા તમામ ભૂમિપૂજનને ઉદ્ઘાટનમાં બદલવાનું કામ થઈ રહ્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, અગાઉ રાજ્યમાં ફક્ત 6 ટકા લોકોને પીવાનું પાણી મળતું હતું, પણ જલ જીવન મિશન અંતર્ગત છેલ્લાં 3 વર્ષ દરમિયાન આ આંકડો 6 ટકાથીને વધીને 33 ટકા થયો છે. અત્યારે 33 ટકા ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચવાની શરૂઆત થઈ ગઈ છે. વળી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યામાં 222 ટકાનો વધારો થયો છે, જેનાથી આગામી સમયમાં પ્રવાસનને વધારે લાભ થશે. તેમણે ઉમેર્યું હતું કે, મણિપુર જેવા ભૌગોલિક રાજ્ય માટે સ્ટાર્ટઅપ યોજના અતિ મહત્ત્વપૂર્ણ છે અને મોદીજી દ્વારા શરૂ થયેલી આ યોજનામાં 1186 યુવાનોએ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે, જે ખરેખર બહુ સારો સંકેત છે. શ્રી અમિત શાહે કહ્યું હતું કે, 14મા નાણાં પંચની સરખામણીમાં 15મા નાણાં પંચમાં પૂર્વોત્તર રાજ્યોના વિકાસ માટે ભંડોળની ફાળવણીમાં 251 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જેના પરિણામે ફાળવવામાં આવેલી રકમ 89,168 કરોડથી વધીને રૂ. 3,13,375 કરોડ થઈ છે. આ કામ અમારી સરકારે કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે સ્પોર્ટ્સ યુનિવર્સિટી આકાર લઈ રહી છે. તેમણે મણિપુરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે સંલગ્ન કૉલેજ ખોલવાનું સૂચન કર્યું હતું, જેથી પૂર્વોત્તર રાજ્યોના બાળકો આ ક્ષેત્રમાં પણ આગળ વધી શકે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button