સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

બ્રેઈનડેડ પિતાના અંગોનું દાન કરાવી S.Y.B.COMની વિદ્યાર્થીની વૈદેહીએ પરીક્ષા આપ્યા બાદ, પિતાને ભારે હૈયે અગ્નિદાહ આપ્યો

શ્રી સુરતી મોઢવણિક સમાજના બ્રેઈનડેડ શીતલભાઈ ધનસુખભાઈ ગાંધી ઉ.વ. ૪૯ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.

A-૫, પૂજન રો-હાઉસ, પંકજનગર, પાલનપુર જકાતનાકા, ભેસાણ, રાંદેર, સુરત ખાતે રહેતા શીતલભાઈને બે-ત્રણ દિવસથી માથામાં દુઃખાવો અને ઉલટી થતી હતી. ગુરુવાર, તા.૧૪ એપ્રિલના રોજ રાત્રે ૯:૦૦ કલાકે પરિવારજનોએ તેમને યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલમાં ડૉ.વિજય મેહતાની સારવાર હેઠળ દાખલ કર્યા.

માથામાં દુખાવાનું કારણ જાણવા માટે મગજનું MRI બ્રેઈન કરાવતા મગજને લોહી પહોંચાડતી નસો સાંકળી થઇ ગયેલ હોવાનું તેમજ મગજની અંદરની નસો ફૂલી ગયેલ અને ફૂલેલ ભાગ ફાટી ગયેલ હોવાનું નિદાન થયું હતું. જેના માટે કોઈલીંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મગજની બીજી નસો પણ ફૂલી જતા મગજમાં લોહી વહી જવાથી બ્રેઈન હેમરેજ થયું હતું.

શનિવાર, તા. ૧૬ એપ્રિલના રોજ ન્યુરોસર્જન ડૉ.જેનીલ ગુરનાની, ફીજીશિયન ડૉ.વિજય મેહતા, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.ખુશ્બુ વઘાશિયા અને મેડીકલ ઓફિસર ડૉ.ધ્વનિત પટેલે શીતલભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા.

ન્યુરોસર્જન ડૉ.જેનીલ ગુરનાનીએ ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ શ્રી નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી શીતલભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી શીતલભાઈના પિતરાઈ ભાઈ બંસીભાઇ ગાંધી સાથે રહી શીતલભાઈના પત્ની કામીનીબેન, પુત્રી વૈદેહી, બનેવી કિરણભાઈ, રમીલાબેન તેમજ પ્રવીણભાઈ ઓલીયાવાળા, ભદ્રેશ શેઠના, ભત્રીજા પ્રશાંત અને રત્નેશભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.

શીતલભાઈના પત્ની કામીનીબેને જણાવ્યું કે અમે ખુબ-જ સામાન્ય પરિવારના છીએ. મારા પતિની સારવારનો ખર્ચ પણ જેમ-તેમ કરીને કર્યો છે. મારા પતિ મેડીકલ સ્ટોરમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતા હતા. હું ઘરે સિલાઈ કામ કરીને તેઓને અમારા પરિવારના જીવન નિર્વાહમાં મદદ કરું છું. મારા પતિ બ્રેઈનડેડ છે, અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે, શરીર તો બળીને રાખ જ થઇ જવાનું છે, મારા પતિના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળશે. અમને એવું લાગશે કે મારા પતિ આ દુનિયામાં જીવિત જ છે. વધુમાં તેઓએ જણાવ્યું કે તેમના પિતરાઈ ભાઈ બંસીભાઇ ગાંધીએ પણ મને અંગદાન માટે જણાવ્યું હતું. આમ, હૃદયને ખુબ જ કઠણ કરીને ખુબ જ ભારે હૈયે શીતલભાઈના પત્ની કામીનીબેને અંગદાન માટે સંમતી આપી હતી.

શીતલભાઈના માતા-પિતા ૮૦ વર્ષથી વધુ ઉંમરના છે, તેમની પુત્રી વૈદેહી SPB કોલેજમાં S.Y.B.COMમાં અભ્યાસ કરે છે, સાથે સાથે CAનો અભ્યાસ પણ કરી રહી છે. સોમવારે તેની S.Y.B.COMની પરીક્ષા હતી. આ પરીક્ષા આપ્યા પછી પુત્રી વૈદેહીએ ભારે હૈયે પિતાને અગ્નિદાહ આપ્યો હતો. સલામ છે વૃદ્ધ માતા-પિતા ધનસુખભાઈ અને ઉષાબેન, શીતલભાઈની પત્ની કામીનીબેન અને પુત્રી વૈદેહીને તેમના નિર્ણય બદલ…

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ State Organ and Tissue Transplant Organization (SOTTO) નો સંપર્ક કરી હૃદય, ફેફસાં, કિડની અને લિવરના દાન માટે જણાવ્યું.

SOTTO દ્વારા હૃદય અમદાવાદની સીમ્સ હોસ્પીટલને, એક કિડની અને લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પીટલને, બીજી કિડની અમદાવાદની IKDRCને ફાળવવામાં આવી હતી. NOTTO દ્વારા ફેફસા હૈદરાબાદની કીમ્સ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા.

અમદાવાદની ઝાયડસ હોસ્પીટલના ડૉ.અંકુર વગાડીયા, ડૉ.યશ પટેલ અને તેમની ટીમે આવી લિવર અને કિડનીનું દાન સ્વીકાર્યું, ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.

દાનમાં મેળવવામાં આવેલા લિવર અને એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની રહેવાસી ૩૬ વર્ષીય મહિલામાં અને વાપીની રહેવાસી ૩૭ વર્ષીય મહિલામાં અમદાવાદની ઝાયડસ હોસ્પીટલમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી ૩૯ વર્ષીય મહિલામાં અમદાવાદની IKDRCમાં કરાવવામાં આવ્યું છે.

અમદાવાદની સીમ્સ હોસ્પિટલના ડૉ.ધવલ નાયક અને તેમની ટીમ હૃદય લેવા માટે સુરત આવ્યા હતા. તેઓ દ્વારા ICUમાં શીતલભાઈનો 2D ઇકો કરવામાં આવ્યો હતો અને તે નોર્મલ જણાયો હતો. પરંતુ ઓપરેશન થિયેટરમાં સ્ટર્નોટોમી કરીને હૃદયની તપાસ કરતાં ધમનીઓમાં બ્લોકેજ હોવાને કારણે હૃદય સીમ્સ હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યું ન હતું.

ફેફસાના દાન લેવા માટે હૈદરાબાદની કીમ્સ હોસ્પીટલના ડોક્ટરોની ટીમ સુરત આવી હતી બ્રોન્કોસ્કોપી કરી ફેફસાની તપાસ કરતા ફેફસાં સારા હોવાનું જણાયું હતું પરંતુ લોજીસ્ટીક પ્રોબલમને કારણે ફેફસાનું દાન થઇ શક્યું ન હતું.

કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતા જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા સ્ટેટ એડવાઇઝરી કમિટી ફોર ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનના કમિટી મેમ્બર અને ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી જેમાં શીતલભાઈના પત્ની કામીનીબેન, પુત્રી વૈદેહી, પિતા ધનસુખભાઈ, માતા ઉષાબેન, પિતરાઈ ભાઈ બંસીભાઇ, બનેવી કિરણભાઈ, રમીલાબેન તેમજ પ્રવીણભાઈ ઓલીયાવાળા, ભદ્રેશ શેઠના, ભત્રીજા પ્રશાંત અને રત્નેશભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ.જેનીલ ગુરનાની, ફીજીશિયન ડૉ.વિજય મેહતા, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.ખુશ્બુ વઘાશિયા, મેડીકલ ઓફિસર ડૉ.ધ્વનિત પટેલ, યુનાઇટેડ ગ્રીન હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના મંત્રીશ્રી રાકેશ જૈન, ટ્રસ્ટીશ્રી હેમંત દેસાઈ, સીઈઓ નીરવ માંડલેવાલા, કરણ પટેલ, સ્મીત પટેલ, અંકિત પટેલ, કૃતિક પટેલ, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, યોગેશ પ્રજાપતિ, રોહન સોલંકી અને ચિરાગ સોલંકીનો સહકાર સાંપડ્યો હતો.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૦૦૬ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં ૪૨૨ કિડની, ૧૮૦ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૪૦ હૃદય, ૨૬ ફેફસાં, ૪ હાથ અને ૩૨૬ ચક્ષુઓના દાનથી કુલ ૯૧૯ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button