વાપીના બ્રેઈનડેડ રમેશભાઈ મીઠીયાના પરિવારે કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું

કચ્છી ભાનુશાળી સમાજના મીઠીયા પરિવારની માનવતા મહેંકી ઉઠી

સુરત: દક્ષિણ ગુજરાતના વાપી ખાતે હરિયા એલ.જી. હોસ્પિટલમાંથી ગત રવિવારે સુરતની ડોનેટ લાઈફ સંસ્થાની રાહબરી હેઠળ શહેરનું સૌપ્રથમ અંગદાન કરવામાં આવ્યું હતું. કચ્છી ભાનુશાળી સમાજના બ્રેઇનડેડ રમેશભાઈ ભીખુભાઈ મીઠીયાના પરિવારે તેમના અંગોનું દાન કરીને પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે.

વાપીમાં રહેતા ૬૧ વર્ષીય રમેશભાઈને તા.૫ ફેબ્રુઆરીના રોજ સાંજે ૯:૩૦ કલાકે ઉલ્ટી તથા ચક્કર આવતા બેભાન થઈ ગયા હતા. પરિવારજનોએ તેમને તાત્કાલિક વાપીની હરિયા એલ.જી. રોટરી હોસ્પિટલમાં ફિજીશીયન ડૉ.શંભુચરણ સિંગની સારવાર માટે દાખલ કર્યા હતાં. નિદાન માટે સિટીસ્કેન કરાવતાં મગજની નસો ફાટી જવાથી બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. ૦૭ ફેબ્રુઆરીના રોજ ન્યૂરોસર્જન ડૉ.વશદેવ ચંદવાની, એનેસ્થેટીસ્ટ ડૉ.સુકેતુ ગાંધી, ફિજીશીયન ડૉ.શંભુચરણ સિંગ અને ડૉ.ભાવેશ પટેલ દ્વારા રમેશભાઈને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યાં હતાં. ડોનેટ લાઈફ સંસ્થાએ અંગદાનનું મહત્વ સમજાવતાં સ્વ.રમેશભાઈના પુત્ર દિપકે જણાવ્યું કે, મારા પિતાશ્રીની ઈચ્છા હતી કે તેમના મૃત્યુ બાદ તેઓના અંગોનું દાન કરાવવાની ઈચ્છા વ્યકત કરી હતી. જેથી પરિવારે અંગદાન માટે સંમતિ આપી હતી.

આ દુ:ખભરી સ્થિતિમાં પરિવારે પ્રેરણારૂપ નિર્ણય કરતાં અંગદાન દ્વારા અન્ય લોકોની જીવનમાં ખુશીઓ લાવવાનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદની ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO) ના કન્વીનર ડૉ.પ્રાંજલ મોદીનો સંપર્ક કરી કિડની અને લિવર અમદાવાદની ઈન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટરને ફાળવવામાં આવ્યા. SOTTO દ્વારા લિવર અમદાવાદની સીમ્સ હોસ્પિટલને તેમજ કિડની અમદાવાદની IKDRC ને ફાળવવામાં આવી. અમદાવાદની સીમ્સ હોસ્પિટલના ડૉ.આનંદ ખખ્ખર અને તેમની ટીમે આવી લિવર અને કિડનીનું દાન સ્વીકાર્યું. જયારે હરિયા એલ.જી.રોટરી હોસ્પિટલના ડૉ.અજીત ઉગલેએ ચક્ષુઓનું દાન સ્વીકારી ચક્ષુઓને નવસારીની શ્રોફ આઈ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યાં હતા.

વાપીની હરિયા એલ.જી.રોટરી હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીનું ૧૨૫ કિ.મી. નું અંતર ૯૫ મિનીટમાં કાપીને સુરત એરપોર્ટથી લિવર અને કિડની અમદાવાદ હવાઈ માર્ગે મોકલવામાં આવ્યા. વડોદરાની રહેવાસી ૬૦ વર્ષીય મહિલામાં લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં ડૉ.આનંદ ખખ્ખર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની ઈન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)માં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ.જમાલ રિઝવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

આમ, કચ્છી ભાનુશાળી સમાજના મીઠીયા પરિવારની માનવતા મહેંકી ઉઠી. પરિવારે સ્વજનને ગુમાવવાનું દુઃખનો ભાર હળવો કરી માનવસેવાનું ઉદાહરણ પૂરૂ પાડ્યું છે, અને આપ્તજનના અંગોનું દાન કરી અન્ય દર્દીઓ માટે આશાનું કિરણ બન્યાં છે.

Exit mobile version