કોરોનાના કપરા કાળમાં પણ જેમ્સ એન્ડ જવેલરી ઉદ્યોગની ચમક ઓછી થઈ ન હતી :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
સુરત, મુંબઈ, દિલ્હી ઉપરાંત દેશભરના જેમ્સ એન્ડ જવેલરી ક્ષેત્રના ૪૨ ઉદ્યોગકારોને વિવિધ કેટેગરીના એવોર્ડ એનાયત કરાયા
સુરતઃ ”હીરાઉદ્યોગકારોએ દેશ અને દુનિયાને બતાવ્યું છે કે અમે હીરા ઘસવાવાળા અને ઘરેણાને ઘાટ આપનારા નથી, પણ ગ્લોબલ ટ્રેન્ડ સેટ કરવાની ક્ષમતા પણ ધરાવીએ છીએ. અનેક મુશ્કેલીઓને અવસરમાં પલટાવવાની તાકાત હિરાઉદ્યોગકારોમાં છે” તેમ ડાયમંડ સિટી સુરતના આંગણે કેન્દ્રીય કોમર્સ અને ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલય તથા જેમ્સ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલ(જીજેઈપીસી) દ્વારા આયોજિત “૪૬મા ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ” સમારોહ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી સમયે સમગ્ર વિશ્વ સ્તબ્ધ અને સ્થગિત હતુ, ત્યારે જેમ્સ એન્ડ જવેલરીની ચમક ઓછી થઈ ન્હોતી. ૨૦૨૦-૨૧ના વર્ષમાં ૮.૫૦ ટકાના ગ્રોથ સાથે ૬૭ હજાર કરોડની જવેલરી એકસપોર્ટ કરીને વિકાસના લક્ષ્યાંકને સિધ્ધ કરવા માટે આ સેકટર મહત્વનું પાસુ બન્યું છે. સમયની સાથે ચાલીને સુરતના આગેવાનોએ જરૂરી એચિવમેન્ટ કર્યું છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૪૦૦ બિલીયન ડોલરના લક્ષ્યાંકને સિધ્ધ કરવા માટે આ ઉદ્યોગ મહત્વનો ફાળો આપશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
સુરતમાં સાકાર થનારો જેમ્સ એન્ડ જવેલરી પાર્ક આગામી સમયમાં વિશ્વકક્ષાનો પાર્ક બને અને અહી જ મેન્યુફેકચરીંગથી લઈ વેચાણ તેમજ એક્ષ્પોર્ટ સુધીના તમામ કામો સાકારિત થાય તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
સમગ્ર ભારતનું ૪૦ ટકા એફ.ડી.આઈ. ગુજરાતમાં આવ્યું છે ત્યારે આગામી સમયમાં વધુને વધુ ઈન્ફ્રાસ્ટ્રકચર વધારીને નિર્ધારિત લક્ષ્યાંક પ્રાપ્ત કરીએ તેવો મત મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
આવનારા દિવસો ભારતના છે અને આ દિવસોને પારખીને સુદ્રઢ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. ક્ષમતાઓને ડેવલપ અને બિલ્ડ કરવી એ આજની આવશ્યકતા છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સહિયારા પ્રયાસો કરીને ભારત માતાને પુનઃપ્રતિષ્ડિત કરીએ અને જગત જનની બનાવવામાં આપણે નિમિત બનીએ તે માટે પૂરતી ખુમારી, સુઝબુઝ સાથે સખત પરિશ્રમ કરવાની આપણી સૌની તૈયારી હોવી એ આજની માંગ છે. હીરાઉદ્યોગ ઈમાનદારીનો ઉદ્યોગ છે. આપણી શાખને વધુ મજબુત બનાવીને કામ કરીશુ તો દુનિયા આપણી પાસે આવશે. ‘દુનિયા ઝુકતી હૈ, ઝુકાને વાલા ચાહીએ’ તેમ તેમણે ભારપુર્વક જણાવ્યું હતું. તેમણે વડાપ્રધાનની આત્મનિર્ભરતાની કલ્પનાને સાકાર કરવામાં સહિયારા પ્રયાસો જરૂરી હોવાનું પણ જણાવ્યું હતું.
લે-મેરિડિયન હોટલ ખાતે યોજાયેલા એવોર્ડ વિતરણ સમારોહમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે સુરત સહિત મુંબઈ, દિલ્હી ઉપરાંત દેશના વિવિધ રાજયોમાં જેમ્સ એન્ડ જવેલરી વેપારક્ષેત્ર સાથે સંકાળાયેલા ૪૨ જેટલા ઉદ્યોગકારોને વિવિધ કેટેગરીના એવોર્ડનું વિતરણ કરાયું હતું.
સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર.પાટીલે એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, કોરોનાના કપરાકાળ વચ્ચે પણ હીરા ઉદ્યોગે મોટું હુંડિયામણ રળવા સાથે વિપુલ રોજગારીની તકોનું સર્જન કર્યું છે. જે આર્થિક મુશ્કેલીમાં ખુબ જ મદદગાર રહ્યું છે.
આ પ્રસંગે GJEPC ઇન્ડિયાના ચેરમેન શ્રી કોલિન શાહે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, ડાયમંડ અને જવેલરી ક્ષેત્રને કેન્દ્ર અને રાજય સરકાર તરફથી એકસપોર્ટ માટે પૂર્ણ સહયોગ મળી રહ્યો છે. આ ક્ષેત્રમાં નાના શ્રમિકોને સારા પગાર આપવાની સાથે તેમના સામાજિક અને પારિવારિક બાબતો અંગે પૂરતું ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું છે. છેલ્લા ૧૮ મહિનામાં આ ઈન્ડસ્ટ્રીઝે ૧૮ ટકાનો ગ્રોથ કર્યો છે. આવનારા સમયમાં જવેલરીક્ષેત્રે પણ સુરત અગ્રીમ હરોળમાં આવશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મેળવનાર ઉદ્યોગ અગ્રણીશ્રી ગોવિંદભાઈ ધોળકીયાએ જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણી, ખુબ જ સાદા અને સરળ મુખ્યમંત્રી છે. તેઓ નાનામાં નાના માણસને પુરી લાગણીથી મળે છે અને જે પણ મુશ્કેલી હોય તેને દુર કરવા ઝડપથી નિર્ણય લે છે. ભારતના ભાવિ પેઢી અને યુવાનોને શીખ આપતા જણાવ્યું કે, પ્રામાણિકતાને કદી છોડશો નહી તેમજ જીવનમાં પ્રગતિ કરવા માટે સ્કીલ, ટેકનોલોજી અને સખત મહેનત ખૂબ જરૂરી છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે જેમ્સ એન્ડ જવેલરીના સુવિનિયર પુસ્તકનું વિમોચન કરાયું હતું.
આ પ્રસંગે આરોગ્ય રાજ્ય મંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી, GJEPCના વાઇસ ચેરમેન શ્રી વિપુલ શાહ, GJEPCના રીજીયોનલ મેનેજરશ્રી દિનેશ નાવડિયા, હોદ્દેદારો સહિત જેમ્સ એન્ડ જ્વેલરી સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યાં હતા..