સુરત

ચેમ્બરની લેડીઝ વીંગ દ્વારા ‘વૈદિક હોળી’ વિષય ઉપર વેબિનાર યોજાયો

વૈદિક હોળીથી વાતાવરણ શુદ્ધ થાય, વાયરસનો નાશ થાય, વાયુના દોષમાંથી મુક્તિ મળે, વૃક્ષો કપાતા અટકે અને ગાયોનું સંરક્ષણ થાય છે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ દ્વારા શુક્રવાર, તા. ૪ માર્ચ ર૦રર ના રોજ સાંજે ૪:૦૦ કલાકે ‘વૈદિક હોળી’વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઘનશ્યામ સીતાપરાએ વૈદિક હોળી પ્રગટાવવા પાછળના કારણો, તેના પર્યાવરણલક્ષી અને આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે જાણકારી આપી વૈદિક હોળીનું મહત્વ સમજાવ્યું હતું.

ઘનશ્યામ સીતાપરાએ જણાવ્યું હતું કે, હોળીના તહેવારના મૂળમાં સ્વાસ્થ્યપ્રદ જીવનપ્રણાલી અને સતત વધતી મનની ખુશી છે, પરંતુ હાલમાં લોકો જે  રીતે હોળી ઉજવે છે તે સાવ જ અવૈદિક અને બિનસાંસ્કૃતિક છે. એના માટે દર વર્ષે સોસાયટીઓમાં વૃક્ષો કાપીને લાકડાઓ બાળીને પરિક્રમા કરવામાં આવે છે તે કોઈપણ પ્રકારે ભારતીય કે વૈદિક ઉત્સવ ન ગણી શકાય.

હોળીકા દહનમાં શાસ્ત્રોએ કયાંય લાકડાનો ઉપયોગ કરીને હોળીકા દહનનો ઉલ્લેખ જ નથી, પરંતુ હોલિકા દહન માટે ગાયના પોદળાનું બનેલું સૂકું છાણ, સૂકા નાળિયેર, આહુતી માટે ગાયનું શુદ્ધ ઘી, કેસર, જાયફળ, જાવંત્રી, લવિંગ, એલચી, તમાલપત્ર, તજ, સૂકામેવા, ગૂગળ, સફેદ ચંદન અને કપૂર વગેરે જેવી પવિત્ર વસ્તુઓનો ઉપયોગ કરીને હોળીકા દહન કરવાનું જણાવવામાં આવ્યું છે. ગાયના ઘી અને છાણમાં રહેલા તત્વો અને જે પવિત્ર વસ્તુઓ છે તેના તત્વો હવામાં ફેલાઈને હવાને શુદ્ધ કરે છે અને વાતાવરણ રોગમુક્ત કરે છે. વૈદિક હોળીકા દહનથી વાતાવરણ શુદ્ધ થાય છે, વાયરસનો નાશ થાય છે, વાયુના દોષમાંથી મુક્તિ મળે છે, વૃક્ષો કપાતા અટકે છે અને ગાયોના સંરક્ષણમાં ઉપયોગી થાય છે.

આ દિવસોમાં શિયાળો પૂરો થવાનો અને ઉનાળો શરૂ થવાનો સમય છે. એટલે કે ડબલ સીઝનનો સમયગાળો હોય છે. આ સમયે ઘણા લોકો તાવ અને શરદી-ઉધરસથી પીડાય છે, જેને શીત જ્વર પણ કહેવામાં આવે છે. મોટાભાગના લોકોનું સ્વાસ્થ્ય કથળતું હોય છે. આથી એકદમ ઠંડા વાતાવરણમાં ગરમી લાવવા માટે દરેક જગ્યાએ એક દિવસે હોળીકા દહન કરવામાં આવે છે. સાર્વજનિક રીતે જો જોઈએ તો વૈદિક હોળીમાં થતી વિવિધ આહુતી અને હોળીની પ્રદક્ષિણા કરવાથી શરીરના ઘણા બધા રોગ મટે છે અને અશુદ્ધ હવાને શુદ્ધ કરવાનું કામ કરે છે. જે માનવજીવન માટે ખૂબ જ મહત્વનું છે અને સાથે સાથે ફાયદાકારક પણ છે.

ગાયના છાણને ઘી સાથે બાળવાથી તેનું સંયોજન થાય છે અને તેના દ્વારા વાતાવરણમાં રહેલા ખરાબ પ્રકારના જીવાણુનો નાશ થાય છે. હિન્દુ સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. આથી ધાર્મિક રીતે ગાય માતાનું પ્રભુત્વ વધે છે અને ગાયોનું સંરક્ષણ થાય છે. આખા દેશમાં વૈદિક હોળી પ્રગટાવવામાં આવે તો અસંખ્ય રોગોમાંથી મુક્તિ મળશે, હાનિકારક વાયરસ નાશ પામશે, વાતાવરણ પવિત્ર બનશે અને વાતાવરણમાં રહેલી નકારાત્મક ઉર્જાનો પણ નાશ થશે તથા હકારાત્મક ઉર્જાનો વાતાવરણમાં વાસ થશે. આથી તેમણે લોકોને શહેરમાં ગૌશાળા ખાતેથી ગાયના છાણ તથા સ્ટીકની ખરીદી કરી વૈદિક હોળી પ્રગટાવવા અનુરોધ કર્યો હતો.

ચેમ્બરની લેડીઝ વીંગના ચેરપર્સન રમા નાવડિયાએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. લેડીઝ વીંગના જોઇન્ટ સેક્રેટરી સ્વાતિ જાનીએ વેબિનારનું સંચાલન કર્યું હતું. જ્યારે લેડીઝ વીંગના સભ્ય રોશની ટેલરે વકતા ઘનશ્યામ સીતાપરાનો પરિચય આપ્યો હતો. અંતે લેડીઝ વીંગના સેક્રેટરી મનિષા બોડાવાલાએ સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button