સુરત

‘પ્રોજેક્ટ રિસાયકલ’ હેઠળ ૨૧ વિદ્યાર્થીઓને સાયકલની ભેટ

  • સ્મિત રેલાવતો અનોખો ‘પ્રોજેક્ટ રિસાયકલ’
  • જૂની સાયકલ રિપેર કરી એક વર્ષમાં ૧૦૦૦ વ્યક્તિઓને ભેટ અપાશે
  • સાયકલની ભેટ મેળવનાર પ્રત્યેક વિદ્યાર્થી ત્રણ વૃક્ષ વાવીને ઉછેર કરશે

સૂરત: સુરત મહાનગરપાલિકા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત દ્વારા જૂની અને બિનઉપયોગી સાયકલો મેળવી તેને રિસાયકલ કરી જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે આપવાનો અનોખો પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેના ભાગરૂપે વરાછાના સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે ૨૧ વિદ્યાર્થીઓને રિસાયકલ થયેલી સાયકલ ભેટમાં આપવામાં આવી છે. સાયકલની ગિફ્ટ મેળવનાર મોટાભાગના વિદ્યાર્થીઓના પિતા હયાત નથી. માતા ભાડાના મકાનમાં રહી બાળકોને ભણાવે છે. સાયકલ મળવાથી આવા અતિજરૂરીયાતમંદ વિદ્યાર્થીઓના ચહેરા ખીલી ઉઠ્યા હતાં, તેમના પરિવારને પણ હરખનો પાર નથી.

ડે.મેયર દિનેશભાઈ જોધાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલા સાયકલ વિતરણ કાર્યક્રમમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરતના પ્રમુખ કાનજીભાઈ આર. ભાલાળાએ જણાવ્યુ હતુ કે, લોકોના ઘરે ભંગારમાં પડેલી ક્ષતિગ્રસ્ત સાયકલો મેળવીને રિપેરીંગ કરી આજે ૨૧ વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવી ત્યારે એમના ચહેરા પર સ્મિત રેલાયું એ આ પ્રોજેક્ટની સફળતા છે. સાયકલિંગથી સ્વાસ્થ્ય જળવાય છે અને પર્યાવરણનું સંરક્ષણ થાય છે. વિદ્યાર્થીઓ સ્વસ્થ પણ રહેશે અને પર્યાવરણની રક્ષામાં પણ સહભાગી બનશે. આગામી એક વર્ષમાં ૧૦૦૦ વ્યક્તિઓને સાયકલની ભેટ આપવાનો અમારો સંકલ્પ છે. જેમાં સહયોગી બનવા માટે નાણાકીય દાનની જરૂર નથી, પરંતુ જૂનીપુરાણી સાયકલ આપીને સેવાકાર્યમાં લોકો યોગદાન આપી શકે છે.

પ્રોજેક્ટ વિષે વિગતો આપતા મનપાના ડે.કમિશનર રાજેશભાઈ પંડ્યાએ જણાવ્યુ હતું કે, સાયકલને સામાન્ય માણસનું વાહન ન ગણતા એક ઉપયોગી સંસાધન ગણી તેનો વપરાશ વધે સાથે સાયકલના ફાયદા અંગે જનજાગૃતિ માટે લોકો અને સંસ્થાઓએ આગળ આવવું જોઈએ. વધુમાં આજના સમયમાં ટ્રાફિકની ઘણી સમસ્યાને પણ હળવી કરી શકાય.

આ પ્રસંગે સુરતના બાયસિકલ મેયર તરીકે ઓળખાતા સુનિલ જૈને સુરતીઓને જૂની બિનઉપયોગી સાયકલનું દાન આપવાં અપીલ કરી હતી, જે માટે સૌરાષ્ટ્ર પટેલ સમાજની ઓફિસના ફોન નં. ૦૨૬૧-૨૫૪૦૪૧ ઉપર સંપર્ક કરી શકાશે. જેથી વધુમાં વધુ લોકોને સાયકલની નિ:શુલ્ક ભેટ આપીને તેમની ખુશીનું કારણ બની શકાય એમ તેમણે ઉમેર્યું હતું.

પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષારોપણનું કાર્ય કરતા દેવચંદભાઈ કાકડીયા અને કાળુભાઈ શેલડીયાની પ્રેરણાથી સાયકલ મેળવનાર તમામ વિદ્યાર્થીઓએ વર્ષમાં ઓછામાં ઓછા ત્રણ વૃક્ષ વાવીને ઉછેર કરવાનો સંકલ્પ લીધો હતો.

આ પ્રસંગે સુરત ડાયમંડ એસો.ના પ્રમુખ નાનુભાઈ વેકરીયા, લોકસમર્પણ બ્લડ બેંકના પ્રમુખ હરિભાઈ કથિરીયા, વરાછા બેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ઉપપ્રમુખ સવજીભાઈ વેકરીયા, મંત્રી અરવિંદભાઈ ધડુક તથા સહમંત્રી કાંતિભાઈ ભંડેરી, ડે.કમિશનરશ્રી ઉપાધ્યાય અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ટ્રસ્ટીશ્રી કાંતિભાઈ મારકણા, શ્રી મનજીભાઈ વાઘાણી, તથા યુવાટીમના શ્રી ભાવેશભાઈ રફાળીયાએ સમગ્ર પ્રસંગની વ્યવસ્થા સંભાળી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button