સુરત

કોવિડ પોઝિટીવ તેમજ કોરોના શંકાસ્પદ મતદાર પણ મતદાન કરી શકે છે

કોવિડ પોઝિટીવ દર્દી મેડીકલ સુપરવિઝન હેઠળ સામાજિક અંતર જળવાય તે રીતે વાહન અથવા એમ્બ્યુલન્સમાં પી.પી.ઈ.કીટ પહેરીને મતદાન કરી શકે છે

કોરોના શંકાસ્પદ મતદારે મતદાનના ૪૮ કલાક પહેલાં આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવવાનો રહેશે

સૂરત: ભારતનો યુવા નાગરિક ૧૮ વર્ષનો થાય એટલે એને મળતા અધિકારોમાં દેશ પ્રત્યે જવાબદારી અને ફરજ નિભાવવાનો અધિકાર એટલે મતાધિકાર. વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં મતદાન એ આપણો સૌનો અબાધિત અધિકાર છે. લોકશાહીનું પાવન પર્વ એટલે ચૂંટણીપર્વ એમ કહેવાય છે. રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા જિલ્લા-તાલુકા પંચાયતોની સામાન્ય/પેટા ચૂંટણી-૨૦૨૧નું આગામી તા.૨૧ અને ૨૮ ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાનાર છે.

કોરોના મહામારીની પરિસ્થિતિ ધ્યાને લઈ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આરોગ્યલક્ષી માર્ગદર્શિકા અંતર્ગત ચૂંટણી તંત્ર દ્વારા કોરોનાગ્રસ્ત તેમજ કોરોના શંકાસ્પદ મતદાર દર્દીઓ પણ મતદાન કરી શકે તે માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. આ અંગે સુરત જિલ્લા આરોગ્ય વિભાગના એપિડેમિક મેડિકલ ઓફિસર ડો.પિયુષ શાહે જણાવ્યું હતું કે, કોરોના પોઝીટીવ દર્દી તેમજ કોરોના શંકાસ્પદ મતદાર કે જે હોસ્પિટલમાં દાખલ અથવા હોમ આઇસોલેશનમાં હોય તે પણ મતદાન કરી શકશે. આવા બંને પ્રકારના મતદારોએ મતદાનના એક દિવસ અગાઉ સંબંધિત વિસ્તારના ચૂંટણી અધિકારી (આર.ઓ.) અને સંબંધિત આરોગ્ય નોડલ અધિકારીને લેખિતમાં જાણ કરવાની રહેશે. તેઓએ મતદાનના છેલ્લા કલાક દરમિયાન જ મતદાન માટે આવવાનું રહેશે.
ડો.પિયુષ શાહે કહ્યું કે, કોરોના શંકાસ્પદ મતદારે કોવિડ ગાઈડલાઈન્સ મુજબ મતદાનના બે દિવસ પહેલાં (૪૮ કલાક)માં આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવવાનો રહેશે. જેના રિપોર્ટ અંગે ચૂંટણી અધિકારી અને આરોગ્ય નોડલ અધિકારીને લેખિતમાં જાણ કરવાની રહેશે. જે મતદાર સો ટકા નેગેટીવ હોય, પરંતુ કોવિડ-૧૯ ના લક્ષણો ધરાવતા હોય, અને મતદાન કરવા માંગતા હોય તો તેમણે સ્વખર્ચે પોતાના માસ્ક, ફેસશીલ્ડ અને પ્લાસ્ટીક ગ્લોવ્ઝ પહેરીને મતદાન કરવાનું રહેશે.

કોરોનાગ્રસ્ત દર્દી દ્વારા કેવી રીતે મતદાન કરી શકાય એ અંગે ડો.શાહે જણાવ્યું કે, કોવિડ-૧૯ પોઝીટીવ વ્યક્તિ જેઓ હોસ્પિટલ અથવા હોમ આઇસોલેશનમાં હોય તેઓ પોતાની જવાબદારી ઉપર મતદાન મથકે રાજ્ય સરકારની નિયત માર્ગદર્શિકાનું પાલન થાય તે રીતે મતદાન કરવા માટે જઈ શકશે. આવા મતદારે સૌપ્રથમ તબીબી પ્રમાણપત્ર મતદાનના દિવસે જ એમ.બી.બી.એસ. કે તેથી વધુ લાયકાત ધરાવતા સરકારી કે સરકારમાન્ય તબીબી અધિકારી પાસેથી મેળવવાનું રહેશે. તબીબી પ્રમાણપત્ર મુજબ જેઓ સ્વસ્થ છે તેઓ મતદાન મથકે મતદાન માટે જઈ શકે છે. તબીબી પ્રમાણપત્ર સાથે સ્વખર્ચે મેડીકલ સુપરવિઝન હેઠળ સામાજિક અંતર જળવાય તે રીતે વાહન અથવા એમ્બ્યુલન્સમાં પી.પી.ઈ.કીટ પહેરીને જ મતદાન મથકે છેલ્લા કલાક દરમિયાન જ મતદાન માટે પહોંચવાનું રહેશે. પી.પી.ઈ.કીટ તબીબી અધિકારી દ્વારા આપેલ સૂચના મુજબ જ પહેરવી અને કીટ પહેરવાની તાલીમ તબીબી પ્રમાણપત્ર આપનાર અધિકારી પાસેથી મેળવવી જરૂરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button