બિઝનેસ

દુબઇ ચેમ્બર ઓફ કોમર્સ વિશ્વના જુદા–જુદા દેશોમાં સુરતથી વિવિધ પ્રોડકટનું એકસપોર્ટ વધારવા મદદરૂપ થશે : ચેમ્બર પ્રમુખ આશીષ ગુજરાતી

સુરતને ડ્રીમ સિટી તરીકે તથા સુરત ડાયમંડ બુર્સને ડેવલપ કરવા ટેકનીકલી સપોર્ટ કરવાની દુબઇ મલ્ટી કોમોડીટીઝ સેન્ટરના પદાધિકારીઓએ ચેમ્બરને બાંયધરી આપી

બ્રાઝીલ સરકારના બિઝનેસ એનાલિસ્ટની ભારતથી કોટન અને MMF એકસપોર્ટ કરવા પ્લેટફોર્મ પૂરુ પાડવાની બાંયધરી, સુરતની ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લેશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતી, ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા, તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ દિનેશ નાવડિયા અને ચેમ્બરની કોન્સ્યુલેટ લાયઝન એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ ડેલીગેશન કમિટીના ચેરમેન હર્ષલ ભગતે દુબઇ ખાતે વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓની મુલાકાત લીધી હતી. દુબઇ ખાતે દુબઇ ચેમ્બર ઓફ કોમર્સના એડવાઇઝર તથા ચીફ રિપ્રેઝેન્ટેટીવ જો પૌલો પેકસો સાથે મિટીંગ કરી ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે મહત્વની ચર્ચા વિચારણા કરી હતી.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એકસપોર્ટને વધારવા માટે ઉદ્યોગકારોને હાકલ કરી છે ત્યારે આ પ્રયાસના ભાગરૂપે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી દુબઇ થઇને એકસપોર્ટ વધારવાની દિશામાં દુબઇ ખાતેની આ મિટીંગમાં મહત્વની ચર્ચા કરી હતી. જેમાં દુબઇ ચેમ્બર ઓફ કોમર્સના એડવાઇઝરે દુબઇ થકી વિશ્વના જુદા–જુદા દેશોમાં સુરતથી વિવિધ પ્રોડકટનું એકસપોર્ટ વધારવા માટે મદદરૂપ થશે તેમ જણાવ્યું હતું. એના માટે અમેરિકા, આફ્રિકન કન્ટ્રીઝ, ગલ્ફ કન્ટ્રીઝ, એશિયન અને યુરોપિયન કન્ટ્રીઝ ખાતે દુબઇ ચેમ્બર ઓફ કોમર્સની આવેલી વિવિધ ઓફિસો દ્વારા પણ સંકલન સાધવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેમણે ચેમ્બરના નેજા હેઠળ સુરતના ઉદ્યોગકારોને દુબઇના તમામ બિઝનેસ સેકટર જેવા કે ટેકસટાઇલ, ડાયમંડ, ઓટો મોબાઇલ, એન્જીનિયરીંગ, જ્વેલરી, ફૂડ એન્ડ એગ્રોટેક, ફાર્મા એન્ડ કેમિકલ્સમાં જોડાવવા માટે અપીલ કરી હતી.

ચેમ્બરના પ્રમુખ સહિતના પદાધિકારીઓએ દુબઇ ખાતે એકસ્પો ર૦ર૦ ની મુલાકાત લીધી હતી. જ્યાં બ્રાઝીલ સરકારના બિઝનેસ એનાલિસ્ટ એના કલાઉડીયા બારબોસા અને કાર્લા કાર્વાલ્હો સાથે મુલાકાત કરી હતી. જ્યાં તેઓએ ચેમ્બર ઓફ કોમર્સને એબીટ અને અબેસ્ટ જેવા એપરલ અને ફેબ્રિક એસોસીએશન સાથે જોડાઇને ભારતથી કોટન અને મેન મેઇડ ફાયબર એકસપોર્ટ કરવા માટે પ્લેટફોર્મ પૂરુ પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું. એપ્રિલ– ર૦રર માં બ્રાઝીલ સરકારના બિઝનેસ એનાલિસ્ટ એના કલાઉડીયા બારબોસા સુરતની ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીની મુલાકાતે આવશે.

ચેમ્બરના પદાધિકારીઓએ સોલ્વેનિયાના પ્રતિનિધી મંડળની પણ મુલાકાત લીધી હતી અને ત્યારબાદ દુબઇ મલ્ટી કોમોડીટીઝ સેન્ટરના રિજીયોનલ રિપ્રેઝેન્ટેટીવ મોહંમદ ઇબ્રાહીમ મોહંમદ અને સ્પેશિયલ એડવાઇઝર ડો. માર્ટીન લીક સાથે મુલાકાત કરી હતી. દુબઇ ખાતે આવેલા ડાયમંડ એકસચેન્જની વિઝીટ કરી હતી. સુરતને ડ્રીમ સિટી તરીકે વિકસાવવા અને સુરત ડાયમંડ બુર્સને ડેવલપ કરવા માટે ટેકનીકલી સપોર્ટ કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સની મદદથી સુરત ખાતે ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઇન દુબઇ’ વિષય ઉપર સેમિનાર કરવા માટે પણ તેઓએ રસ દાખવ્યો હતો. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા દુબઇ ખાતે ભવિષ્યમાં કોઇપણ પ્રકારની ઇવેન્ટ કરવામાં આવશે તો તેમાં તેઓ ઓફિશિયલી પાર્ટનર તરીકે જોડાશે તેમ તેમણે જણાવ્યું હતું.

આ ઉપરાંત ડાયમંડ એકસચેન્જની સુવિધા ઉભી કરવા માટે તેમજ સુરતથી દુબઇ માટે સીધી ફલાઇટ સેવા શરૂ કરાવવા માટે પણ તેઓ મદદરૂપ થશે તેમ જણાવ્યું હતું. દુબઇ અને ભારત વચ્ચે ટ્રેડીંગ પાર્ટનરરિપ કન્ટ્રી તરીકે વેપારિક સંબંધો ડેવલપ કરવા પ્રયાસ કરવામાં આવશે. સુરત અને દુબઇ માટે ઇલેકટ્રોનિક વીઝા વધારવા માટે પણ પ્રયાસ કરવામાં આવશે તેમ તેઓએ વધુમાં જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button