સુરત

બિઝનેસ ડેવલપમેન્ટ પ્રોસેસને ટીમ વર્કથી યોગ્ય દિશામાં આકાર આપવા માટે ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન અપાયું

ચેમ્બર દ્વારા ‘સેમ્કો સ્ટાઇલ ઓર્ગ સેલ્ફી’વિષય ઉપર સેમિનાર યોજાયો

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, ૧૧ માર્ચ ર૦રર ના રોજ સાંજે પઃ૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે બિઝનેસ ડેવલપમેન્ટ પ્રોસેસને સ્વતંત્ર રીતે અથવા ટીમ વર્કથી કેવી રીતે આકાર આપી શકાય ? તેનું ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવા માટે સેમ્કો સ્ટાઇલ ઓર્ગ સેલ્ફી વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતા તરીકે સેમ્કો સ્ટાઇલ ઇન્સ્ટીટયુટ ઇન્ડીયાના કો–ફાઉન્ડર મિલીન્દ વૈદ્ય અને વડોદરા ખાતે આવેલી ભારતની પ્રથમ સ્કીલ્સ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર વિક્રાંત પાંડે દ્વારા ઉદ્યોગકારોને મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મિલીન્દ વૈદ્યએ જણાવ્યું હતું કે, કોવિડ– ૧૯ ની પરિસ્થિતિમાં વ્યવસાય અનિશ્ચિત અને અસ્થિર થઇ ગયા હતા. તેઓની કાર્ય કરવાની પદ્ધતિમાં પણ ઘણો બદલાવ આવી ગયો હતો. એવા સંજોગોમાં જે વ્યવસાયિક એકમો અથવા સંસ્થાઓ બાહય ફેરફારોને ઝડપથી પ્રતિસાદ આપી કામ કરતા હતા તેઓ માત્ર ટકી શકયા હતા અને સમૃદ્ધ પણ રહયા હતા. આથી તેમણે ફયૂચર વર્ક કલ્ચર ડેવલપ કરવા વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ તેમજ ઉદ્યોગકારો એકબીજા સાથે સહયોગ અને સુમેળભર્યા વાતાવરણમાં કામ કરવાની પદ્ધતિ અપનાવી ઔદ્યોગિક એકમો તથા સંસ્થાઓમાં માલિકીની ભાવના જગાવી શકે છે. કોલાબોરેશનથી નવા ઇનોવેશન પણ થાય છે. કાર્ય પદ્ધતિની વર્તમાન પરિસ્થિતિને સમજવામાં અને આંતરદૃષ્ટિ કરવા માટે એ જરૂરી પણ છે.

ચેમ્બરના ગૃપ ચેરમેન ભદ્રેશ શાહે સેમિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે ગૃપ ચેરમેન કમલેશ ગજેરાએ પ્રાસંગિક વિધી કરી હતી. ચેમ્બરની ઇન્ફોઝાઇન કમિટીના ચેરમેન તેમજ ગ્રીન બિલ્ડીંગ કમિટીના એડવાઇઝર સંજય પંજાબીએ કાર્યક્રમની રૂપરેખા સાથે વકતાઓનો પરિચય આપ્યો હતો અને અંતે સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન પણ કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button