સુરત

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘પોસ્ટ બજેટ એનાલિસિસ’ વિશે ઇન્ટરેકટીવ સેશનનું આયોજન

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે ‘પોસ્ટ બજેટ એનાલિસિસ’ વિશે ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના ટેકસ કન્સલ્ટન્ટ એડવોકેટ મુકેશ પટેલ અને કે.આર. ચોકસી ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ પ્રા.લિ.ના પ્રમોટર એન્ડ એમ.ડી. દેવેન ચોકસીએ કેન્દ્રીય બજેટ તથા તેમાં કરાયેલા ડાયરેકટ ટેકસ પ્રોવિઝન ઉપર પોતાનું વિશ્લેષણ રજૂ કર્યું હતું.

દેવેન ચોકસીએ જણાવ્યું હતું કે, બજેટમાં નવા ટેકસને નાંખ્યા વગર રૂપિયા ૧૦ લાખ કરોડ ઉભા કરવાની જે જોગવાઇ કરાઇ છે તેનાથી ભવિષ્યમાં ૧૪થી ૧પ ટકાનો ગ્રોથ દેખાઇ રહયો છે. પબ્લીક સેકટરની બેંકો વિશે કહયું કે જેમના એસેટમાં પૈસા અટકયા છે તે પાછા આવવાની શરૂઆત થશે અને આ બાબત ગેમ ચેઇન્જર બની રહેશે. આને કારણે બેંકની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ભારતમાલા, સાગરમાલા, રેલ્વેઝ, એરપોર્ટ, હાઉસિંગ તથા ઇન્ડસ્ટ્રી માટેના નવા પ્રોજેકટ્‌સમાં નવા રૂપિયા ઇન્વેસ્ટ કરવામાં આવશે, જે ખૂબ જ રસપ્રદ જોગવાઇ છે. આનાથી બેંકોને પણ ઘણો લાભ થશે. બેન્કીંગ સેકટર થકી આગામી ત્રણ વર્ષમાં રૂપિયા પ થી ૭ લાખ કરોડ ઉભા થશે તેવો અનુમાન છે. કારણ કે, ભારતમાં નવા ફંડ આકર્ષિત થવાની શરૂઆત થશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રૂપિયા સાડા ૪ લાખ કરોડની ઇકોનોમી ધરાવતા ઓટો સેકટરમાં ૩૦ ટકા એડીશનલ ડિમાન્ડ ગ્રોથ આવશે. જેને કારણે સવા લાખ કરોડનો બિઝનેસ જનરેટ થવાની શરૂઆત થશે. આનાથી ઓટો તથા ઓટો એન્સીલરી બિઝનેસમાં ઘણું મોટું રોકાણ આવી શકે તેમ છે. બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રકચર માટે રૂપિયા સાડા પ લાખ કરોડ ફાળવવાની જોગવાઇ કરવામાં આવી છે. રૂપિયા ૧.૧૦ લાખ કરોડ રેલ્વે માટે, નવા પ કોરીડોર, પીપીપી ધોરણે ૭ નવા સી–પોર્ટ, ૭ નવા મેગા ટેકસટાઇલ પાર્કની પ્રસ્તાવના મુકવામાં આવી છે. અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચર માટે તથા મેટ્રો લાવવા માટે જોગવાઇ કરાઇ છે. ઇન્ફ્રાસ્ટ્રકચરને કારણે રોજગારી વધશે અને રૂપિયો ફરશે એટલે કન્ઝમ્પ્શન શરૂ થશે.

The Southern Gujarat Chamber of Commerce and Industry organizes an interactive session on 'Post Budget Analysis'

તેમણે કહયું કે, ગીફટ સિટી અમદાવાદમાં સ્ટાર્ટઅપ માટે ન્યુ ફીનટેક હબનું નિર્માણ થનાર છે. સરકારના એસેટને મજબુત કરતા પ્રોજેકટ બજેટમાં રજૂ કરવામાં આવ્યા છે. ઇન્સ્યુરન્સ ઇન્ડેસની મુખ્ય હરોળમાં એલઆઇસી કંપની આવશે એટલે મોટા વિદેશી રોકાણકારો આકર્ષાશે. તેમણે કહયું કે સેન્સીબલ ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમે કશું નહીં કરતા હોવ તો પણ પાંચ વર્ષમાં પૈસા ડબલ કરી શકો છો. બજેટમાં કરાયેલી જોગવાઇનું સફળ અમલીકરણ થશે તો નવું અને જુદું ભારત જોવા મળશે.

એડવોકેટ મુકેશ પટેલે જણાવ્યું હતું કે, નાણાં મંત્રીએ બજેટમાં કોરોના સેસ નાંખ્યો નહીં એટલે કે કોઇપણ વધારાનો ટેકસ નાંખ્યો નહીં તે બધા માટે રાહત રહી છે. હેલ્થ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને ફાયનાન્શીયલ સેકટર દેશનું ભવિષ્ય સાબિત થશે. ટેકસ એસેસમેન્ટ માટેની સીમા ૬ વર્ષથી ઘટાડી ૩ વર્ષ કરાઇ છે, જે મુજબ ૩ વર્ષથી વધુ જૂના ટેકસના કેસ હવે નહીં ખોલવામાં આવશે, જે આવકારદાયક બાબત છે. વર્તમાન સરકારે ફેસલેસ એસેસમેન્ટ, ફેસલેસ અપીલ વિગેરે ફેસલેસની આખી સિરીઝ ઉભી કરી દીધી છે. જેથી કરદાતાઓને ઘણી રાહત થઇ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બજેટમાં સેલેરીવાળા લોકો માટે જે એલટીસીની સ્કીમની જોગવાઇ કરવામાં આવી છે તે સારી બાબત છે. તેમણે કરદાતાઓ માટે બજેટમાં કરવામાં આવેલી વિવિધ જોગવાઇ વિશે વિસ્તૃતપણે સમજણ આપી હતી. તેમણે કહયું હતું કે, ડિસેમ્બર ર૦ર૧ સુધીમાં રિટર્ન ભરવાનું રહેશે અને તે સંદર્ભની નોટિસ જૂન ર૦ર૧ સુધી મળશે તથા ત્યારબાદ ડિસેમ્બર ર૦રરમાં એસેસમેન્ટની પ્રક્રિયા થશે.

એડવોકેટ મુકેશ પટેલે વધુમાં કહયું કે બજેટમાં કરાયેલી જોગવાઇ અનુસાર ઇન્કમ ટેકસમાં ટ્રાન્સપરન્સી, એફિશીયન્સી અને અકાઉન્ટીબિલિટી લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે ચેરીટેબલ ટ્રસ્ટો વિશે કરાયેલી જોગવાઇ અંગે વિસ્તૃતપણે ચર્ચા કરી હતી. નોન ફાઇલર ઓફ ઇન્કમ ટેકસ પેયર્સ માટે બજેટમાં કલમ ‘ર૦૬ એએ’ અને ‘ર૦૬ સીસી’ અંતર્ગત ટીડીએસ માટેની જે જોગવાઇ કરવામાં આવી છે તે ખૂબ જ આશ્ચર્યજનક બાબત છે.

આજના સેશનમાં ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ ચેમ્બરની કાર્યપ્રણાલીની ટૂંકમાં માહિતી આપી હતી. ચેમ્બરની ઇન્કમ ટેકસ કમિટીના કો–ચેરમેન સીએ પ્રગ્નેશ જગાશેઠે સમગ્ર સેશનનું સંચાલન કર્યું હતું. ચેમ્બરની ઇન્કમ ટેકસ કમિટીના ચેરમેન સીએ વિરેશ રૂદલાલે વકતા દેવેન ચોકસીનો પરિચય આપ્યો હતો. જ્યારે ચેમ્બરના ગૃપ ચેરમેન સીએ અનુજ જરીવાલાએ વકતા એડવોકેટ મુકેશ પટેલનો પરિચય આપ્યો હતો. પ્રશ્નોત્તરી સેશન દરમ્યાન બંને વકતાઓએ વેપાર જગતના આગેવાનો તથા પ્રોફેશનલ્સના વિવિધ સવાલોના સરળતાથી જવાબ આપ્યા હતા. સેશનના અંતે ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button