ગુજરાતસુરત

સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૨૮માં હ્રદય અને ફેફસાંનાં દાનની ત્રીજી ઘટના

કોળી પટેલ સમાજના બ્રેનડેડ ઇલાબેન નીતિનભાઈ પટેલના પરિવારે તેમનાં

હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી,

માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.

 

સુરતથી ચેન્નાઈનું ૧૬૧૦ કિ.મીનું અંતર ૧૮૦ મીનીટમાં કાપીને

હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ દિલ્હીની ૧૫ વર્ષીય વિદ્યાર્થીનીમાં ચેન્નાઈની MGM હોસ્પીટલમાં

તેમજ ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની ૬૧ વર્ષીય મહિલામાં ચેન્નાઈની એપોલો હોસ્પીટલમાં કરવામાં આવ્યું.

 

નામ : ઇલાબેન નીતિનભાઈ પટેલ  ઉ.વ.૪૧ બ્લડગ્રુપ: O+ve

રહેવાસી :૬૧૬, જુનો કોળીવાડ, કોસાડ બસ સ્ટેન્ડ પાસે, કોસાડ ગામ, સુરત.

 

કૌટુંબિકવિગત :  પતિ : સ્વ. નીતિનભાઈ ધીરુભાઈ પટેલ

 પુત્રો :  ૧. તનવીર નીતિનભાઈ પટેલ ઉ.વ. ૧૮

            ૨. આર્યન નીતિનભાઈ પટેલ ઉ.વ. ૧૬

            કોસાડમાં આવેલ શાહ ગંગાબેન ઉદેરામ માધ્યમિક શાળામાં ધો.૧૧ માં અભ્યાસ.

બનાવની વિગત:

રવિવાર, ૨૭ સપ્ટેમ્બરના રોજ રાત્રે ૯ કલાકે ઇલાબેનને ચક્કર તેમજ ખેંચ આવતા તેઓ બેભાન થઇ ગયા હતા. પરિવારજનોએ તેમને તાત્કાલિક વિનસ હોસ્પીટલમાં ડૉ.નીખીલ જરીવાલાની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી. નિદાન માટે ન્યુરોસર્જન ડૉ.ધવલ પટેલે CT સ્કેન કરાવતાં મગજની નસ ફાટી જવાથી લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું તેમજ મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું.

૨૯ સપ્ટેમ્બરના રોજ ન્યૂરોસર્જન ડો.ધવલ પટેલ, ન્યૂરોફિજીશિયન ડૉ.ગૌરાંગ ઘીવાલા, ફિજીશિયન ડૉ.નીખીલ જરીવાલા, એનેસ્થેટીસ્ટ ડૉ.રવીશા શેખે ઇલાબેનને બ્રેનડેડ જાહેર કર્યા.

ઈલાબેનના દિયર પુષ્પેન્દ્રભાઈ અને તેમના મિત્ર બિપીનભાઈએ ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી અંગદાનની પ્રક્રિયા સમજવા તેઓને હોસ્પિટલ આવવા જણાવ્યુ. 

Third incident of donation of heart and lungs in 7th through Donate Life from Surat

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ઈલાબેનના પુત્રો તનવીર અને આર્યન, દિયર પુષ્પેન્દ્રભાઈ, ભાઈ ભગવતીભાઈ, બનેવી શાંતિલાલ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.

ઈલાબેનના પુત્રો તનવીર અને આર્યન, દિયર પુષ્પેન્દ્રભાઈએ જણાવ્યુ કે અમે ખુબજ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ આજે અમારું સ્વજન બ્રેનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે તેમનું શરીર બળીને રાખ થઇ જાય તેના કરતા તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ State Organ and Tissue Transplant Organization (SOTTO) ના કન્વીનર ડૉ.પ્રાંજલ મોદીનો સંપર્ક કરી હૃદય, ફેફસા, કિડની અને લિવરના દાન માટે જણાવ્યું.

ગુજરાતમાં હ્રદય ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી ન હોવાને કારણે SOTTO દ્વારા ROTTO મુંબઈનો સંપર્ક કરવામાં આવ્યો. ROTTO મુંબઈમાં હ્રદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી ન હોવાને કારણે ROTTO મુંબઈ દ્વારા NOTTO નો સંપર્ક કરવામાં આવ્યો. NOTTO દ્વારા હૃદય ચેન્નાઈની MGM હોસ્પિટલ અને ફેફસા ચેન્નાઈની એપોલો હોસ્પીટલને ફાળવવામાં આવ્યા. જયારે SOTTO દ્વારા કિડની અને લિવર અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) ને ફાળવવામાં આવ્યા. 

Third incident of donation of heart and lungs in 7th through Donate Life from Surat

ચેન્નાઈની MGM તથા એપોલો હોસ્પીટલના ડૉ.મુરલી ક્રિષ્ના, ડૉ.મોહન અને તેમની ટીમે સુરત આવી હૃદય અને ફેફસાનું દાન સ્વીકાર્યું. કિડની અને લિવરનું દાન અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડૉ.સુરેશ કુમાર અને તેમની ટીમે આવી સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.

સુરતની વિનસ હોસ્પિટલથી ચેન્નાઈની MGM તથા એપોલો હોસ્પિટલ સુધીનું ૧૬૧૦ કિ.મીનું અંતર ૧૮૦ મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નાઈની MGM હોસ્પિટલમાં દિલ્હીની ૧૫ વર્ષીય વિદ્યાર્થીનીમાં ડૉ.બાલાક્રિષ્નન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં મુંબઈની ૬૧ વર્ષીય મહિલામાં ડૉ. ટી.સુન્દર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

દાનમાં મેળવવામાં આવેલી બન્ને કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના ૧૮ વર્ષીય યુવકમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ આણંદની ૧૮ વર્ષીય યુવતીમાં જયારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના ૫૪ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)માં ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

ગુજરાતમાંથી હૃદયદાનની આ ૩૫ મી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હૃદયદાન કરાવવાની આ અઠ્ઠાવીસમી ધટના છે, જેમાંથી ૨૦ હૃદય મુંબઈ, ૪ હૃદય અમદાવાદ, ૨ હૃદય ચેન્નાઈ, ૧ હૃદય ઇન્દોર અને ૧ હૃદય નવી દિલ્હી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ડોનેટ લાઈફ દ્વારા સુરતથી ફેફસાના દાનની આ ત્રીજી ઘટના છે. જેમાંથી ૨ ફેફસા બેંગ્લોર, ૨ ફેફસા મુંબઈ અને ૨ ફેફસા ચેન્નાઈ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.

Third incident of donation of heart and lungs in 7th through Donate Life from Surat

હ્રદય અને ફેફસાં સમયસર ચેન્નાઈ પહોંચાડવા માટે વિનસ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો. એજ રીતે કિડની અને લિવર અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) મોકલવા માટે વિનસ હોસ્પિટલથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધીના ૨૬૧ કિ.મિ. ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

અંગદાન મેળવવાની સમગ્ર પ્રક્રિયામાં ઈલાબેનના પુત્રો તનવીર અને આર્યન, દિયર પુષ્પેન્દ્રભાઈ, ભાઈ ભગવતીભાઈ, બનેવી શાંતિલાલ, પાડોશી બિપીનભાઈ, તેમજ પરિવારના અન્ય સભ્યો, ન્યૂરોસર્જન ડો.ધવલ પટેલ, ન્યૂરોફિજીશિયન ડૉ.ગૌરાંગ ઘીવાલા, ફિજીશિયન ડૉ.નીખીલ જરીવાલા, એનેસ્થેટીસ ડૉ.રવીશા શેખ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.સાગર ખુમાણ, RMO ડૉ.વીરેન પટેલ, વિનસ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના પ્રમુખશ્રી નીલેશ માંડલેવાલા, મંત્રીશ્રી રાકેશ જૈન, ટ્રસ્ટીશ્રી હેમંત દેસાઈ, સીઇઓ નિરવ માંડલેવાલા, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, પ્રોગ્રામ કોઓર્ડીનેટર યોગેશ પ્રજાપતિ, જીતેન્દ્ર મોરે, મહેન્દ્રસિંહ ગોહિલ, અસ્ફાક શેખ, ડેનીશ રાજપુત, અંકિત પટેલ, કરણ પટેલ, યુવરાજ પોકરના અને રોહન સોલંકીનો સહકાર સાંપડ્યો હતો.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૬૯ કિડની, ૧૫૦ લીવર, ૭ પેન્ક્રીઆસ, ૨૮ હૃદય, ૬ફેફસાં અને ૨૭૨ ચક્ષુઓ કુલ ૮૩૨ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૭૬૬ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button