સુરત

ચેમ્બર દ્વારા ઉદ્યોગ સાહસિકોને નાણાંકીય શિક્ષણ એટલે શું ? તે માટેના ફ્રેમવર્ક વિશે માહિતગાર કરવા વેબિનાર યોજાયો

આપણા બાળકોને સામાન્ય શિક્ષણ ઉપરાંત નાણાંકીય બાબતોનું પણ શિક્ષણ આપવું જોઇએ

સુરત. ઉદ્યોગ સાહસિકો ફાયનાન્સ ઉપર નિયંત્રણ મેળવી નાણાંકીય સાક્ષરતા કેળવી શકે તે હેતુથી તેઓને ફાયનાન્શીયલ બાબતોથી વાકેફ કરવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુરૂવાર, તા. ૧૦ ફેબ્રુઆરી, ર૦રર ના રોજ રાત્રે ૯:૦૦ કલાકે ‘ફાયનાન્શીયલ લિટરસી એન્ડ વ્હેર વી સ્ટેન્ડ’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતા તરીકે વાઇસ ચાણકય સર્ટિફાઇડ ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ કોચના કો–ફાઉન્ડર અને લીડ ફેસિલીટેટર ઉદય ટીકૂ દ્વારા મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઉદય ટીકૂએ જણાવ્યું હતું કે, એક સરવે મુજબ ભારતમાં મોટા ભાગના લોકો નાણાંકીય રીતે અભણ હોય તે રીતે તેઓ રૂપિયાનો યોગ્ય દિશામાં ઉપયોગ કરી શકતા નથી. પ્રાથમિક તબકકે નાણાંકીય શિક્ષણ સ્કૂલ–કોલેજ, પરિવાર તથા સમાજ અને મિત્ર વર્તુળમાંથી મળતું હોય છે. સ્કૂલ – કોલેજમાં પ્રોબ્લેમ સોલ્વીંગ, ડિસીજન મેકીંગ, ક્રિએટીવ થિન્કીંગ, ક્રિટીકલ થિન્કીંગ, સેલ્ફ અવેરનેસ, એમ્પેથી, ઇન્ટરપર્સનલ રિલેશનશિપ, ગુડ કોમ્યુનિકેશન, મેનેજમેન્ટ ઓફ સ્ટ્રેસ અને મેનેજમેન્ટ ઓફ ઇમોશન વિગેરે સ્કીલ પ્રત્યક્ષ તથા અપ્રત્યક્ષ રીતે શીખવા મળે છે. પરંતુ, એમાં મહત્વની બે સ્કીલ જેવી કે ફાયનાન્શીયલ લિટરસી અને આંત્રપ્રિન્યોરીયલ લીડરશિપ વિશે જાણવા મળતું નથી.

જીવનમાં મુખ્યત્વે રૂપિયા અને વ્યકિતઓને કઇ રીતે મેનેજ કરવા એ બે જ વસ્તુઓ કામ આવે છે. આથી વાલીઓએ પણ ઘરમાં બાળકો સાથે રૂપિયાના યોગ્ય ઉપયોગ વિશે ચર્ચા કરવી જોઇએ. એના માટે તેમણે ચાર જેટલી કરેકટરસ્ટીકસના દાખલા આપીને સમજણ આપી હતી. ઉદ્યોગ સાહસિકોએ પણ વેપાર – ધંધાની પ્રાથમિકતા સ્પષ્ટ કરવી જોઇએ, એકશન કરતા પહેલા વિચારવું જોઇએ અને ત્યારબાદ રૂપિયાનું રોકાણ કરવું જોઇએ. સ્ટોક માર્કેટ અને રિયલ એસ્ટેટમાં રોકાણ કરીને રૂપિયા બનાવી શકાય છે, પરંતુ એના કરતા સૌથી સારી બાબત બિઝનેસ છે. આથી બિઝનેસ કરી રૂપિયા બનાવી શકાય છે તથા તેના થકી રૂપિયા અને વ્યકિત બંનેને મેનેજ કરી શકાય છે.

તેમણે કહયું હતું કે, ઉદ્યોગકારો હોય કે કોઇપણ વ્યકિત તેમને પહેલાં રૂપિયા વિશે યોગ્ય માનસિકતા કેળવવી પડશે. રૂપિયા કેવી રીતે કમાઇ શકાય તે દિશામાં વિચારવું પડશે. બજેટ કરીને ખર્ચ કરવો પડશે અને ત્યારબાદ અંતમાં રૂપિયા લાંબા ગાળા માટે કઈ રીતે ટકી શકે તે માટે પ્રયાસ કરવો પડશે. તેમણે કહયું કે, મોટા ભાગે એવું બનતું હોય છે કે લોકો કઇ વસ્તુ જરૂરી છે તે સમજી શકતા ન હોવાથી રૂપિયાનું મેનેજમેન્ટ કરી શકતા નથી. આથી તેમણે વિઝયુલ લર્નીંગ, ઓડીટરી લર્નીંગ, કાઈન્સ્થેટીક લર્નીંગ અને રીડ–રાઇટ લર્નીંગ વિશે સમજણ આપી હતી. તેમણે મની માઇન્ડસેટ, મેક મની, મેનેજ મની, મલ્ટીપ્લાય મની અને માઇન્ડ મની જેવી પાંચ ફ્રેમવર્ક વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની ઇન્કમ ટેકસ કમિટીના સભ્ય સીએ પ્રિતેશ શાહે વેબિનારનું સંચાલન કર્યું હતું. કમિટીના સભ્ય સીએ કેતન ગઢીયાએ વકતાનો પરિચય આપ્યો હતો. અંતે ચેમ્બરના માનદ્‌ મંત્રી દીપક કુમાર શેઠવાલાએ સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button