સુરત

‘હોળી’ વિષય પર ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈ આકર્ષક ઈનામો જીતો

૦૮ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઈ શકશે

જિલ્લા કક્ષાની સ્પર્ધા તા.૧૬ ફેબ્રુ.થી ૦૩ માર્ચ અને રાજ્ય કક્ષાની સ્પર્ધા તા.૨૭ માર્ચે યોજાશે

સુરત: રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના નેજા હેઠળ જિલ્લા રમત ગમત અધિકારી કચેરી અને સુરત જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા ‘હોળી’ વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાશે. જેમાં ૦૮ થી ૧૩ વર્ષના બાળકો માટે ઈનામો જીતવાની તક છે.

કોવિડ-૧૯ મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં લઈને ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ પોતાના ઘરે A4 સાઈઝના (૮.૩”x ૧૧.૭”) ડ્રોઈંગ પેપર પર પોતાની કૃતિ કોઈ વ્યક્તિની મદદ વિના ચિત્ર દોરી તૈયાર કરી તેને માઉન્ટીંગ કરાવ્યા બાદ જિલ્લા રમત ગમત કચેરી, સુરત ખાતે તા.૧૬ ફેબ્રુ.થી ૦૩ માર્ચ, બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં મોકલી આપવાની રહેશે. સ્પર્ધકે કૃતિ પાછળ પોતાનું નામ, સરનામું મોબાઈલ નંબર,શાળાનું નામ વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરી કૃતિની સાથે ઉંમરના પુરાવા તરીકે આધારકાર્ડ/ જન્મ પ્રમાણપત્રની ઝેરોક્ષ અને બેન્ક ખાતાની પ્રથમ પાનાની ઝેરોક્ષ અચૂક જોડવાની રહેશે.

સ્પર્ધામાથી સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ત્રણ-ત્રણ ચિત્રની જિલ્લાકક્ષાએ પસંદગી થયા બાદ રાજ્યકક્ષાએ ચિત્રો મોકલવામાં આવશે. રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધા તા.૨૭ માર્ચના રોજ ૧૧ થી ૫ કલાક દરમિયાન ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, રવિશંકર રાવલ કલાભવન, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે યોજાશે. જેમાં રાજ્યમાંથી આવેલા ચિત્રો પૈકી શ્રેષ્ઠ ૩૦ ચિત્રોના સ્પર્ધકોને સ્થળ પર ચિત્ર બનાવવાના રહેશે. અહીં ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ. ૨૫ હજાર, દ્વિતીય વિજેતાને રૂ.૧૫ હજાર અને તૃતીય વિજેતાને ૧૦ હજાર એમ ત્રણ ઈનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૫ હજાર (પ્રત્યેકને) આશ્વાસન ઈનામો સાથે તમામ વિજેતાઓને ડ્રોઈંગ કીટ આપવામાં આવશે.

સ્પર્ધા અંગેની વધુ માહિતી બ્લોગ એડ્રેસ dsosportsbvr.blogspot.com પરથી મેળવી શકાશે એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button