સુરત

ચેમ્બરનો ૮૧મો પદગ્રહણ સમારોહ યોજાયો, વર્ષ ર૦ર૧–રરના પ્રમુખ આશિષ ગુજરાતી અને ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ પદભાર સંભાળ્યો

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનો ૮૧મો પદગ્રહણ સમારોહ શનિવાર, તા. ૩૧ જુલાઇ ર૦ર૧ના રોજ સાંજે પઃ૦૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આવેલા પ્લેટીનમ હોલમાં યોજાયો હતો. જેમાં વર્ષ ર૦ર૧–રરના ચેમ્બરના પ્રમુખ તરીકે આશિષ ગુજરાતી અને ઉપપ્રમુખ તરીકે હિમાંશુ બોડાવાલાએ પદભાર સંભાળ્યો હતો.

આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ સી.આર. પાટીલ ઉપસ્થિત રહયા હતા. સુરતના મેયર હેમાલી બોઘાવાલા, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નટુભાઇ પટેલ અને સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું.

ચેમ્બરના વર્ષ ર૦ર૦–ર૧ના પ્રમુખ દિનેશ નાવડિયાએ પદગ્રહણ સમારોહમાં સર્વેને આવકાર્યા હતા અને પ્રારંભિક ઉદ્‌બોધન કર્યું હતું. તેમણે ચેમ્બર દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ટૂંકમાં અહેવાલ રજૂ કરી વર્ષ ર૦ર૧–રરના પ્રમુખ આશિષ ગુજરાતીનો પરીચય આપી તેમને પ્રમુખ તરીકેની બાગડૌર સંભાળવા અનુરોધ કર્યો હતો.

ચેમ્બરના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ, પ્રમુખ તરીકે દિનેશ નાવડિયાએ તેમના કાર્યકાળ દરમિયાન વેપાર – ઉદ્યોગના પ્રશ્નોના નિરાકરણ માટે જે અસરકારક રજૂઆતો અને કોવિડ દરમ્યાન જે કામગીરી કરી હતી તેનો ચિતાર રજૂ કર્યો હતો.

ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રજનીકાંત મારફતિયાને ચેમ્બર દ્વારા લાઇફ ટાઇમ એચીવમેન્ટ સર્ટિફિકેટ આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન પત્રનું વાંચન ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ કમલેશ યાજ્ઞિક દ્વારા કરવામાં આવ્યું હતું.

પદગ્રહણ સમારોહમાં સૌથી મહત્વની બાબત એટલે વર્ષ ર૦ર૧–રરના પ્રમુખ તરીકે આશિષ ગુજરાતી અને ઉપપ્રમુખ તરીકે હિમાંશુ બોડાવાલાએ પદભાર સંભાળ્યો હતો. મંચ પર ઉપસ્થિત આમંત્રિત મહેમાનો સહિત સર્વેએ આશિષ ગુજરાતી અને હિમાંશુ બોડાવાલાને અભિનંદન આપ્યા હતા.

આશિષ ગુજરાતીએ સર્વેનો આભાર વ્યકત કરી અને ચેમ્બરના પ્રમુખપદનો સ્વીકાર કરતા પોતાના ઉદ્‌બોધનમાં જણાવ્યું હતું કે, ડાયમંડ અને ટેકસટાઇલ સહિતના વિવિધ ઉદ્યોગોના ડેવલપમેન્ટ માટે ચેમ્બર કામ કરે જ છે પણ આ વર્ષે ખાસ કરીને સુરતમાં આઇટી હબ વિકસે તે દિશામાં પ્રયાસ કરવામાં આવશે. એવી જ રીતે ફેબ્રિકસ ટેસ્ટીંગ માટે કોમન ફેસિલિટી સેન્ટર બને તે માટે કામ કરીશું. કેન્દ્ર સરકારે દેશમાં સાત મેગા ઈન્વેસ્ટમેન્ટ ટેક્ષ્ટાઈલ પાર્ક (ોયન્બ) સ્થાપવાનું નકકી કર્યું છે. તેમાંનો એક પાર્ક સુરતમાં સ્થપાય તે માટે પૂરેપૂરા પ્રયાસ કરવામાં આવશે. સુરતથી નિર્યાત વધારવા માટે ચેમ્બર ચાર જેટલા દેશોમાં બિઝનેસ રિપ્રેઝન્ટેટીવની નિમણૂંક કરશે. ટેકનીકલ ટેકસટાઇલ અને ગારમેન્ટ સેકટર વિકસાવવા માટે પ્રયાસ કરવામાં આવશે.

ટેકનીકલ ટેકસટાઇલમાં ૮૦ ટકાથી વધારે હિસ્સો એમએમએફનો છે. દક્ષિણ ગુજરાત, દેશના એમ.એમ.એફ.ના ઉત્પાદનમાં ૬પ% હિસ્સો ધરાવે છે. તેથી ટેકનિકલ ટેક્ષ્ટાઈલના વિકાસનો દક્ષિણ ગુજરાતમાં ખૂબ મોટો અવકાશ છે. નેશનલ ટેકનિકલ ટેક્ષ્ટાઈલ મિશનના અંતર્ગત ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય દ્વારા રૂા. ૧૪૮૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે ત્યારે તેનો મહત્તમ લાભ દક્ષિણ ગુજરાતને મળે તેના માટે પ્રયાસ કરવામાં આવશે. સુરત ફેબ્રિકનું મોટું હબ હોવા છતાં પણ ગારમેન્ટ ઉદ્યોગનો પૂરતો વિકાસ થયો નથી. આથી ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીનો વિકાસ થાય અને ગારમેન્ટ માટે બ્રાન્ડ સુરત બિલ્ડ થાય તેવી ઇકો સિસ્ટમ ડેવલપ કરવામાં આવશે. ટેકસટાઇલ યુનિવર્સિટી સુરતમાં બને એ દિશામાં રાજ્ય સરકારને અનુરોધ કરીશું.

સુરતમાં સ્ટાર્ટ–અપ ઈકો સીસ્ટમ પ્રબળ બનાવવા તથા દેશમાં ફર્સ્ટ ચેમ્બર લીડ સ્ટાર્ટ–અપ ઇન્કયુબેટર બનાવવાની મંજૂરી મેળવવા માટે ઘનિષ્ઠ પ્રયાસ કરવામાં આવશે. ત્રણ વર્ષમાં સુરતમાંથી ૧૦૦ જેટલા સ્ટાર્ટ–અપ સફળ થાય તે દિશામાં કામ કરવામાં આવશે. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રી ૪.૦ મેન્યુફેકચરીંગ, ઇલેકટ્રીક વ્હીકલ્સ એન્ડ કોમ્પોનન્ટ્‌સ, વેસ્ટ મેનેજમેન્ટ, ગ્રીન એનર્જી (સોલાર એન્ડ વાઇન્ડ ઇકવીપમેન્ટ અને ઇકો ફ્રેન્ડલી કમ્પોસ્ટેબલ મટિરિયલ્સ વિગેરેના વિકાસ માટે પ્રયાસ કરવામાં આવશે. ફૂડ પ્રોસેસીંગ પાર્ક અને ફાર્માસ્યુટીકલ પાર્ક, દક્ષિણ ગુજરાતમાં સ્થપાય તે માટે પણ પ્રયત્નો કરીશું.

ઉદ્યોગોને નવી ટેકનોલોજીથી અવગત કરાવવા માટે આ વર્ષે ચેમ્બર દ્વારા ઉદ્યોગ એકઝીબીશન, સીટેક્ષ એકઝીબીશન, ઓટો એક્ષ્પો, યાર્ન એક્ષ્પો, વીવનીટ એકઝીબીશન અને સ્પાર્કલ એકઝીબીશનનું આયોજન કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

તેમણે ચેમ્બરના વર્ષ ર૦ર૧–રરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાનો પરીચય આપી તેમને અભિનંદન પાઠવ્યા હતા. તદુપરાંત વર્ષ ર૦ર૧–રરના ઓફિસ બેરર્સમાં ચેમ્બરના માનદ્‌ મંત્રી તરીકે દીપકકુમાર શેઠવાલા, માનદ્‌ ખજાનચી તરીકે પરેશ લાઠીયા, લેડીઝ વીંગના ચેરપર્સન તરીકે રમાબેન નાવડિયાની જાહેરાત કરી હતી.

સમારોહના મુખ્ય મહેમાન સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, અમદાવાદને પણ ટકકર મારે તેવો રિવરફ્રન્ટ સુરતમાં તૈયાર થશે. સુરતમાં રાજ્યના સૌથી મોટા સુરત રિવરફ્રન્ટ માટે વર્લ્ડ બેંક દ્વારા રૂપિયા ર૦૦૦ કરોડની લોન આપવાની ઓફર કરવામાં આવી છે. આ યોજના હેઠળ ૧પ ટકા રાજ્ય સરકાર, ૧પ ટકા સુરત મહાનગરપાલિકા અને ૭૦ ટકા રકમ કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. સુરતમાં વધી રહેલી વસતિને ધ્યાને લઇને ભવિષ્યમાં શહેરીજનો અને ઉદ્યોગોને પાણીનો પ્રશ્ન નહીં ઉદ્‌ભવે તે માટે વોટર રિસોર્સ પ્રોજેકટને પણ કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. દેશમાં સૌથી સસ્તું અને કવોલિટીવાળું પાણી પણ સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે છે.

સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી શારજાહ – સુરતની ફલાઇટ સફળ રહી છે. જો કોરોનાની ત્રીજી લહેર નહીં નડે તો વહેલી તકે સુરતને બીજી આંતરરાષ્ટ્રીય કનેકટીવિટી મળી જશે. સુરતથી ૧૦૦ ફલાઇટ ઓપરેટ કરવાનો લક્ષ્યાંક હતો, પરંતુ કોરોનાને કારણે અત્યારે પ૬ ફલાઇટ ઓપરેટ થઇ રહી છે. જો કે, ૧૦૦ ફલાઇટના લક્ષ્યાંકને હાંસલ કરીને જ રહીશું. દેશના પ્રત્યેક શહેર સાથે સુરતને કનેકટ કરવા માટે અમે પ્રયત્નશીલ રહીશું.

સુરત અને ઉધના રેલ્વે સ્ટેશનને વર્લ્ડ કલાસ કક્ષાનું બનાવવામાં આવશે. શતાબ્દી એકસપ્રેસ પણ અમદાવાદથી આગળ ગાંધીનગર સુધી જાય તે માટે પ્રયાસ કરાઇ રહયા છે. જેથી કરીને વર્લ્ડ કલાસ સુવિધાઓથી સજ્જ થયેલા ગાંધીનગર રેલ્વે સ્ટેશનને દેશ – વિદેશના મુસાફરો જોઇ શકે. મુંબઇ અને ભાવનગર માટે જળમાર્ગ હોવાથી ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીને તેનો લાભ થશે. આ ઉપરાંત ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે ચેમ્બર દ્વારા જે પ્રયાસો કરવામાં આવશે તેમાં સરકારનો સંપૂર્ણ સહયોગ રહેશે.

સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે સુરતના ડેવલપમેન્ટ વિશે વાત કરી હતી. તેમણે ડ્રીમ સિટી, ઉમરા બ્રિજ, બેરેજ બ્રિજ, રિવરફ્રન્ટ, મેટ્રો રેલ, માઇગ્રન્ટ લેબરો માટેની સુવિધા વિશે ચર્ચા કરી હતી. સુરતના વિકાસમાં તેમજ મેગા ટેકસટાઇલ પાર્ક સુરતમાં લાવવા માટે ચેમ્બર અને મહાનગરપાલિકા સાથે મળીને કામ કરશે તેમ તેમણે જણાવ્યું હતું.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નટુભાઇ પટેલે જણાવ્યું હતું કે, વેપાર – ઉદ્યોગને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે જીસીસીઆઇ અને એસજીસીસીઆઇ સાથે મળીને રજૂઆતો કરશે.

પદગ્રહણ સમારોહમાં માસ્ટર ઓફ સેરેમની ચેમ્બરના ગૃપ ચેરમેન બિજલ જરીવાલા અને ચૌલાબેન ગજીવાલાએ કરી હતી. પદગ્રહણ સમારોહને અંતે વર્ષ ર૦ર૧–રરના ઉપપ્રમુખ તરીકે પદભાર સંભાળનાર હિમાંશુ બોડાવાલાએ સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ સમારોહનું સમાપન થયુ હતુ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button