ગુજરાત

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાજ્યના ગરીબોને વિનામૂલ્યે અન્ન વિતરણનો દાહોદથી પ્રારંભ

  • દેશમાં ગરીબોના સશક્તિકરણને સર્વોચ્ચ પ્રાથમિક્તા અપાઇ રહી છે-પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી

  • રાજ્યના પાંચ જિલ્લાના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીશ્રીએ સાધ્યો ઇ-સંવાદ -પ્રધાનમંત્રીશ્રી

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગુજરાતના ૭૧ લાખ પરિવારોના સાડા ત્રણ કરોડ લોકોને દિવાળી સુધી સાવ વિનામૂલ્યે રાશન આપવાના સેવાયજ્ઞનો ઉગતા સૂર્યના પ્રદેશ દાહોદ ખાતેથી વર્ચ્યુલ પ્રારંભ કરાવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલા નવ દિવસીય સેવાયજ્ઞના ત્રીજા દિવસે અન્ન વિતરણ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સહભાગી બન્યા હતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે, દેશમાં ગરીબોના સશક્તિકરણને સર્વોચ્ચ પ્રાથમિક્તા અપાઇ રહી છે.

વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં આજે લાખો પરિવારોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે રાશન આપવામાં આવી રહ્યું છે. આ રાશન કોરોનાની મહામારીના સમયમાં ગરીબોની ચિંતામાં રાહત આપીને તેમનામાં આત્મવિશ્વાસનું સિંચન કરે છે. તેમણે ઉમેર્યું કે, આ યોજના છેલ્લા એક વર્ષથી સમગ્ર દેશમાં ચાલી રહી છે. દેશનો કોઇ ગરીબ ભૂખ્યો સુવે નહી, તે વાત આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. પડકારો ગમે તેવા હોય પરંતુ સમગ્ર દેશ ગરીબોની સાથે છે એવો અહેસાસ આ યોજનાના કારણે લોકોને થયો છે.

કોરોના જેવી મહામારી ૧૦૦ વર્ષમાં પ્રથમ વખત આવી છે. વિશ્વના અનેક દેશોને ચિંતા હતી કે કોરોનાના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને પરિણામે અનેક લોકોને ભૂખ્યા રહેવાનો વારો આવશે. હાલમાં દુનિયાના કેટલાક દેશોમાં કોરોના સંક્રમણને કારણે ભૂખમરાનું ભીષણ સંકટ આવ્યું છે. પરંતુ, ભારતે આ સંકટનો પહેલેથી ઓળખી તેને ખાળવા માટે આગોતરૂ આયોજન કરીને આ યોજના અમલમાં મૂકી છે. દેશમાં ૮૦ કરોડથી વધુ ગરીબોને મફત અનાજ આપવા પાછળ કેન્દ્ર સરકારે રૂ. ૨ લાખ કરોડનો માતબર ખર્ચ કર્યો છે. જેનાથી વિશ્વના અનેક દેશો પ્રભાવિત થયો છે.

ગુજરાતની જાહેર વિતરણ વ્યવસ્થાની પ્રશંસા કરતા પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું વન નેશન, વન રાશન યોજના લાગુ કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય હતું. તેના કારણે લોકડાઉનમાં ફસાયેલા અનેક પ્રવાસી શ્રમિકોને તેમના વતન સિવાયના બીજા સ્થળેથી રાશન મળી રહ્યું અને તેનો કોરોનાકાળમાં પણ રાશનથી વંચિત ના રહ્યા.

તેમણે કહ્યું કે, થોડા વર્ષો પહેલા દેશમાં અનાજના ગોદામો વધતા ગયા પરંતુ ભૂખમરો અને કુપોષણની ટકાવારીમાં કોઇ જ ઘટાડો થયો નહી. તેનું મુખ્ય કારણ અસરકારક વિતરણ વ્યવસ્થાનો સંપૂર્ણ અભાવ હતો. આ સ્થિતિના બદલાવ માટે વર્ષ ૨૦૧૪થી નવી કાર્યશૈલીનો પુરવઠા વિતરણ વ્યવસ્થામાં અમલ કરવામાં આવ્યો અને જેમાં રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરીને અનેક ભૂતિયા રાશનકાર્ડ નાબૂદ કરવામાં આવ્યાથી સાથે ગરીબોના હક્કના સરકારી અનાજ વિતરણની વ્યવસ્થામાંથી કટકી કંપનીને પણ દૂર કરવામાં આવી છે. ડિઝીટલ વ્યવસ્થાને કારણે જાહેર વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બની અને રાશનનો સીધો લાભ કોઇ વચેટિયા કે વિલંબ વગર ગરીબોને સીધો મળી રહ્યો છે.

પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું કે, એક જમાનો હતો કે દેશમાં વિકાસની વાતો માત્ર મોટા શહેરો સુધી જ સીમિત હતી. જેને સામાન્ય માનવી સાથે કોઇ લેવાદેવા નહોતી. પરંતુ, આ વિચારધારાને બદલીને સામાન્ય માનવીના જીવનમાં પણ ગુણાત્મક પરિવર્તન આવે અને તેમનું જીવનધોરણ ઉંચુ આવે તેવા માપદંડો સાથે કેન્દ્ર સરકારે ગરીબોના સશક્તિકરણને પ્રાથમિક્તા આપી છે.

શ્રી મોદીએ એમ પણ કહ્યું દેશમાં ૨ કરોડ ગરીબ પરિવારોને આવાસ, ૧૦ કરોડ પરિવારોને સૌચાલય તેમજ જનધન ખાતાથી અંત્યોદય પરિવારોને બેંકિંગ વ્યવસ્થાથી જોડીને તેમને નવી તાકાત અને તકો પૂરી પાડી છે અને તેના કારણે ગરીબોના જીવનધોરણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.

પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું કે ગરીબોને આરોગ્ય માટે આષ્યુયમાન ભારત, શિક્ષણ અને માર્ગો, ગેસ અને વીજળી મફત આપીને તેમને મુખ્યધારામાં જોડવામાં આવ્યા છે અને વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવ્યા છે. મુદ્રા યોજના, આત્મ નિર્ભર ભારત યોજના થકી ગરીબોને સન્માન પૂર્વ જીવનનો માર્ગ ખોલી આપ્યો છે.

તેમણે કહ્યું કે, ગુજરાતમાં એક સમયે પાણી માટે મહિલાઓને ઘણા દૂર સુધી જવું પડતું હતું. પરંતુ, સરદાર સરોવર યોજના, સૌની યોજના, નહેરોના નેટવર્કને પરિણામે આજે મા નર્મદાનું પાણી ગુજરાતના ગામેગામ અને ઘરેઘરે પહોંચ્યું છે. મા નર્મદાનું નામમાત્ર લેવાથી પુણ્ય મળે છે એ પાણી આજે નળ મારફત ઘર સુધી આવ્યું છે. જલ જીવન મિશન હેઠળ છેલ્લા બે વર્ષમાં સાડા ચાર કરોડ પરિવારોને આવરી લેવામાં આવ્યા છે. આઝાદી બાદ માત્ર ૩ કરોડ પરિવારોના ઘરે પાણીના નળ હતા. ગુજરાતમાં આજે નલ સે જલ યોજના પૂરી થવાના આરે છે. એ વાત ખુશી છે.

ડબલ એન્જીનની સરકારને કારણે ગુજરાતમાં અનેક વિકાસના કામો થયા છે. જેમાં સ્ટચ્યુ ઓફ યુનિટી આજે વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કચ્છમાં બનનારા રિન્યુએબલ એનર્જી પાર્ક, રેલવે, હવાઇ જોડાણ સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અનેક પ્રોજેક્ટ ગુજરાતમાં કાર્યરત છે. અમદાવાદ અને સુરતમાં મેટ્રો, હેલ્થકેર, મેડિકલ શિક્ષણ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી થઇ છે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજ અનેક વિકાસના કામો થઇ રહ્યા છે અને તેના પરિણામે દેશના દરેક ક્ષેત્રના લોકોનો આત્મવિશ્વાસ વધ્યો છે. આ આત્મવિશ્વાસ જ દરેક પડકારોનો સામનો કરવાની શક્તિ આપે છે અને સપનાઓ પૂરા કરવાની તાકાત પૂરી પાડે છે.

તેમણે ટોક્યો ઓલ્મ્પિકની વાત કરતા કહ્યું કે, આઝાદી બાદ આ વખતે કોરોના મહામારી વચ્ચે પણ સૌથી વધુ ખેલાડીઓ ઓલ્મ્પિકમાં ભાગ લઇ રહ્યા છે. જેમાંથી કેટલિક રમતો એવી છે કે, જેમાં ભારતના ખેલાડીઓ પ્રથમ વખત ક્વોલિફાઇ થઇને ભાગ લઇ રહ્યા છે. એટલું જ નહીં, વિશ્વના અન્ય ખેલાડીને ટક્કર આપી રહ્યા છે. ભારતના રમતવીરોનો જોશ, ઝૂનૂન આજે સર્વોચ્ચ સ્તર ઉપર છે. આ આત્મવિશ્વાસ ત્યારે આવે છે, જ્યારે વ્યવસ્થામાં બદલાવ સાથે પ્રતિભાની સાચી ઓળખ કરી તેને માવજત અને પ્રોત્સાહિત કરવામાં આવે છે. ભારતના રમતવીરોનો આ આત્મવિશ્વાસ નવા ભારતની ઓળખ બની છે.

તેમણે રાષ્ટ્રનિર્માણની સંકલ્પના દોહરાવતા કહ્યું કે, ભારત દેશના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તેના આઝાદીના અમૃત મહોત્સવમાં દેશનિર્માણ સૌને સંકલ્પબદ્ધ થવા હાકલ છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં યોજાઈ રહેલા અનાજ વિતરણનો રાજ્યવ્યાપી કાર્યક્રમ અંત્યોદયને ચરિતાર્થ કરવાનો સફળ પ્રયાસ છે. છેવાડાના માનવી અને ગરીબ વ્યક્તિના જીવનમાં સંવેદનશીલ સ્પર્શ છે. હરોળમાં ઉભેલી છેલ્લી વ્યક્તિને પણ પોતાના જીવનમાં સરકારનો અનુભવ થાય એવો પ્રયાસ છે. કેન્દ્ર સરકાર પાસે છેવાડાના માનવીના જીવનને બહેતર બનાવવા માટેનું વિઝન, દ્રઢ ઇચ્છાશક્તિ, ગરીબ-વંચિત માટેની સંવેદના હોવાથી તે શક્ય છે.

તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં નરેન્દ્રભાઈએ જે વિકાસનો માર્ગ ચિંઘ્યો હતો એ જ માર્ગ પર આ સરકાર ગરીબ, વંચિત, અંત્યોદયના ઉત્થાન માટે કાર્યરત છે. ગુજરાતની ૧૭ હજાર સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ૭૧ લાખ અંત્યોદય ગરીબ પરિવારોના-સાડા ત્રણ કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ આપીને “સૌને અન્ન-સૌને પોષણના” સંકલ્પને આ સરકારે સાકાર કર્યો છે.

તેમણે કહ્યું કે, ભૂતકાળના શાસનોમાં ગરીબોની ખુબ ઉપેક્ષા થઈ હતી. વોટ બેન્ક માટે ગરીબી હટાવવાના માત્ર સુત્રો અપાયા. પણ, ગરીબી હટાવવા માટે સમર્પિત થઈને રાત દિવસ કામમાં લાગવું એ અલગ બાબત છે અને એ કામ રાજ્ય અને કેન્દ્ર સરકાર કરી રહી છે. આપણા શાસ્ત્રોમાં અન્નબ્રહ્મ કહ્યું છે એટલે કે અન્નમાં બ્રહ્મનો વાસ છે. દેવનો વાસ છે અને એ અન્ન દરિદ્રનારાયણને વિનામૂલ્યે આપીને શ્રી નરેન્દ્રભાઇએ કરોડો ગરીબોના પોષણની ચિંતા કરી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સરકારે ૨ લાખ ૮૪ હજાર કરોડ રૂપીયાની અનાજની સબસિડી આપી છે અને આના દ્વારા દેશના ૮૦ કરોડ લોકોને છ મહિના અનાજ મળવાનું છે. કોરોના કાળમાં જે રીતે ગરીબોને નિ:શુલ્ક અનાજ પહોંચાડ્યુ છે અને આવી કપરી પરિસ્થિતિમાં પણ કોઈને ભુખ્યા સુવા નથી દીઘા. આ પ્રધાનમંત્રીની જન સામન્ય માટેની ચિંતા અને સમર્પણ દેખાડે છે. અગાઉ કોઇ પણ પક્ષની સરકારોએ ગરીબો માટે આવા વ્યાપક પ્રમાણમાં કોઈ કાર્યક્રમો કર્યા નથી. તેમ તેમણે ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીશ્રીએ દાહોદ ઉપરાંત રાજકોટ, મહેસાણા, તાપી, ગાંધીનગર અને રાજકોટ જિલ્લાના લાભાર્થીઓ સાથે ઇ-સંવાદ પણ સાધ્યો હતો.

શ્રી રૂપાણીએ જણાવ્યું કે, આજ સુધી ‘વન નેશન વન રેશન’નો વિચાર કોઈને ન આવ્યો, પરંતુ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબ, શ્રમિકો રોજીરોટી માટે જે ગામમાં જાય ત્યાં તેને તેના રાશન કાર્ડ ઉપર અનાજ મળી રહે તેની ચિંતા કરી છે. વન નેશન-વન રેશન યોજના અમલી કરી છે. આ એક ક્રાંતિકારી પગલું છે. આનાથી હવે દેશના કોઈ પણ રાજ્યનો શ્રમિક-મજુર જે તે રાજ્યમાં પોતાના રેશન કાર્ડ ઉપર અનાજ મેળવી શકે છે. પ્રધાનમંત્રીશ્રીએ સ્વયં ગરીબી જોઈ છે, અનુભવી છે. એટલે જ એમને ગરીબો પ્રત્યે અપાર સંવેદના છે તે આ કાર્યક્રમમાંસારી રીતે દેખાય છે.

અનાજ વિતરણની વ્યવસ્થા ઉભી કરવામાં ગુજરાત એક મોડેલ સ્ટેટ છે. એમ કહેતા તેમણે ઉમેર્યું કે, કોરોનાના કપરાકાળમાં અંત્યોદય, ગરીબ, શ્રમિક પરિવારોને લોકડાઉન દરમ્યાન આર્થિક આધાર અને અન્ન સલામતિ આપવા મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત ૬પ લાખ ૧૪ હજારલાભાર્થીઓ પ્રતિ વ્યક્તિ દીઠ રૂ. ૧૦૦૦ની સહાય ડીબીટીથી આપી છે. એટલું જ નહિ, કોરોનાની પહેલી લહેરમાં એપ્રિલથી નવેમ્બર-આઠ મહિના દરમ્યાના ૬૩ લાખ પ૭ હજાર લાભાર્થી કાર્ડ ધારકોને ૯ લાખ મે. ટન ઘઉં, ૪ લાખ મે.ટન ચોખા અને ૫૦ હજાર મે.ટન ચણાનું વિતરણ કર્યુ છે. સાથોસાથ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે ગુજરાતના૩.પ૦ કરોડ લોકોને વિનામૂલ્યે રાશન આપ્યું છે. તેમ અંતે શ્રી રૂપાણીએ કહ્યું હતું.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, કોરોના મહામારી દરમિયાન દેશના લોકોને મફત આપવાની સાથે કોરોના સંક્રમણને સુરક્ષિત કરવા દેશના સો કરોડથી વધુ રસીપાત્ર નાગરિકોને મફત રસી આપવાનો પ્રધાનમંત્રીશ્રીએ ઉદ્દાત નિર્ણય કર્યો છે. તેના માટે નરેન્દ્રભાઇનો આભાર માનવો ઘટે. ગુજરાતમાં પ્રતિ દિન ચાર લાખ લોકોને કોરોના સામેની રસી આપવામાં આવી રહી છે. ગુજરાતમાં પાત્રતા ધરાવતી અડધી વસ્તીને રસી આપવામાં આવી છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર આદિવાસીઓના સર્વાંગી ઉત્થાન માટે સતત કાર્ય કરી રહી છે. આદિવાસી સમાજને મુખ્યધારા સાથે જોડવા માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયાએ કહ્યું કે, કોરોના મહામારીની પ્રથમ લહેરમાં રાજ્યના ૬૮.૮૦ લાખ પરિવારોને મફત અનાજ વિતરણ કરીને આવનારી આપત્તિની બચાવ્યા હતા. રાજ્ય સરકારે એક કદમ આગળ ચાલીને ૬૧ લાખ નોન એનએફએસએ કાર્ડધારકોને પણ મફત અનાજ આપીને શ્રી વિજયભાઇ રૂપાણીની સરકારે ક્ષુધાતૃપ્તિનો યજ્ઞ કર્યો હતો.

વન નેશન, વન રાશન યોજના હેઠળ અન્ય રાજ્યોના કાર્ડધારકોને ગુજરાતમાં અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમ તેમણે ઉમેર્યું હતું.

સાંસદ શ્રી સી. આર. પાટીલે જણાવ્યું કે, કોરોનાના કપરાકાળમાં સમગ્ર દેશદુનિયામાં ગુજરાતે આયોજનબદ્ધ રીતે કામગીરી કરી હતી. જેથી પ્રવાસી શ્રમિકોએ પલાયન થવાને બદલે ગુજરાતમાં જ રહેવાનું પસંદ કર્યું હતું.

સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. પ્રારંભે સચિવ શ્રી મહોમ્મદ શાહીદે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અગ્રણી શ્રી ભાર્ગવ ભટ્ટ, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર, એસપી શ્રી હિતેશ જોયસર સહિત પદાધિકારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button