સુરત

ચેમ્બર દ્વારા ૭૩ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

પ્રજાસત્તાક પર્વે સર્વે સભ્યોએ અચૂકપણે મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આજે ૭૩ માં પ્રજાસત્તાક દિવસના અવસર પર સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ ઉપસ્થિત ભૂતપૂર્વ પ્રમુખો, મેનેજિંગ કમિટીના સભ્યો તેમજ સ્ટાફ કર્મચારીઓને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી હતી.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, આઝાદી પછી અમેરિકાને આર્થિક રીતે તેમજ સુરક્ષાની દૃષ્ટિએ મજબુત થઇને મહાસત્તા બનવા માટે ૧૭પ વર્ષ લાગ્યાં. પરંતુ આજે ભારત, પીપીપી ટર્મના આધારે વિશ્વમાં ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઇ છે. વૈશ્વિક સ્તરે ભારત સુરક્ષાની દૃષ્ટિએ સૌથી શકિતશાળી દેશ તરીકે સમગ્ર એશિયામાં બીજા નંબરે છે. સાથે જ વિશ્વની સૌથી ઝડપથી વિકાસ પામતી અર્થવ્યવસ્થામાં આપણો સમાવેશ થાય છે. ભારતમાં, વિશ્વના સૌથી યુવા લોકો વસવાટ કરે છે અને આપણે, વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી સ્ટાર્ટ–અપ ઇકો સિસ્ટમ ધરાવીએ છીએ. લોકશાહી અને જનસંખ્યાની દૃષ્ટિએ પણ ભારત ટૂંક સમયમાં જ નવી ઊંચાઇ સર કરી લેશે.

આજના સમયે આપણી સમક્ષ ઉદ્‌વભતી ઘણી બધી મુશ્કેલીઓ ઉપર કાબૂ મેળવવાની જરૂરિયાત ઉભી થઇ છે. ટેકનોલોજીની દૃષ્ટિએ, આપણે આયાત ઉપર નિર્ભર છીએ. ઇંધણની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે પણ આયાત ઉપર આધાર રાખીએ છીએ. આપણે આપણી બિઝનેસ કરવાની વિચારશૈલી તેમજ પદ્ધતિને બદલી તેમાં કવોલિટી લાવવી પડશે. ઉત્પાદનની સાથે સાથે, માર્કેટ તથા ગ્રાહકોમાં પણ કવોલિટી લાવવી પડશે.

એના માટે આપણે સમાજમાં ઉભી થતી મુશ્કેલીઓને દૂર કરવી પડશે. ભારતમાં નિષ્ફળતાને સામાજિક મુશ્કેલી તરીકે જોવામાં આવે છે. જ્યારે વિકસિત દેશોમાં નિષ્ફળતાને પણ એક તક તરીકે સાધવામાં આવે છે. આથી આપણે પણ વિકાસ કેળવવા માટે ‘રિસ્ક ટેકીંગ એબીલિટી’ આપણા ઉદ્યોગ સાહસિકોમાં ઉભી કરવી પડશે અને તેમાં મળેલી નિષ્ફળતામાંથી જ બોધપાઠ લઇને પાછા ઉભા થઇ ઝડપી વિકાસની દિશામાં પૂર્ણ ગતિથી કામે લાગવાની વિચારસરણી કેળવવી પડશે. હું ઇચ્છું છું કે, આવનારા એક દાયકામાં આપણા ભારતને વૈશ્વિક સ્તરે સૌથી શકિતશાળી એટલે કે સુપર પાવર બનાવવા માટે આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીશું અને તેમાં સફળ પણ થઇશું.

દેશભરમાં રપ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ચેમ્બર દ્વારા આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમ્યાન ઉપસ્થિત સર્વે સભ્યોએ અચૂકપણે મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

આજના ધ્વજવંદન સમારોહનું સમગ્ર સંચાલન ચેમ્બરના માનદ્‌ મંત્રી દીપક કુમાર શેઠવાલાએ કર્યું હતું. સમારોહને અંતે ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સર્વેનો આભાર માની સમારોહનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button