સુરત

આંતરરાષ્ટ્રીય મહિલા દિન : શિક્ષણ અને જ્ઞાનથી આપણી ભાવિ પેઢીને ઉજ્જવળ ભવિષ્યની ભેટ આપી શકીશું: જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકાબેન લાઠીયા

રત્નકલાકાર પિતાની પુત્રી રાધિકાબેન લાઠીયા બન્યા મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત:
કઠિન પરિશ્રમથી ક્લાસ ટુ ઓફિસર થયા અને આજે આપી રહ્યા છે જાહેર સેવામાં યોગદાન
સુરત: “નારી તું નારાયણી” મંત્રને દેશના અનેક નારીરત્નોએ સમયાંતરે સિદ્ધ કર્યો છે. ઘર-પરિવાર, ઓફિસ, સામાજિક તેમજ આર્થિક જવાબદારી પોતાના ખભે ઉપાડીને પરિશ્રમી મહિલાઓ સમાજ માટે ઉદાહરણરૂપ બને છે. આવી મહિલાઓને માનસન્માન આપવાના આશયથી દર વર્ષે ૮મી માર્ચે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. આજે આપણે વાત કરીશું આવી જ એક દૃઢનિશ્ચયી ૩૦ વર્ષીય જિલ્લા યુવા અધિકારી રાધિકાબેન હરેશભાઈ લાઠીયાની, જેઓ સખત મહેનત અને સંઘર્ષ કરી ઉચ્ચ અધિકારી બન્યા છે, અને સુરત જિલ્લા રમત-ગમત કચેરી ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારી તરીકે પોતાના સ્વપ્નના ક્ષેત્રમાં આગળ વધી સરકારી ફરજ બજાવી રહ્યા છે.
રાધિકાબેન યુવાવર્ગ માટે મિસાલ બન્યાં છે. નબળી આર્થિક પરિસ્થિતિ અને સામાન્ય પરિવારમાંથી આવતાં આ મહિલા અધિકારીએ સંઘર્ષ છોડ્યો નહિ, અને સતત પરિશ્રમથી ઝળહળતી સફળતા મેળવીને જાહેર સેવામાં યોગદાન આપી રહ્યાં છે. કોલેજ અભ્યાસ દરમિયાન જ તેમણે કોઈ પણ કોચિંગ ક્લાસ વિના સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી શરૂ કરી. તેમના ક્ષેત્રમાં તેઓ સતત કાર્યશીલ રહ્યા અને ગુજરાત સરકારના રમતગમત વિભાગમાં ૫ વર્ષ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ ઓફિસર (વર્ગ-૩) તરીકે જોડાયા હતા. આ સરકારી નોકરી દરમિયાન તેઓ જીપીએસસીની તૈયારી કરતા રહ્યા, જેમાં તેમણે તા.૮ માર્ચ, ૨૦૧૯માં ઉત્તીર્ણ થઈ સફળતા મેળવી હતી. હાલ તેઓ છેલ્લાં ૦૨ વર્ષથી સુરતના નાનપુરા બહુમાળી ભવન સ્થિત રમતગમત કચેરી ખાતે જિલ્લા યુવા અધિકારી(વર્ગ-૨) તરીકે કાર્યરત છે.
મૂળ બોટાદના વતની રાધિકાબેન હાલ વરાછા હીરાબાગ વિસ્તારમાં પોતાના માતા-પિતા અને ૨ મોટા ભાઈ સાથે રહે છે. જિલ્લા યુવા વિકાસ અધિકારી તરીકેની સંઘર્ષમય સફર ખેડી સફળતા મેળવનાર રાધિકાબેન જણાવે છે કે, ‘મને વર્ગ-૨ ના અધિકારી બનાવવા પાછળ નિવૃત્ત રત્નકલાકાર પિતા હરેશભાઈએ બાળપણથી જ પ્રેરણા પૂરી પાડી હતી. પિતાએ મને અને મારા ભાઈઓને સ્વનિર્ભર બનવાના સંસ્કારોનું સિંચન કરી ઉચ્ચ અભ્યાસ કરવાં માટે સતત પીઠબળ આપ્યું હતું. પિતાની સાથોસાથ મારી માતાએ પણ અમારા સ્વપ્નને પંખ આપવા તેમજ ઘરને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સિલાઈ કામ કરીને ભણાવ્યા હતાં, માતા હાલ ગૃહિણી છે. પિતાની સામાન્ય આવકમાંથી અમારા અભ્યાસનો ખર્ચ અને પરિવારનું ગુજરાન ચાલતું. મારી સફળતામાં માતાપિતાનું મોટુ યોગદાન છે. મારા સિવાય પરિવારમાં અન્ય કોઈ સરકારી અધિકારી ન હોવાનું તેઓ જણાવે છે.
રાધિકાબેને બોટાદમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે. બી.એમ કાંકરિયા મહિલા કોલેજમાં બી.એ.(ઈતિહાસ) તેમજ ભાવનગરમાં B.P.Ed (બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન)ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. સ્પોર્ટ્સમાં રસ હોવાથી તેઓ કોલેજ દરમિયાન થતી રમત-ગમતની સ્પર્ધાઓમાં અવારનવાર ભાગ લેતા. જે અંતર્ગત તેઓ વોલિબોલમાં ૩ નેશનલ, બાસ્કેટબોલમાં ૧ નેશનલ તેમજ યોગમાં ૧ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લઈ ચૂક્યા છે. ‘શિક્ષણ વગર આપણું જીવન પ્રજ્ઞાચક્ષુ સમાન છે. શિક્ષણ અને જ્ઞાન હશે તો આપણી ભાવિ પેઢીને ઉજ્જવળ ભવિષ્યની ભેટ આપી શકીશું’ તેમ મહિલા દિવસ નિમિતે શિક્ષણનું મહત્વ જણાવતા સુરત જિલ્લા યુવાવિકાસ અધિકારીશ્રી કહે છે.
તેઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિને મહિલાઓને

શુભેચ્છાઓ

પાઠવતા જણાવે છે કે, કોઈ પણ લક્ષ્યને સિદ્ધ કરવા તમારી જાતને તૈયાર કરો. મજબૂત ઈરાદા, પ્રમાણિકતાથી કરેલો પુરૂષાર્થ અને અંતરમનથી કરેલી પ્રાર્થના જીવનની કોઈ પણ પ્રકારની મુશ્કેલ લાગતી સમસ્યાનું નિવારણ કરે છે. સમાન વિચારો ધરાવતા લોકો, તમને મોટીવેટ કરે તેવા લોકોથી હંમેશા પ્રેરણા લેતા રહો. કારણ કે જેવા તમારા વિચારો હશે એવા જ તમે બનશો. માતાપિતાને આદર્શ બનાવવા જોઈએ. આપણે જે કઈ પણ છીએ એ આપણા માતાપિતાએ જોયેલા સ્વપ્ન અને આપણા માટે કરેલા સંઘર્ષનું પરિણામ છીએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button