ચેમ્બર દ્વારા યોજાનારા ‘WoW’ એકઝીબીશનમાં કન્ટ્રી પેવેલિયન તરીકે ઇન્ડોનેશિયાએ ઉત્સુકતા દર્શાવી
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા, ગૃપ ચેરમેન અમિષ શાહ અને ચેમ્બરની કોન્સ્યુલેટ લાયઝન / ઇન્ટરનેશનલ બિઝનેસ ડેલીગેશન કમિટીના ચેરમેન હર્ષલ ભગતે ગુરૂવાર, તા. ૧૬ ડિસેમ્બર, ર૦ર૧ના રોજ મુંબઇ ખાતે ઇન્ડોનેશિયા કોન્સ્યુલેટ જનરલ– મુંબઇના કોન્સુલ જનરલ આગુસ પી. સાપ્તોનો સાથે મુલાકાત કરી હતી.
ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા ટ્રાવેલ ઉદ્યોગને પ્રમોટ કરવા માટે તા. ૧૮ થી ર૦ ફેબ્રુઆરી, ર૦રર દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘WoW’ (વિન્ડો ઓફ વર્લ્ડ) એકઝીબીશનનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ભારતના દરેક રાજ્યના પ્રવાસન નિગમ તથા અન્ય દેશોના પ્રવાસન નિગમો દ્વારા પોતપોતાના દેશોના તેમજ રાજ્યોના જાણીતા પ્રવાસન સ્થળોની વિસ્તૃત માહિતી આપવામાં આવશે ઉપરાંત કેટલાક સ્થળો એવા હોય છે કે જેના વિશે પર્યટકોને જાણકારી જ હોતી નથી. આથી આ એકઝીબીશનમાં એવા ઘણા સ્થળો વિશે પણ જાણકારી આપવામાં આવશે.
આ ઉપરાંત ‘WoW’ (વિન્ડો ઓફ વર્લ્ડ) એકઝીબીશનમાં એરલાઇન્સ, રેલ્વે (વૈશ્વિક સ્તરે) અને ક્રુઝલાઇન્સ દ્વારા પણ પોતાની પ્રિમિયમ સર્વિસ વિશે પર્યટકોને માહિતી આપવામાં આવશે. જેના ભાગરૂપે ઇન્ડોનેશિયાના કોન્સુલ જનરલ આગુસ પી. સાપ્તોનોએ આ એકઝીબીશનમાં ઇન્ડોનેશિયા દ્વારા કન્ટ્રી પેવેલિયન તરીકે ભાગ લેવામાં આવશે તેવી પ્રાથમિક સહમતિ દર્શાવી હતી.
આ ઉપરાંત ચેમ્બર દ્વારા જાન્યુઆરી– ર૦રરમાં યોજાનારા ‘સીટેક્ષ’એકઝીબીશનમાં અતિથિ વિશેષ તરીકે પધારવા માટે ઇન્ડોનેશિયાના કોન્સુલ જનરલ આગુસ પી. સાપ્તોનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ચેમ્બર તરફથી આપવામાં આવેલું આમંત્રણ તેમણે સહર્ષ સ્વીકાર્યું હતું.