સુરત

‘ભગવદ ગીતા’માંથી સુખી કુટુંબ જીવનના પાઠ શીખવવા ચેમ્બરની લેડીઝ વીંગ દ્વારા સેમિનાર યોજાયો

ભારતમાં વિવાહને પવિત્ર બંધન તરીકે સ્વીકારવામાં આવે છે અને પરિવાર વ્યવસ્થાને ટકાવી રાખવાનો એ જ મુખ્ય આધાર છે : વિનય પત્રાલે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. ૧૭ ડિસેમ્બર, ર૦ર૧ના રોજ સાંજે ૪:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘ભગવદ ગીતામાંથી સુખી કુટુંબ જીવનના પાઠ’વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેનેજમેન્ટ ટ્રેનર એન્ડ મોટીવેશનલ સ્પીકર, ઓથર, કોલમીસ્ટ, રેકી માસ્ટર તથા ભારત ભારતીના ફાઉન્ડર પ્રેસિડેન્ટ વિનય પત્રાલેએ ‘ભગવદ ગીતા’ના વિવિધ અધ્યાયોમાંથી સુખી કુટુંબ જીવનના પાઠ શીખવ્યા હતા.

વિનય પત્રાલેએ જણાવ્યું હતું કે, આત્માને કોઇપણ જાતનો લીંગભેદ હોતો નથી. આખા વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે કે જ્યાં સ્ત્રીને ઇશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે. ભારત સિવાય બીજા કોઇ દેશમાં આવું નથી. જેને કારણે જ વિદેશોમાં અસ્વસ્થતા, અપરાધ અને એડીકશન વધારે પડતું જોવા મળે છે. તેમણે કહયું કે, ભારતમાં જ પરિવાર વ્યવસ્થા ટકી છે. કારણ કે, અહીં વિવાહને પવિત્ર બંધન તરીકે સ્વીકારવામાં આવે છે અને પરિવાર વ્યવસ્થાને ટકાવી રાખવાનો એ જ મુખ્ય આધાર છે.

સુખી કુટુંબ જીવન માટે પતિ અથવા પત્નીને ગુણદોષની સાથે સ્વીકારીએ એ પહેલું પગથિયું છે. ત્યારબાદ જે બાબત નહીં ગમતી હોય તો તેના વિશે નારાજગી વ્યકત કરી શકાય છે. પતિ – પત્નીના સંબંધોમાં કોઇપણ પારકાને લઇને મતભેદો ન થાય તે કુટુંબ જીવનની આવશ્યકતા છે. પરિવારમાં રહીને જ આધ્યાત્મિક વિકાસ પણ થઇ શકે છે. જ્ઞાન, ભકિત યોગ અને કર્મયોગ ત્રણેયના સમન્વય સાથે આત્મીય સંબંધ વિકસે છે અને વ્યકિત ઊંચાઇનું પગથિયું ચડે છે. રાત્રે ઊંઘતા પહેલા દિવસ દરમ્યાનના તમામ કર્મો પ્રભુના ચરણે અર્પણ કરીને ભયમુકત થઇ જવું જોઇએ.

“યોગ કર્મસુ કૌશલમ” એટલે કે કોઇપણ કામ દિલથી અને કુશળતાપૂર્વક કરશો તો યોગ છે. ભગવદ ગીતા કહે છે કે કર્મકાંડ કરવો જરૂરી નથી પણ રોજનું કામ મનથી અને સારા ભાવથી કરવું એ જ યોગ છે. “સમત્વમ યોગ ઉચ્ચતે” એટલે કે બધામાં જ એકસરખું ચૈતન્ય દેખાય. કોઇના પ્રત્યે મનમાં દ્વેષ ન હોવો જોઇએ. પતિ – પત્ની ઘર – સંસારમાં મન પરોવીને રહે તો આત્યાત્મિકતા પણ આવી જાય છે, પરંતુ હાલમાં પતિ – પત્ની બંને જ ફેસબુક, વોટ્‌સએપ અને ઇન્સ્ટાગ્રામ ઉપર વ્યસ્ત થતા જઇ રહયા છે. એવા સંજોગોમાં પરિવારને યોગ્ય દિશાએ લઇ જવાની ચાવી માતાના જ હાથમાં છે.

ઉપરોકત સેમિનારમાં ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ દિનેશ નાવડિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની લેડીઝ વીંગના ચેરપર્સન રમા નાવડીયાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. લેડીઝ વીંગના જોઇન્ટ સેક્રેટરી સ્વાતિ જાનીએ સેમિનારનું સંચાલન કર્યુ હતું. જ્યારે લેડીઝ વીંગના સભ્ય રોશની ટેલરે વકતાનો પરિચય આપ્યો હતો. અંતે લેડીઝ વીંગના સેક્રેટરી મનીષા બોડાવાલાએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યુ હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button