શરુ થયો અલૌકિક અને અલભ્ય વૈષ્ણવ એકતા મહોત્સવ
- ઉત્તર મુંબઈના ઘરઆંગણે દ્વારકેશલાલજી મહોદય શ્રીનાં ૫૦ વર્ષની સુવર્ણ ઉજવણી
- 19 તારીખે સાઈરામ દવે અને 20 તારીખે કિર્તીદાન ગઢવીનો શાનદાર કાર્યક્રમ
- કથાનાં અંતિમ દિવસે ન ભુતો ન ભવિષ્યતી એમ વલ્લભકુળના ૫૦ આચાર્યો એક સાથે એક મંચ પર પુષ્ટી ધ્વજ ફરકાવશે.
અલૌકિક શોભાયાત્રા
ઉત્તર મુંબઈના સપ્તાહ ગ્રાઉન્ડમાં વૈષ્ણવ એકતા મહોત્સવની શરુઆત થઈ. આ શરુઆત અલૌકિક શોભાયાત્રા સાથે થઈ. આ શોભાયાત્રામાં ડંકાનિશાન, છત્રચમર, લવાજમા, કલશ લિધેલ બહેનો અને પુષ્પવૃષ્ટી સાથે દબદબાભેર, ભવ્ય રહી. બોરીવલીના પોઈસર જીમખાતાથી શરુ થતી આ યાત્રા રાજમાર્ગો પરથી પસાર થઈ અને આ ભાગવત જ્ઞાન યજ્ઞનો શુભારંભ થયો. શોભાયાત્રામાં પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી સોમ્યજી દીક્ષિત દ્વારકેશ લાલજી મહારાજ શ્રી, પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી અનુગ્રહકુમારજી રથમા બિરાજ્યા અને શોભાયાત્રામાં સહભાગી થયા. તમામ વૈષ્ણવોએ આ પ્રસંગે પીળા વસ્ત્રોપરિધાન કર્યું હતું.
પુષ્ટિમાર્ગના વૈષ્ણવ ભક્તિ સંપ્રદાયની સ્થાપના કરનારા જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનાં ૧૭માં વંશજ દ્વારકેશલાલજી મહોદય શ્રી નું આ સુવર્ણજયંતી વર્ષ ચાલી રહ્યુ છે તેઓ આ વર્ષને પૃથ્વી પરિક્રમા વર્ષ નામ થકી વિશ્વનાં પાંચ ખંડોમાં વૈષ્ણવ ધર્મનો પુષ્ટીમાર્ગનો પ્રચાર થાય એ હેતુથી ૫૦ દેશોમાં ભક્તિ યાત્રા કરી રહ્યા છે અને “પ્રાઉડ ટુબી વૈષ્ણવ”નું કેમ્પેઈન આ અંતર્ગત ચાલી રહ્યુ છે.
આ યાત્રાનાં ભાગરૂપે કાંદિવલીનાં સપ્તાહ ગ્રાઉન્ડ પર ૧૭ થી ૨૩ જાન્યુઆરી દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું. જેનું નામ છે “વૈષ્ણવ એકતા મહોત્સવ”. કથામાં આચાર્યપીઠ પર બિરાજનાર દ્વારકેશલાલજી મહોદય શ્રી કહે છે, “ભક્તિપ્રચારનો કોઈ માર્ગ હોય તો એ ભાગવત છે. ભાગવત એ મુર્તીમંત્ર શ્રીનાથજી ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. આજે લાખોની સંખ્યામાં વૈષ્ણવ સમાજ ખાતે વસી રહ્યો છે પણ તેઓ જુદી-જુદી હવેલી કે સંસ્થાઓ સાથે જોડાએલા છે. આ વિખરાએલા સમાજને એકતાનાં દોરામાં પરોવી સુંદર માળા બનાવી શ્રીનાથજીનાં શ્રીકંઠે ધરાવવાનો એક સંકલ્પ છે. વૈષ્ણવ એકતા મહોત્સવની અંતર્ગત સુવર્ણ જયંતી વર્ષ દરમિયાન શ્રી ભાગવત સપ્તાહનું આ આયોજન છે. આ કથા પાછળની ભાવના એ છે કે મુંબઈમાં વસતા સમસ્ત વૈષ્ણવ સમાજને “મુંબઈ વૈષ્ણવ સંઘ”ની અંર્તગત એકત્રિત કરવામાં આવે અને દરેક સ્થળે વૈષ્ણવ એજ્યુકેશન સેન્ટર શરૂ કરવામાં આવે. આ શૈક્ષણિક સંસ્થાનોમાં ભાગવતગીતા, ધાર્મિક ગ્રંથો, પ્રભુના મનોરથો, બહેનોનાં કિર્તનો વગેરે ચાલતુ રહે.
મહાનુભાવોની હાજરી
બપોરે ત્રણ વાગ્યે પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી સોમ્યજી દીક્ષિત દ્વારકેશ લાલજી મહારાજ શ્રીના હસ્તે દિપ પ્રાગટ્ય સાથે આ જ્ઞાનયજ્ઞની શરુઆત થઈ. આ શુભ પ્રસંગે પરમ પૂજ્ય પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી અનુગ્રહકુમારજી હાજર કથા રસિકો અને ભક્તોને આર્શિવચન આપ્યા. તેમજ ઉત્તર મુંબઈના ભુતપૂર્વ સાંસદ શ્રી ગોપાળ શેટ્ટી, ભાજપના વરિષ્ઠ નેતા શ્રી કૃપા શંકર સિંહ હાજર રહ્યા હતા.
યુવાઓ સાથે વન ટુ વન સંવાદ
મુંબઈમાં થનારી કથા દરમિયાન એક દિવસ યુવાઓ સાથે પ્રથમ વાર દ્વારકેશલાલજી મહોદય શ્રી વિષેશ સંવાદ કરવાનાં છે. જેમાં આજના યુવાનો સાથે તેઓ વન ટુ વન સેશનમાં એમનાં પ્રશ્નો વિશે ચર્ચા કરશે. આ ચર્ચાનાં તાત્પર્ય વિશે જણાવતા જેજે શ્રી કહે છે, “માણસ ગમે તેટલો સફળ થાય પણ એને એ સફળતાને માણવા માટે પરિવાર અને સ્વજનોની, સમાજની જરૂર પડે જ છે. જો તમે તમારી સફળતા કોઈની સાથે માણી કે શેર ન કરી શકો તો એ સફળતા શું કામની? ભગવાને જે નિકટનાં સંબંધીઓ આપ્યા છે. એને સાચવવા જરૂરી છે. વલ્લભકુળ અને વૈષ્ણવકુળ સાથે મળી ભક્તિમાર્ગ પર અગ્રેસર થવા ઈચ્છે. આજનાં યુવાનો વ્યક્તિગત સ્વતંત્રતાને વધુ મહત્વ આપે છે. એવામાં તેઓ સંબંધોનાં મુલ્યોનું મહત્વ જાણી સામાજીક અને કૌટુંબિક વધુ જવાબદારીઓ સ્વીકારતા થાય એ વિશે ચર્ચા થશે. વ્યકિત સફળ થાય, પ્રગતિ કરે પણ જો પ્રગતી પ્રસન્નતા ન લાવે તો એ શું કામની? અને એ પ્રસન્નતા સ્વજનોથી જ આવે છે. દુખમાં રડનારુ અને સુખમાં હસનારુ જ્યારે તમારી સમિપ કોઈ હોય ત્યારે જ એનું મહત્વ છે એ મુલ્યો હવે યુવાનોને સમજાવવા છે.”
શાનદાર આયોજન
વૈષ્ણવ એકતા મહોત્સવ અંતર્ગત યોજાઈ રહેલા ભાગવત કથા સપ્તાહનાં સંપુર્ણ કાર્યક્રમની સંકલ્પનાં અને વ્યવસ્થા શોગ્લિટ્સનાં ડિરેક્ટર સંતોષ સિંહ કરી રહ્યા છે. તેમજ ભાગવત સપ્તાહનાં આ કાર્યક્રમના સ્વપ્નદ્રષ્ટા અને મુખ્ય યજમાન મુખ્ય યજમાન હિમાંશુ રમણીકલાલ મહેતા છે તેમજ શ્રી દર્શનભાઈ મહેતા, પીન્ટુભાઈ દેસાઈ આ ઉપરાંત શ્રી વ્રજ વ્રજેશ ફાઉન્ડેશન અને શ્રીજી દર્શન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન થઈ રહ્યું છે. કાર્યક્રમના સંયોજક રુપે શ્રી વિપુલ પારેખ, શ્રી વિરલ ચિતલીયા, શ્રી હારિત ચિતલીયા, તેમજ સહ-સંયોજક સ્વરુપે નિતાબેન પારેખ કાર્યરત છે.