ગુજરાત

સરકારની નવી રી–ડેવલપમેન્ટ પોલિસી’ વિશે સેમિનાર યોજાયો

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા  ‘સરકારની નવી રી–ડેવલપમેન્ટ પોલિસી’વિશે સેમિનાર યોજાયો હતો. જેમાં સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ નવી રી–ડેવલપમેન્ટ પોલિસી વિશે વિસ્તૃત ચર્ચા કરી તે અંગેની સમજણ આપી હતી.

અરવિંદ રાણાએ જણાવ્યું હતું કે, સુરતના રહેણાંક વિસ્તારમાં રપ વર્ષ કે તેથી જૂના મકાનોના રી–ડેવલપમેન્ટ માટે ગુજરાત સરકારે ત્રણ પોલિસી બનાવી છે. જેમાં ઝૂંપડપટ્ટી, ટેનામેન્ટ/હાઉસિંગ બોર્ડના મકાનો અને એપાર્ટમેન્ટના બાંધકામ માટે સરકારની નવી રી–ડેવલપમેન્ટ પોલિસીનો ઉપયોગ કરી શકાય છે. એપાર્ટમેન્ટમાં રહેતા ૭પ ટકા ફલેટધારકો જો તેમના જર્જરીત થઇ ગયેલા ફલેટનું ફરીથી બાંધકામ કરવા માગતા હોય તો આ પોલિસી અંતર્ગત તે શકય બની શકે છે. રપ વર્ષ કરતા ઓછા સમયના એટલે કે ર૦ વર્ષ પહેલાના ફલેટ હોય અને તે જર્જરીત થઇ ગયા હોય તો એવા સંજોગોમાં સરકારની નવી રી–ડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત સુરતમાં બનેલી કમિટી તપાસ કરીને આ ફલેટને જર્જરીત જાહેર કરે તો તેઓનું પણ આ પોલિસી અંતર્ગત રી–ડેવલપમેન્ટ થઇ શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારની નવી રી–ડેવલપમેન્ટ પોલિસીમાં ફલેટધારકોને બાંધકામ માટે વધુમાં વધુ ૪૦ ચોરસ મીટર સુધી કારપેટ એરીયો મળી શકે તેવી જોગવાઇ કરવામાં આવી છે. અગાઉનું બાંધકામ જો ૪૦ ચોરસ મીટર કરતા ઓછું હશે તો પણ તેઓને ૪૦ ચોરસ મીટર સુધી કારપેટ એરીયો મળશે. આ પોલિસી અંતર્ગત ફાયર સેફટી અને સ્ટ્રકચરલ સ્ટેબીલિટીના નોર્મ્સ પ્રમાણે સંબંધિત બિલ્ડીંગને રી–ડેવલપ કરી શકાશે, પરંતુ બે બિલ્ડીંગોને એકત્રિત કરી શકાશે નહીં. સુરતમાં એફએસઆઇ ૧.ર માંથી ૧.૮ થયો છે. વધારાનો એફએસઆઇ વપરાય તો જીડીસીઆર (જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન) પ્રમાણે ફાયરના નોર્મ્સનું પાલન કરવાનું રહેશે.

સેમિનારમાં ઉપસ્થિત લોકોએ તેમની મુશ્કેલીઓથી ધારાસભ્ય અરવિંદ રાણાને પરિચીત કર્યા હતા અને નીચે મુજબના સવાલો તથા સૂચનો રજૂ કર્યા હતા.

– ૧૯૬૮માં મુંબઇમાં મહારાષ્ટ્ર સરકારે જર્જરીત મકાનોના રી–ડેવલપમેન્ટ માટે બિલ્ડર તથા ડેવલપરને ૧ એફએસઆઇ ઉપરાંત ૩૩ ટકા બાંધકામની છુટ આપી હતી. જેથી કરીને ડેવલોપરે તેનો ખર્ચ કાઢી ફલેટધારકોને સબસિડાઇઝ કરી ફલેટ બનાવી આપ્યા હતા. ગુજરાત સરકારે પણ રી–ડેવલપમેન્ટ પોલિસીમાં પેઇડ એફએસઆઇનું પ્રોવિઝન કરવું જોઇએ, જેથી ફલેટધારકોને આર્થિક રાહત થઇ શકે.
– ગુજરાત સરકારે બોમ્બે રિપેર બોર્ડની જેમ ગુજરાત રિપેર બોર્ડ બનાવી કામગીરી કરવી જોઇએ.
– નવા રૂલ્સ/રેગ્યુલેશન બનાવી હયાત કાયદા તથા લોકોની જરૂરિયાતોને ધ્યાને લઇ નવી પોલિસી બનાવવી જોઇએ અને તેનો અમલ માત્ર સુરતમાં નહીં પણ સમગ્ર ગુજરાત રાજ્યમાં કરવામાં આવે.
– સરકારની નવી રી–ડેવલપમેન્ટ પોલિસીમાં રેસીડેન્સીયલ બાંધકામોની સાથે કોમર્શિયલ બાંધકામો તેમજ ઔદ્યોગિક વિસ્તારને પણ સમાવવામાં આવે.

અરવિંદ રાણાએ લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ તેમની માંગણીને સંતોષવા માટે પુરો પ્રયાસ કરશે. ઉપરોકત સૂચનો અંગે ચેમ્બરના પ્લેટફોર્મ ઉપરથી સરકારને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવશે.

સેમિનારમાં ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ સેમિનારનું સંચાલન કર્યું હતું. ચેમ્બરની સ્માર્ટ સિટી – તાપી કલીન્લીનેસ અભિયાન કમિટીના ચેરમેન ભદ્રેશ શાહે કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. અંતે ચેમ્બરના ગૃપ ચેરમેન દીપકકુમાર શેઠવાલાએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button