ગુજરાત

USAના મુંબઇ સ્થિત કોન્સ્યુલેટ જનરલ મુખ્યમંત્રીશ્રીની સૌજન્ય મુલાકાતે

  • મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ સમિટ અને ડિફેન્સ એકસપોમાં અમેરિકન ઊદ્યોગો- કંપનીઓને ભાગ લેવા માટે પાઠવ્યું આમંત્રણ
  • આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનશ્રીના ધ્યેયને પાર પાડવા વધુને વધુ ઊદ્યોગો ગુજરાતમાં આવે -ગુજરાતમાં ૧ર૦ જેટલી US કંપનીઓ કાર્યરત છે : રાજય સરકારનો સહયોગ અને સકારાત્મક અભિગમ નવી આવનારી કંપનીઓને પણ આપવાની તત્પરતા દર્શાવતા શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
  • દ્વિપક્ષીય આર્થિક-વાણિજ્યીક વ્યાપારીક સંબંધો – ઉચ્ચશિક્ષણ ક્ષેત્રમાં સહભાગીતા – કલાયમેટ ચેન્જના પડકારો સામે સજ્જતા – સામાજિક ક્ષેત્રોમાં સશક્તિકરણમાં ગુજરાત સાથે સહયોગ માટે ઉત્સુક વ્યકત કરતા યુ.એસ.એ કોન્સ્યુલેટ જનરલ શ્રીયુત ડેવિડ રેન્ઝ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સૌજન્ય મુલાકાત યુ.એસ.એ ના મુંબઇ સ્થિત કોન્સ્યુલેટ જનરલ શ્રીયુત ડેવિડ રેન્ઝ એ ગાંધીનગરમાં લીધી હતી.

શ્રીયુત ડેવિડ રેન્ઝ યુ.એસ.એ ના કોન્સ્યુલેટ જનરલ તરીકે ભારતના પશ્ચિમ ક્ષેત્રના ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કામગીરી વિસ્તાર ધરાવે છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને મળતાં તેઓ પૂર્વે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડોદરા અને અમદાવાદની મુલાકાત લઇને ગાંધીનગર આવેલા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આગવા વિઝનથી નિર્માણ પામેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે તેનો ખ્યાલ આપ્યો હતો.

શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે એમ પણ કહ્યું કે, આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિણામે હવે દેશના જ નહિ, વિદેશોના પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આવતા થયા છે.

વિકાસ કરવા સાથોસાથ પર્યાવરણ જાળવણી સાથે આકાર પામેલું આ SOU પરિસર સ્થાનિક લોકોને રોજગારી આપનારૂં એક પ્રજાહિત કાર્યનું ધામ બન્યું છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત USA વચ્ચેના વ્યાપારિક, આર્થિક સંબંધોના સુદ્રઢ સેતુની ભૂમિકા આપતાં જણાવ્યું કે, ગુજરાતમાં યુ.એસ.એ માંથી ૧૧.૩૬ બિલીયન યુ.એસ.ડોલરનું FDI આવ્યું છે.

શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાતમાં હાલ કાર્યરત ૧ર૦ જેટલી યુ.એસ. ઊદ્યોગ ઇન્ડસ્ટ્રીઝની સંખ્યા વધે અને આવનારા દિવસોમાં ત્યાંના વધુ ઊદ્યોગો ગુજરાતમાં વિકસે તે માટે રાજ્ય સરકાર દ્વારા સકારાત્મક અભિગમની તત્પરતા વ્યકત કરી હતી.

તેમણે ગુજરાતની વિશ્વ ઓળખ બનેલા વાયબ્રન્ટ સમિટમાં તેમજ ગુજરાતમાં આગામી માર્ચ-રરમાં યોજાનારા ડિફેન્સ એકસપોમાં યુ.એસ ઊદ્યોગો-પ્રતિનિધિમંડળોને સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું હતું. યુ.એસ કંપનીઓ સેમિકંડકટર્સના ઉત્પાદન માટે પણ ગુજરાતમાં ઉત્પાદન એકમો માટે આગળ આવે તેવો અનુરોધ કર્યો હતો.

યુ.એસ.એ ના કોન્સ્યુલેટ જનરલ શ્રીયુત ડેવિડ રેન્ઝએ ગુજરાત સાથેના વ્યાપારિક વાણિજ્યીક સંબંધો અને ગુજરાતમાં કાર્યરત યુ.એસ કંપનીઓને મળી રહેલા સરકારના પોઝિટીવ એપ્રોચ માટે આભાર દર્શાવ્યો હતો.

તેમણે ગુજરાત સાથે ખાસ કરીને ગુજરાત, યુ.એસ.એ વચ્ચે વ્યાપારિક આર્થિક દ્વિપક્ષી સંબંધો, ઉચ્ચશિક્ષણમાં ગુજરાત-યુ.એસ.એ સહભાગીદારી, કલાયમેટ ચેન્જના પડકારોને પહોચી વળવા સાજીદારી અને સામાજીક ક્ષેત્રોમાં સશક્તિકરણમાં યુ.એસ.એ ના યોગદાનની ઉત્સુકતા દર્શાવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ તેમની આ ક્ષેત્રોમાં યોગદાન તત્પરતાને આવકારી સરાહના કરી હતી.

શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે યુ.એસ.એ કોન્સ્યુલેટ જનરલને ખાસ કરીને કચ્છમાં ૩૦ હજાર મેગાવોટનો જે હાઇબ્રીડ એનર્જી પાર્ક આકાર પામી રહ્યો છે તેમાં તેમજ ગિફટ સિટીમાં યુ.એસ.એ ની બેંકિંગ અને નાણાંકીય સંસ્થાઓ વધુ પ્રમાણમાં આવે તેવું ઇંજન પાઠવ્યું હતું.

આ સૌજ્ન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, ઊદ્યોગના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તા, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, ઊદ્યોગ કમિશનર શ્રી રાહુલ ગુપ્તા અને ઇન્ડેક્ષ-બી ના એમ.ડી. શ્રીમતી નિલમ રાની પણ જોડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button