ગુજરાત

ગાંધીનગર કેપિટલ- વારાણસી સુપરફાસ્ટ ટ્રેનનું ગોધરા રેલવે સ્ટેશન ખાતે ઉમંગભેર સ્વાગત કરાયું

કૃષિ મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે ગ્રીન સિગ્નલ આપી પ્રસ્થાન કરાવ્યું

પોલીસ બેન્ડની સૂરાવલીઓ તેમજ આદિવાસી નૃત્ય સાથે ગોધરા રેલવે સ્ટેશને ટ્રેનને આવકાર

ગોધરા: વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે રી-ડેવલપડ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવા સાથે ગાંધીનગર-વારાણસી અને મહેસાણા- વરેઠા મેમુને પણ વર્ચ્યુલી લીલી ઝંડી બતાવી ગાંધીનગરથી  પ્રસ્થાન કરાવી હતી. ૨૪ કલાકમાં ગાંધીનગર કેપિટલથી વારાણસી પહોંચાડતી આ ફાસ્ટ ટ્રેન આણંદ અને છાયાપુરી થઈ ગોધરા પહોંચી ત્યારબાદ તેને ઉજ્જૈન તરફ આગળ જવા કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર દ્વારા ગ્રીન સિગ્નલ આપીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.

આ અગાઉ, પ્રધાનમંત્રીશ્રી દ્વારા આ વિકાસ પ્રકલ્પોના પ્રજાર્પણ કાર્યક્રમમાં મંત્રીશ્રી સહિતના મહાનુભાવો ગોધરા રેલવે સ્ટેશને યોજાયેલ એક કાર્યક્રમમાં ઓનલાઈન નિહાળી  સહભાગી થયા હતાં. આ પ્રસંગે કાર્યક્રમને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ દ્વારા દેશના સર્વાંગી વિકાસની કૂચ વધુને વધુ વેગીલી બની રહી છે. ગાંધીનગર-વારાણસી, મહેસાણા- વરેઠા મેમુ સહિતના રેલ પ્રકલ્પો અને ગાંધીનગરના રીડેવલપ્ડ રેલવે સ્ટેશનનું લોકાર્પણ એ જ દિશામાં વધુ એક મજબૂત પગલું છે. મંત્રીશ્રીએ દેશના ઉત્તમ રેલવે સ્ટેશનોમાં હમણાંથી ગાંધીનગર કેપિટલની ગણતરી થવા લાગી છે તે હર્ષની વાત છે તેમ જણાવ્યું હતું. ગુજરાતમાં વિકાસકાર્યોની હેલી બદલ વડાપ્રધાનશ્રીનો આભાર માનતા કૃષિ મંત્રીશ્રીએ બાબા વિશ્વનાથના કાશી દરબારમાં લઈ જતી ટ્રેનની શરૂઆતની આ ક્ષણને સમગ્ર ગુજરાતના ભાવિકજનો માટે આનંદની ક્ષણ ગણાવી હતી.

આ અગાઉ, ટ્રેન પ્લેટફોર્મ પર આવતા પોલીસબેન્ડની સૂરાવલીઓ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેલવે સ્ટેશન ખાતે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કવાંટ નૃત્ય જૂથ દ્વારા સુંદર નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કુ. કામિનીબેન સોલંકી, સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય સર્વશ્રી સુશ્રી સુમનબેન ચૌહાણ, સુશ્રી નિમિષાબેન સુથાર, જિલ્લાના અગ્રણીશ્રી અશ્વિનભાઈ પટેલ સહિતના આગેવાનો તેમજ જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ રાઠોડ, પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી સી.સી. ખટાણા, પ્રાંત અધિકારી ગોધરા સુશ્રી એન.બી. રાજપૂત, મામલતદાર ગોધરાશ્રી વિજય આંટીયા સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button