અમદાવાદગુજરાત

આધુનિકીકરણની દિશામાં ગુજરાત પોલીસની આગેકૂચ

ગુજરાત પોલીસને 10 હજાર Body Worn Cameraનું લોકાર્પણ

  • “ભારતમાં બોડી વોર્ન કેમેરાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય” : ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા
  • સમગ્ર રાજ્યમાં 50 કરોડના ખર્ચે 10 હજાર કેમેરા કાર્યાન્વિત થશે.
  • બોડી વોર્ન કેમેરાથી પોલીસ-પ્રજામાં શિસ્તનો સંચાર થશે.
  • ટેકનોલોજીના નૂતન ઉપયોગના પગલે ગુનેગારોને પકડવાનું સહેલું બનશે
  • ગુજરાત સરકારે કાયદો-વ્યવસ્થાના ક્ષેત્રે બજેટમાં રૂ.7,960 કરોડની ફાળવણી કરી

અમદાવાદ: ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ અમદાવાદમાં ગુજરાત પોલીસને 10 હજાર “Body Worn Camera” લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે જણાવ્યું હતું કે,’ભારતમાં બોડી વોર્ન કેમેરાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય છે.’ આ પહેલથી રાજ્યનું પોલીસતંત્ર વધુ સ્માર્ટ અને શાર્પ બનશે એટલું જ નહીં ટેકનોલોજી અપગ્રેડેશનની મદદથી પોલીસ ગંભીર ગુનાઓની તપાસ વધુ અસરકારક રીતે કરી શકશે. ગુજરાતની શાંતિ અને સલામતીમાં આ કેમેરા અસરકારક હથિયાર પુરવાર થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

‘બોડી વોર્ન કેમેરા’ની ઉપયોગિતા વર્ણવતા મંત્રીશ્રીએ કહ્યું કે, ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થા, VVIP સુરક્ષા જેવી વિવિધ પોલીસ કામગીરીમાં પોલીસ યુનિફોર્મ, હેલમેટ કે અન્ય પહેરવેશ પર આ ‘બોડી વોર્ન કેમેરા’નો ઉપયોગ કરી શકશે. પોલીસતંત્રમાં ટેકનોલોજીના ઉપયોગ અંગેની ભૂમિકા સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું કે બદલાતા સમયમાં પોલીસતંત્રમાં માત્ર માનવબળની વૃદ્ધિથી કામ નહીં ચાલે, સાથોસાથ ટેકનોલોજીનો પણ સુપેરે ઉપયોગ કરવો પડશે.

પોલીસસેવાના વિસ્તરણ અને આધુનિકીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે, અને રાજ્યમાં આ અંગે નક્કર પગલા ભરવામાં આવી રહ્યા છે. તેનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, વર્ષ 2017 થી 2020 સુધીમાં ગુજરાત સરકારે લોકરક્ષકથી માંડીને પોલીસ ઈન્સ્પેક્ટર સુધીના સંવર્ગમાં 30,419 યુવાનોની ભરતી કરી છે અને ચાલુ વર્ષે રાજ્ય સરકારે બજેટમાં કાયદો અને વ્યવસ્થા માટે રુ. 7,960 કરોડની ફાળવણી કરી છે.

Dedication of 10 thousand Body Worn Camera to Gujarat Police

શ્રી જાડેજાએ રાજ્યમાં શાંતિ અને સલામતી માટે કરવામાં આવેલા કાનૂન-સુધારાની વિગતો આપતા કહ્યું કે, બહેન અને દીકરીઓની સલામતી માટે રાજ્ય સરકારે નશાબંધીના કાયદામાં સુધારો કરી ગુનેગારોને નશ્યત કરવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે , ગુજરાતમાં જમીન પચાવી પાડતા અસામાજિક તત્વો પર સંકજો કસવા માટે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રિવેન્શન એક્ટ અમલી બનાવવામાં આવ્યો છે. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે ગુંડાઓ સામે વધુ કડક હાથે કામગીરી કરવા માટે ગુજરાત ગુન્ડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટીવીટી(પ્રિવેન્શન),2020 માનનીય રાષ્ટ્રપતિ સમક્ષ મંજૂરી અર્થે મૂક્યો છે.

રાજ્યમાં પ્રજાની શાંતિ અને સલામતી માટે રાજ્ય સરકાર દ્વારા લેવાઈ રહેલા શ્રેણીબદ્ધ પગલાંની રુપરેખા આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ‘વિશ્વાસ’ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર રાજ્યના જિલ્લા મથકો, ધાર્મિક સ્થળો અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીને 7 હજારથી વધુ કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ વિભાગના આધુનિકીકરણમાં મહત્વપૂર્ણ એવા ઈ-ગુજકોપનો પણ આ અવસરેગૃહરાજ્યમંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પોલીસતંત્રનો આ ડિજિટાઈઝેશન પ્રકલ્પ રાષ્ટ્રીય સ્તરે સરાહના પામ્યો છે. તેમણે આ અવસરે પોલીસ આધુનિકીકરણમાં ‘પોકેટ કોપ’ પ્રકલ્પનું પણ અગત્યનું સ્થાન હોવાનું જણાવ્યું હતું.

રાજ્યના પોલીસતંત્રને વધુ મજબૂત બનાવવા માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગને વ્યાપક બનાવાયો છે.

આ પ્રસંગે ગૃહ સચિવ શ્રી નિપુણા તોરવણે, રાજ્યના પોલીસ વડા – શ્રી આશિષ ભાટીયા, કાયદો વ્યવસ્થા અને પોલીસ મોર્ડનાઈઝેશનના એડિશનલ ડીજીપી શ્રી નરસિમ્હા કોમર, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button