સુરત

ચેમ્બર દ્વારા રાષ્ટ્રીય કક્ષાની ‘નેશનલ એચ.આર. કોન્કલેવ ર૦ર૧’નું આયોજન, ભારતના સુરક્ષા સચિવ ડો. અજય કુમાર સંબોધશે તથા IIM તેમજ L&T અને અનેક નામી વકતાઓ એક મંચ પર આવશે

સરસાણાના પ્લેટીનમ હોલમાં ર૮ ડિસેમ્બર, ર૦ર૧ના રોજ આખા દિવસની કોન્કલેવ યોજાશે, ઉદ્યોગપતિઓ અને પ્રોફેશનલ્સ માટે કોન્કલેવ મહત્વની સાબિત થશે

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સતત પાંચમી વખત નેશનલ એચ.આર. કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. મંગળવાર, તા. ર૮ ડિસેમ્બર, ર૦ર૧ના રોજ સવારે ૮:૩૦ થી સાંજે પઃ૩૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત પ્લેટીનમ હોલમાં ‘નેશનલ એચ.આર. કોન્કલેવ ર૦ર૧’યોજાશે. જેમાં કી–નોટ સ્પીકર તરીકે ભારતના સુરક્ષા સચિવ ડો. અજય કુમાર વિશેષ સંબોધન કરશે.

કોઇપણ વ્યવસાયિક સફળતાના મુખ્યત્વે ૬ M પાયારૂપ હોય છે. (૧) મશીન્સ (ર) મટિરિયલ (૩) મેનેજમેન્ટ (૪) મની (પ) મેથડ (૬) મેનપાવર. આ ૬ માંથી સૌથી વધુ અગત્યનો અને માવજત માગી લે તેવો M એટલે મેનપાવર. ર૧મી સદીમાં કોર્પોરેટ અને મલ્ટી નેશનલ કંપનીઓમાં જચની અગત્યતા સ્વીકારવામાં આવી છે અને ખૂબ જ સુક્ષ્મ રીતે તેમાં માણસોની જાળવણી અને ઉત્સાહવર્ધક પ્રવૃત્તિ તેમના હકારાત્મક યોગદાન માટે થાય છે, જે પ્રવૃત્તિ માટે દિશાસૂચક અને સરાહનીય છે.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત એ SME અને MSME ના સાહસોથી જાણીતું છે. ભારતના જીડીપીમાં સુરત અને દક્ષિણ ગુજરાતનો ફાળો અગ્રગણ્ય રહયો છે, પરંતુ વખતોવખત ખાસ કરીને કોવિડ– ૧૯ દરમ્યાન આપણે અનુભવ્યું કે પોતાની નોકરી છોડીને જતા રહેતા કામદારોને પાછા વાળવા કે પરત મેળવવા એ લોઢાના ચણા ચાવવા જેવી જટીલ સમસ્યા હતી. એકંદરે એચ.આર. પ્રવૃત્તિની દિશામાં હવે જાગૃતતા કેળવવી ખૂબ જ આવશ્યક છે અને ચેમ્બર દ્વારા થતા ઇનીશિએટીવ આવનારા સમયમાં ચોકકસ જ પરિણામલક્ષી બની રહેશે. આથી આ કોન્કલેવમાં ભાગ લેવા માટે ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ, પ્રોફેશનલ્સ તેમજ એચ.આર. સાથે સંકળાયેલા તમામને તેમણે અનુરોધ કર્યો હતો.

ચેમ્બર દ્વારા યોજાનારી પાંચમા એચ.આર. કોન્કલેવનો મુખ્ય વિષય HR ૪.૦ રહેશે. સાંપ્રત સમયમાં ૪.૦ જ્યારે મશીન્સ, ટેકનોલોજી અને ઇન્ફોર્મેશન જેવાં વિષયોના અમલીકરણમાં અગત્યની ભૂમિકા ભજવે છે ત્યારે ૪.૦ ની એચ.આર. અસરકારકતા વિશે કોન્કલેવમાં વિશેષ છણાવટ થશે.

ભારતના સુરક્ષા સચિવ ડો. અજય કુમાર (IAS) મુખ્ય વકતા તરીકે કોન્કલેવને સંબોધશે. લાર્સન એન્ડ ટુબ્રોના સિનિયર એકઝીકયુટીવ વાઇસ પ્રેસિડેન્ટ – ડિફેન્સ એન્ડ સ્માર્ટ ટેકનોલોજી જયંત પાટીલ ‘એચ.આર. એ એજન્ડા ન હોવો જોઇએ, તે એજન્ડા છે’વિષય ઉપર વકતવ્ય રજૂ કરશે. જ્યારે આઇ.આઇ.એમ.– અમદાવાદના પ્રોફેસર બીજુ વરકી ‘એચ.આર.એમ.ના ભાવિ મોડલ’વિષય ઉપર વકતવ્ય આપશે.

અમેરિકાથી ખાસ વકતા તરીકે પધારનાર USGBC & GBCL – વોશિંગ્ટન ડીસીના પૂર્વ અધ્યક્ષ અને સીઇઓ મહેશ રામાનુજમ પર્યાવરણ, સસ્ટેનેબિલિટી એન્ડ ગવર્નન્સ પાર્ટનર તરીકે એચ.આર.ની ભૂમિકા વિશે પોતાનું વ્યાખ્યાન રજૂ કરશે. તદુપરાંત આર્સેલર ગૃપના એચ.આર. વાઇસ પ્રેસિડેન્ટ અનિલ મટ્ટુ વ્યુવહાત્મક એચ.આર. પહેલના મહત્વ વિશે સમજણ આપશે. સાથે જ બ્રેઇન ચેકર ઇન્ડિયાના પ્રેસિડેન્ટ એન્ડ કો–ફાઉન્ડર ડો. અશ્વિન રાજે ‘કોર્પોરેટ એસેસમેન્ટના મહત્વ’વિશે વકતવ્ય રજૂ કરશે.

HR 4.0 વિષય ઉપર એક રસપ્રદ પેનલ ડિસ્કશન થશે. જેમાં એચ.એલ.ઇ. ગ્લાસકોટના ચીફ ટ્રાન્સફોર્મેશન ઓફિસર અમિત કાલરા, શ્રીરામકૃષ્ણ એકસપોર્ટર્સના સીએચસીઓ ડો. નિરવ મંડીર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એવીપી–એચઆર રાજેશ શાહ અને ગોલ્ડસ્ટાર જ્વેલરીના સ્ટ્રેટેજીક એચઆરના વાઇસ પ્રેસિડેન્ટ ડો. સૌમ્યા બડગાયન પેનલીસ્ટ તરીકે ભાગ લેશે. જેને ચેમ્બરની એચઆર એન્ડ ટ્રેનીંગ કમિટીના ચેરમેન તેમજ જાણીતા મોટીવેટર મૃણાલ શુકલ મોડરેટ કરશે.

ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ, પ્રોફેશનલ્સ અને એચ.આર. સાથે સંકળાયેલા તમામ માટે ખૂબ જ અગત્યની બની રહેનાર આ કોન્કલેવમાં ભાગ લેવા માટે ગુગલ લીન્ક https://bit.ly/3w8SCqK ઉપર ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button