સુરત

ચેમ્બરના મહત્વકાંક્ષી એકઝીબીશન ‘WoW ટ્રાવેલ શો કેસ’માં કન્ટ્રી પેવેલિયન તરીકે ભાગ લેવા પોલેન્ડ, શ્રીલંકા અને થાઇલેન્ડે તૈયારી દર્શાવી 

યુરોપિયન કન્ટ્રી પોલેન્ડના કોન્સુલ જનરલે સુરતથી યુ.એસ.એ. વાયા પોલેન્ડ ફલાઇટ શરૂ કરવા માટેની શકયતા ચકાસવા ચેમ્બરની સાથે મહત્વની ચર્ચા વિચારણા કરી 

શ્રીલંકામાં બનેલા ફાર્મા પાર્કમાં અને ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં સુરતના ઉદ્યોગકારો રોકાણ કરી શકે તે માટે ચેમ્બરના ડેલીગેશનને કોલમ્બો લઇ જવા આમંત્રણ અપાયું 

સુરત. ટુરીઝમ ઉદ્યોગને વેગવંતો કરવા ભારત સરકારનું ઉત્સાહવર્ધક અભિયાન ‘દેખો અપના દેશ’અને ગુજરાત સરકારનું ‘ખુશ્બુ ગુજરાત કી’સુત્રને સાર્થક કરવા તથા ટુરીઝમ ઉદ્યોગને વર્તમાન કપરી પરીસ્થિતિમાંથી બહાર લાવવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રયાસોના ભાગ રૂપે ચેમ્બર દ્વારા અતિ મહત્વકાંક્ષી એકઝીબીશન ‘WoW ટ્રાવેલ શો કેસ’નું ફેબ્રુઆરી– ર૦રર દરમ્યાન આયોજન કરવામાં આવ્યું છે.

‘WoW ટ્રાવેલ શો કેસ’એક અનોખી વિચારધારા સાથે આયોજીત થનાર છે. જેમાં પ્રદર્શનકાર તરીકે માત્ર ભારતના વિવિધ રાજ્યોના ટુરીઝમ ડિપાર્ટમેન્ટ તથા આંતરરાષ્ટ્રીય ટુરીઝમ બોર્ડ ભાગ લેશે અને તેઓ પોતાના પ્રમાણમાં ઓછા પરિચિત પ્રવાસન સ્થળોને પ્રદશિર્ત કરી માહિતી પ્રદાન કરશે. આ ઉપરાંત એરલાઈન્સ, ક્રુઝલાઈનર,રેલ્વે વર્લ્ડવાઈડ પણ પોતાની પ્રિમિયમ સર્વિસિસને પ્રદર્શિત કરશે.

આના અનુસંધાનમાં ચેમ્બરની કોન્સ્યુલેટ લાયઝન / ઇન્ટરનેશનલ બિઝનેસ ડેલીગેશન કમિટીના ચેરમેન હર્ષલ ભગત અને ટુર્સ એન્ડ ટ્રાવેલ કમિટીના ચેરમેન વિનેશ શાહે બુધવાર, તા. પ જાન્યુઆરી, ર૦રરના રોજ મુંબઇ ખાતે કોન્સ્યુલેટ જનરલ ઓફ ધી રિપબ્લીક ઓફ પોલેન્ડ– મુંબઇ ખાતેના કોન્સુલ જનરલ દમિયન ઇરઝીક, રોયલ થાઇ કોન્સ્યુલેટ જનરલ– મુંબઇ ખાતેના ડેપ્યુટી કોન્સુલ જનરલ નત્તાસુડા મેટ્ટાપ્રસર્ટ અને કોન્સ્યુલેટ જનરલ ઓફ ધી ડેમોક્રેટીક સોશિયાલિસ્ટ રિપબ્લીક ઓફ શ્રીલંકા– મુંબઇ ખાતેના કોન્સુલ જનરલ વલ્સન વેથોડી સાથે મુલાકાત કરી હતી. આ ત્રણેય દેશોના એમ્બેસીના કોન્સુલ જનરલની મુલાકાત લઈ ‘WoW ટ્રાવેલ શો કેસ’માહિતી આપી હતી. આ ત્રણેય દેશો જેવા કે પોલેન્ડ, રોયલ થાઇ અને શ્રીલંકાના કોન્સુલ જનરલે ચેમ્બરના ‘WoW ટ્રાવેલ શો કેસ’માં કન્ટ્રી પેવેલિયન તરીકે ભાગ લેવાની તૈયારી દર્શાવી હતી.

યુરોપિયન કન્ટ્રી પોલેન્ડના કોન્સુલ જનરલે સુરતથી યુ.એસ.એ. વાયા પોલેન્ડ ફલાઇટ શરૂ કરવા માટેની શકયતા ચકાસવાની દિશામાં મહત્વની ચર્ચા વિચારણા કરી આ મામલે ચેમ્બર પાસેથી સૂચનો મેળવવા માટે અનુરોધ કર્યો હતો. જ્યારે શ્રીલંકાના કોન્સુલ જનરલે ફાર્મા અને ટેક્ષટાઈલ ઉદ્યોગના અરસપરસના વેપાર વિનિમય માટે સુરતમાં ચેમ્બરના સહકારથી રોડ શો કરવાની સાથે સુરત શહેર સાથે વિવિધ ઉદ્યોગોમાં નવા વ્યાપાર કરારો કરવાની પણ ઈચ્છા દર્શાવી હતી. શ્રીલંકા ખાતે ફાર્મા અને ટેકસટાઇલ ઉદ્યોગ વિકસ્યો છે, ત્યારે શ્રીલંકા ખાતે બનેલા ફાર્મા પાર્કમાં અને ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં સુરતના ઉદ્યોગકારો રોકાણ કરી શકે તે માટે સુરતથી ઉદ્યોગપતિઓ સાથે ચેમ્બરના ડેલીગેશનને શ્રીલંકાના કોલમ્બો ખાતે લઇ જવા માટે તેમણે આમંત્રણ આપ્યું હતું. તદુપરાંત થાઇલેન્ડના ડેપ્યુટી કોન્સુલ જનરલે ચેમ્બરના ‘WoW ટ્રાવેલ શો કેસ’માં કન્ટ્રી પેવેલિયન તરીકે ભાગ લેવાની સાથે સાથે કલ્ચરલ શો પણ કરવાનું જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button