સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન અંતર્ગત ગ્રીનમેન વિરલ દેસાઈએ કરી સ્વાતંત્ર્ય દિનની ઉજવણી
હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન ટ્રી પ્લાન્ટેશનના માધ્યમથી કરી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી
ગ્રીનમેન વિરલ દેસાઈ સો જેટલા કર્મચારીઓ સાથે પ્લાન્ટેશન કરીને કરી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી
સુરત: ગ્રીનમેન વિરલ દેસાઈની આગેવાનીમાં કાર્યરત હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા રાંદેરના સુલતાનિયા જીમખાના ખાતે દોઢસો વૃક્ષો રોપીને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વૃક્ષારોપણમાં આંતરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ આર્કિટેક્ટ ફર્મ ઈન્ટરનેશનલ સર્વિસ પાર્ટનર્સના સો જેટલા કર્મચારીઓ વિશેષરૂપે હાજર રહ્યા અને તેમણે ગ્રીનમેન વિરલ દેસાઈ પાસે વૃક્ષારોપણ બાબતે માર્ગદર્શન લીધું હતું.
ઉલ્લેખનીય છે કે સુરતની ઈન્ટરનેશનલ સર્વિસ પાર્ટનર્સ (આઈએસપી)ના યુવાન આર્કિટેક્ટ્સ તેમજ એન્જિનિયર્સે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ગ્રીનમેન વિરલ દેસાઈને વિશેષરૂપે આમંત્રિત કરીને હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન સાથે વૃક્ષારોપણ કરવાનું આયોજન કર્યું હતું, જેથી તેમની સંસ્થામાં કામ કરતા સોથી વધુ યુવાન કર્મચારીઓને વૃક્ષો પ્રત્યે ભાવના કેળવાય અને તેઓ પર્યાવરણ સાથે નિસ્બત કેળવે. આ માટે આઈએસપીના ડિરેક્ટર હિરેન પટેલે કહ્યું હતું કે, ‘અમે હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનનાં પર્યાવરણીય કાર્યોથી પ્રભાવિત હતા એટલે અમારી આખી ટીમ તેમની સાથે વૃક્ષારોપણ કરે એવી અમને ઈચ્છા હતી. આ વૃક્ષારોપણ બાદ અમારા કર્મચારીઓ પ્રકૃતિની સેવા કરીને અત્યંત ખુશ થયા અને તેમણે વિરલભાઈ પાસે પર્યાવરણની માહિતી મેળવીને એજ્યુકેટ થયા હતા.’
તો ગ્રીનમેન વિરલ દેસાઈએ કહ્યું હતું કે, ‘એક તરફ યુવાપેઢી પ્રકૃતિ અને પર્યાવરણથી વિમુખ થઈ રહી છે એવા સમયે આઈએસપી જેવી સંસ્થાના સોથી વધુ કર્મચારીઓ અમારી સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન મુહિમ અંતર્ગત ઉત્સાહભેર વૃક્ષારોપણ માટે આવે એ મારા જેવા પર્યાવરણવાદી માટે અત્યંત આશા અને આનંદની બાબત છે.’
આઈએસપીનાં ધારા ઉપાધ્યાયે આ પ્રસંગે કહ્યું હતું કે, ‘એક તરફ કેટલાક લોકો એનજીઓને નામે ઉઘરાણી અને એજેન્ડાની ગતિવિધિમાં પડ્યા છે ત્યારે સુરતમાં હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન એવી સંસ્થા છે, જે ગાંઠનું ગોપીચંદન કરીને પણ પર્યાવરણ માટે કાર્યરત રહે છે અને દેશની સેવા કરે છે.’
ઉલ્લેખનીય છે કે વૃક્ષારોપણના આ કાર્યક્રમ દરમિયાન વિરલ દેસાઈએ યુવાનોને એનવાર્યમેન્ટ અને ટ્રી પ્લાન્ટેશન વિશેની અનેક અવનવી તેમજ માહિતીપ્રદ વાતો શેર કરી હતી. જેને પગલે અનેક આર્કિટેક્ટ અને એન્જિનિયર યુવાનોએ વિરલ દેસાઈની સંસ્થામાં પર્યાવરણ સેનાની બનવાની તૈયારી દાખવી હતી.