ગુજરાત

“નારી ગૌરવ દિવસ” નિમિતે ‘શક્તિ’ના સશક્તિકરણ-નારી ગૌરવના જતન માટે રાજ્યભરમાં ૧૦૮ કાર્યક્રમો યોજાયા

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ૧૪ હજાર સખીમંડળોની એક લાખ બહેનોને વગર વ્યાજે રૂ.૧૪૦ કરોડનું ધિરાણ

  • મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી વડોદરાથી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ આણંદ ખાતેથી કાર્યક્રમમાં સહભાગી બન્યા : મંત્રી મંડળના સભ્યો સહિતના અન્ય પદાધિકારીઓ વિવિધ જિલ્લા મથકેથી જોડાયા
  • ડિસેમ્બર૨૦૨૨ સુધીમાં રાજ્યની ૧૦ લાખ મહિલાઓને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત રૂ. એક હજાર કરોડનું વિના વ્યાજનું ધિરાણ આપવામાં આવશે
  • રૂ. ૧૭.૧૭ કરોડના ખર્ચે નિર્મિત આંગણવાડી તથા અન્ય કચેરીના ૨૨૩ મકાનોનું લોકાર્પણ અને રૂ. ૧૩.૯૬ કરોડના ખર્ચે નિર્માણ થનાર ૧૪૦ મકાનોનું ખાતમુહૂર્ત
  • ૨.૪૦ કરોડના ખર્ચે લુણાવાડા અને નવસારી ખાતે નવ નિર્મિત સખી વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ તથા ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ખાતે નિર્માણ પામનાર સખી વન સ્ટોપ સેન્ટરનું ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજય સરકારને તા.૭ ઑગસ્ટના રોજ પાંચ વર્ષની સફળ પૂર્ણતાના વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનુ તા.૧લી ઑગસ્ટથી તા. ૯મી ઑગસ્ટ દરમિયાન રાજયવ્યાપી આયોજન કરાયુ છે. જે અંતર્ગત તા.૪થી ઑગસ્ટના રોજ “નારી ગૌરવ દિવસ” નિમિત્તે ‘શક્તિ’ના સશક્તિકરણ અને નારી ગૌરવના જતન માટે રાજયભરમાં ૧૦૮ જેટલાં મહિલા ઉત્કર્ષ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં રાજ્યભરની મહિલાઓએ સહભાગી બનીને રાજ્ય સરકારની આ પહેલને આવકારી લાખ લાખ અભિનંદન પાઠવ્યા હતા.

નારી ગૌરવ દિવસ નિમિત્તે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ૧૪ હજાર સખીમંડળોની એક લાખ બહેનોને વગર વ્યાજે રૂ. ૧૪૦ કરોડનું ધિરાણ આપીને મહિલાઓના આર્થિક ઉત્થાન માટે મહત્વનું કદમ ઉપાડ્યું છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરા તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે આણંદ ખાતે આ કાર્યક્રમોમાં સહભાગી બન્યા હતા જ્યારે મંત્રી મંડળના સભ્યો સહિતના અન્ય પદાધિકારીઓએ વિવિધ જિલ્લા મથકે ઉપસ્થિત રહી મહિલાઓને પ્રોત્સાહિત કરી હતી.

આજે રાજ્યભરમાં ૧૭.૧૭ કરોડના ખર્ચે નિર્મિત આંગણવાડી તથા અન્ય કચેરીના ૨૨૩ મકાનોનું લોકાર્પણ અને રૂ. ૧૩.૯૬ કરોડના ખર્ચે નિર્માણ થનાર ૧૪૦ મકાનોનું ખાતમુહૂર્ત કરાયુ હતુ જ્યારે ૨.૪૦ કરોડના ખર્ચે લુણાવાડા અને નવસારી ખાતે નવ નિર્મિત સખી વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ તથા ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ખાતે નિર્માણ પામનાર સખી વન સેન્ટરનું ખાતમુહૂર્ત સંપન્ન થયુ હતુ.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ નારી ગૌરવ દિવસે મહિલા ઉત્કર્ષલક્ષી વિવિધ કાર્યક્રમોનો વડોદરાથી પ્રારંભ કરાવતા જણાવ્યુ કે, સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં એક નવું જ વિકાસ વિશ્વ આપણે સર્જ્યું છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ ડિસેમ્બર – ૨૦૨૨ પહેલા રાજ્યની ૧૦ લાખ મહિલાઓને તેમાં જોડીને રૂ. એક હજાર કરોડનું વિના વ્યાજનું ધીરાણ અપાશે. વિકાસની આ પ્રક્રિયા પરસ્પરના સાથ, સહયોગ અને સહકાર વિના શક્ય નથી, રાજ્ય સરકારે સૌના સાથથી સૌનો વિકાસ સાધ્યો છે. નારીશક્તિનું સન્માન એ સમૃદ્ધિ તરફનો માર્ગ છે, નારીશક્તિને વિકસવા માટેનું યોગ્ય આર્થિક વાતાવરણ રાજ્ય સરકારે આપ્યું છે.

શ્રી રૂપાણીએ કહ્યું કે, જ્યાં નારીઓનું સન્માન અને ગૌરવગાન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ છે. એનો મતલબ કે નારીશક્તિનું સન્માન એ સમૃદ્ધિ તરફનો માર્ગ છે. નારીશક્તિને વિકસવા માટેનું યોગ્ય આર્થિક વાતાવરણ રાજ્ય સરકારે આપ્યું છે. નારીમાં રહેલી શક્તિની ઉપાસના કરીએ છીએ. નારીમાં રહેલી ઊર્જાની આરાધના કરીએ છીએ. ગુજરાતની નારી એટલે અબળા નહીં પણ તેજસ્વિતાનું અને ઊર્જાનું પ્રતીક છે. પરંપરાઓથી, સંસ્કારથી આપણે મહિલાને માનભર્યું સ્થાન આપ્યું છે. મહિલા પુરુષ સમોવડી નહીં, હવે ગુજરાતની મહિલા પુરુષ કરતાં પણ વધુ શક્તિશાળી બનાવવાનો પ્રયત્ન કરી વિવિધ ક્ષેત્રમાં સમાન તકો આપી છે. રાજ્ય સરકારની લોકોપયોગી, જનહિતકારી અને પ્રજાલક્ષી યોજનાઓ અને કાર્યક્રમો નારી ગૌરવને સમર્પિત છે.  જાપાનના ટોકીયોમાં ચાલી રહેલી ઓલેમ્પિક ગેમ્સમાં આપણા ગુજરાતની છ મહિલા રમતવીરો દેશનું પ્રતિનિધિત્વ વિવિધ રમતોમાં કરે છે.

આણંદ ખાતે નાયબ મુખ્‍ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે તત્‍કાલિન મુખ્‍ય મંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ગ્રામિણ અને શહેરી એમ તમામ વર્ગની ગરીબ-મધ્‍યમ વર્ગની તેમજ અભણ અને ઓછુ ભણેલી બહેનોને આજીવિકા મળી રહે અને કુટુંબને આર્થિક રીતે સહાયરૂપ થઇ શકે તે માટે સખી મંડળોની રચના કરવાની ઝુંબેશ ઉપાડી હતી તેના ફળ સ્‍વરૂપે આજે ગુજરાતમાં ૧૪ હજારથી વધુ સખી મંડળો/સ્‍વસહાય જૂથો કાર્યરત છે.તેમણે સમાજમાં મહિલાઓનું દરેક જગ્‍યાએ પ્રતિનિધિત્‍વ જળવાઇ રહે તે માટે સશકિતકરણની દિશામાં નકકર પગલાં લીધા હોવાનું જણાવી સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓની પહેલા કારણે આજે રાજયની મહિલાઓ સ્‍વામાનથી જીવન જીવી રહેવાની સાથે સુરક્ષિત પણ હોવાનું કહ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતુ કે, આપણા માટે ગૌરવની બાબત છે કે સમગ્ર દેશમાં માત્ર ગુજરાત પ્રથમ એવું રાજ્ય છે કે વડાપ્રધાનશ્રીના “આત્મનિર્ભર મહિલા, આત્મનિર્ભર ભારતના” સ્વપ્નને સાકાર કરવા આપણા સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ મહિલાઓના હિતની ચિંતા કરીને તેમને આર્થિક રીતે સ્વતંત્ર અને સ્વાવલંબન સાથે જીવન જીવે તે માટે રાજ્યની મહિલાઓના ઉત્કર્ષ માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અમલી બનાવી છે.

સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા કાર્યક્રમ કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, મહિલાઓને આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવવાની દિશામાં મહિલા ઉત્કર્ષ યોજના એક મહત્વપૂર્ણ કદમ સાબિત થશે. આ યોજના અંતર્ગત મહિલાઓના સ્વસહાય જુથોને ધિરાણ સંસ્થા અથવા બેંક મારફત રૂપિયા એક લાખની લોન આપવામાં આવશે.

રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની મહિલાઓને સોંપેલો રૂપિયો સારા કાર્યોમા જ વપરાશે, એવો રાજ્ય સરકારને દ્રઢ વિશ્વાસ છે. રાજ્ય સરકારે વીજ ક્ષેત્રે આદરેલા વિકાસ કાર્યોની આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે ૬૩,૦૦૦ કૃષિ વીજ કનેક્શન્સ રાજ્યના ખેડૂતોને આપ્યા છે, જે માટે રાજ્ય સરકારને રૂપિયા ૧૮ કરોડનો ખર્ચ થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે રાજ્યના ખેડૂતોને રૂપિયા ૩૦ હજાર કરોડની સબસિડી આપી છે. અત્યાર સુધી રાજ્ય સરકારે પાંચ હજાર ગામડાઓને દિવસે વીજળી પૂરી પાડી છે અને ૩૫ કરોડના ખર્ચે આવનારા બે વર્ષમાં ૧૮,૦૦૦ ગામડાંને દિવસે વીજળી પૂરી પાડવાની રાજ્ય સરકારની નેમ છે.

અમદાવાદ ખાતે વનમંત્રી શ્રી ગણપતભાઇ વસાવાની અધ્યક્ષતામાં નારી દિવસ નિમિત્તે  યોજાયેલા કાર્યક્રમમાં અમદાવાદ શહેર વિસ્તારના ૧૦ જેટલા વિવિધ મહિલાલક્ષી જૂથોને “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના” અંતર્ગત રૂ. એક લાખના બેંક લોનના ચેક વિતરણના લાભોથી લાભાન્વિત કરવામાં આવ્યા હતા. સશક્ત નારી એ તંદુરસ્ત સમાજનું પ્રતિબિંબ છે.

હિંમતનગર ખાતેના કાર્યક્રમાં મહેસૂલમંત્રી શ્રી કૌશિક પટેલે જણાવ્યું હતુ કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બેટી બચાવો બેટી પઢાઓની શરૂઆત ગુજરાતમાં કરી હતી. અગાઉ દિકરા-દિકરીના રેશિયામાં ભારે અસમાનતા હતી. પરંતુ રાજ્યની સરકારે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકીને  આ અસમાનતાને દૂર કરી છે. સ્ત્રીભ્રુણ હત્યાનો કાયદો લાવ્યા છે. મહિલાઓમાં અપાર શક્તિઓ સમાયેલી છે જો તેમને સમાન તક આપવામાં આવે તો આખા દેશ અને પરિવારનું પણ તેઓ સંચાલન કરી શકે છે.

મોરબી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મહિલાઓ આત્મનિર્ભર બની રાજ્યના વિકાસમાં સક્રિય ફાળો આપે તેવી સરકારની નેમ છે તેમ જણાવી શ્રમ રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે કહ્યુ કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વલ હેઠળની સરકાર તમામ ક્ષેત્રે, તમામ સમાજનો સર્વાગી વિકાસ થાય તેના માટે કટિબદ્ધ છે. સમાજમાં મહિલાઓનું સ્થાન ઊંચુ લાવવા મહિલા ઉત્થાનની અનેક યોજનાઓ અમલમાં લાવીને ખરેખર નારી શક્તિનું ગૌરવ વધાર્યું છે.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે સુરત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, આપણી ભારતીય સંસ્કૃતિમાં ‘નારી તુ નારાયણી’ અને ‘યત્ર નાર્યસ્તુ પૂજયતે, રમન્તે તત્ર દેવતા’ એવા વાકયોથી નારીનું બહુમાન કરવામાં આવ્યું છે. નારીશકિતએ સ્વતંત્રતા સંગ્રામમાં અનેરૂ યોગદાન આપ્યું છે. રાજય સરકારે મિલકત નોંધણીમાં પણ મહિલાઓને રાહત આપી છે.

પાણી પુરવઠા, પશુપાલન,ગ્રામગૃહ નિર્માણના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ અરવલ્લી જિલ્લાની ૪૦૦૦ મહિલાઓને લાભ આપતા કહ્યુ કે, રાજ્યમાં ૧૦ હજાર સખીમંડળ હેઠળ રાજ્યની મહિલાઓને ૧૦૦ કરોડ રૂપિયાની વગર વ્યાજની લોન માટેના ચેકનું વિતરણ કરાયું છે.

વેરાવળ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ જણાવ્યું હતુ કે, બહેનોમાં રહેલા કૌશલ્યનો ઉપયોગ કરી સ્વાવલંબી બને તે હેતુથી મુખ્યમંત્રીશ્રીએ અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે. શાસન વ્યવસ્થાના પાયામાં તમામ વર્ગોનો સમતોલન વિકાસ અને પ્રગતિને પ્રાધાન્ય હોય છે. મુખ્યમંત્રીશ્રી જનજનના વિકાસ માટે સતત સઘન પરીશ્રમ કરી રહ્યા છે.

ગોધરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી શ્રી જવાહર ચાવડાએ જણાવ્યું હતુ કે, પ્રસિધ્ધ વૈજ્ઞાનિક મેરી ક્યુરી, ફેશન જગતના કોકો શેનલ, લેખિકાઓ જેન ઓસ્ટિન અને જે.કે. રોલિંગ જેવી મહિલા પ્રતિભાઓના અતુલનીય પ્રદાન અને જગત પર આ હસ્તીઓના પ્રભાવની વાત કરતા નારીશક્તિને વંદન કર્યા હતા.

મહેસાણા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ સરકાર આપણી સરકાર છે. રાષ્ટ્રમાં સૌ પ્રથમ ગુજરાત સરકારે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના થકી ગામડાની તથા શહેરની તમામ બહેનોને એક ઉત્તમ ભેટ આપી નારી સન્માનને પ્રાધાન્ય આપ્યું છે મહિલાઓના સશકિતકરણ અને મહિલા ઉત્કર્ષને પ્રાધાન્ય આપીને પુરૂષ સમોવડી બનાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ  મહિલા વિભાગ સહિત મહિલાઓને સરકારમાં પ્રાધાન્ય આપ્યું છે. રાષ્ટ્રની આ લાખો મહિલાઓના આશિર્વાદથી આજે દેશના પ્રધાનમંત્રી દેશનું ગૌરવ વધારી રહ્યા છે.

શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતને શ્રેષ્ઠમાંથી સર્વશ્રેષ્ઠ અને ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૨માં મહિલાઓની ચિંતા કરી અલાયદો મહિલા અને બાળ વિકાસ વિભાગ શરૂ કર્યો હતો. ત્યારે તેનું બજેટ રૂ. ૪૫૬ કરોડની સામે આજે રૂ. ૩૫૧૧ કરોડનું છે. રાજ્ય સરકાર દ્વારા નારીઓના સશક્તિકરણ માટે તમામ પગલાઓ લેવામાં આવ્યા છે. મહિલાઓને વિના વ્યાજની લોન આપી પગભર બનાવવા ઉપરાંત, વહાલી દીકરી યોજના, મહિલા ઉત્કર્ષ યોજના, ગંગા સ્વરૂપા યોજના થકી મહિલાઓ માટે વિશેષ પ્રાવધાન સરકાર દ્વારા કરાયા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button